બોટાદના મામલતદારશ્રી બ્રમ્ભટ્ટના અધ્યક્ષસ્થાને ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે કેટલાક પ્રશ્નોને અનુલક્ષીને મતદાનનો બહિષ્કાર ન કરવા અંગે સમજુત કરાયા - At This Time

બોટાદના મામલતદારશ્રી બ્રમ્ભટ્ટના અધ્યક્ષસ્થાને ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે કેટલાક પ્રશ્નોને અનુલક્ષીને મતદાનનો બહિષ્કાર ન કરવા અંગે સમજુત કરાયા


રજૂ કરાયેલા તમામ પ્રશ્નનોને અગ્રતા આપવામાં આવશે તે અંગેની ગ્રામજનોને ખાતરી આપી

તા.૩૧ :- બોટાદના મામલતદારશ્રી બ્રમ્ભટ્ટના અધ્યક્ષસ્થાને ગઈકાલે ગઢડીયા ગામની ગ્રામ પંચાયત ખાતે ગઢડીયા, નાની વીરવા અને મોટી વીરવાના ગ્રામજનો સાથે કેટલાક પ્રશ્નોને અનુલક્ષીને મીટીંગ યોજીને મતદાનનો બહિષ્કાર ન કરવા અંગે સમજુત કરાયા હતાં.

બોટાદના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. એન.માંઝરીયા, સિચાઈ વિભાગ, માર્ગ મકાન વિભાગ (પંચાયત) સહિત અન્ય સંબધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા મામલતદારશ્રીબ્રમ્ભટ્ટે જણાવ્યું હતું કે, રતનપરથી મોટી વીરવા સુધીનો રસ્તો તેમજ ગઢડીયા, નાની અને મોટી વીરવા ગામોના જે સૌની યોજના અંતર્ગત તળાવો ભરવાના ગ્રામજનો તરફથી જે પ્રશ્નો રજૂ કરાયાં છે તેને અગ્રતાધોરણે હાથ ધરાશે તેમજ આ અંગેનો રિપોર્ટ સંબધિત અમલીકરણ અધિકારીઓને પણ આ અંગેનો અહેવાલ સત્વરે જિલ્લા કલેકટરશ્રીને મોકલી આપવા સુચના આપી. રજૂ કરાયેલા તમામ પ્રશ્નનોને અગ્રતા આપવામાં આવશે તે અંગેની મામલતદારશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

આ બેઠકમાં નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે, આ ગામો ઉંચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણી પહોંચી શકે તેમ નથી. આ પાણી પહોચાડવા પાણી પમ્પીંગ સ્ટેશન ઉભુ કરવું પડે તેમ છે.

માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ગઢડીયા-રતનપર વાળો રસ્તો સમયમર્યાદામાં એજન્સી દ્વારા પૂર્ણ કરેલ નથી જેથી એજન્સી સામે પગલા લેવા વડી કચેરીને અહેવાલ કરેલ છે.તથા આ અંગે આગળની પ્રક્રિયા શરૂમાં છે તેમજ ગઢડીયાથી નાની વીરવા ડામર કામ પૂર્ણ થયેલ છે અને ગઢડીયાથી મોટી વીરવાનો રસ્તો સરકારશ્રીમાથી મંજૂર થયેલ છે.નાની વીરવાથી મોટી વીરવા કાચા રસ્તા બાબતે બંન્ને ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં રજુઆત કરીએથી સરકારશ્રીમાં મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ બેઠકમાં ગઢડીયાના ગામ આગેવાનશ્રી અશોક બાવળીયા, મોટી વીરવાના પૂર્વ સરપંચશ્રી અવલભાઈ મીઠાપરા, ગઢડીયાના તલાટી કમ મંત્રી શ્રીમતી ભારતીબેન ઝાપડીયા સહિત ત્રણેય ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.