“ પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે...” - At This Time

“ પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે…”


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ કહ્યું છે, “પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ કરે છે.”
જ્યારે આપણે આગની નજીક બેસીએ તો ગરમી અનુભવ કરીએ છે. જ્યારે બરફના પહાડની પાસે બેસીએ ત્યારે ઠંડી લાગે છે. ફૂલોના બગીચામાં બેસીએ ત્યારે આપણે સુગંધ મળે છે. જ્યારે ચેપી રોગી વ્યક્તિની સાથે બેસીએ તો તે રોગ વ્યક્તિને પણ ચેપ લગાડી શકે છે. આજે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણથી પરેશાન છે, ઉદાસ છે, દૂ:ખી છે, તણાવગ્રસ્ત છે, કોઈ ને કોઈ રોગથી પીડિત છે. જે સિદ્ધ કરે છે કે વ્યક્તિની આંતરિક સંગત બરાબર નથી. દરેક વ્યક્તિ કોઈ ખોટા લક્ષ્યો, કાર્યો અને વ્યક્તિ સાથે સંગત કરી રહ્યા છે, જેના કારણે આજે સંસારમાં બધા દૂ:ખી છે.
જ્ઞાન વિના કોઈ પણ સમસ્યામાથી મુક્તિ મળી શકે નહીં. જ્ઞાન પ્રાપ્તિના બે જ સાધનો છે. એક છે સત્સંગ અર્થાત ધાર્મિક સ્થાન અને શાળા તથા કોલેજ. બીજું છે સ્વાધ્યાય અર્થાત પુસ્તકો. દરેક સમયે સત્સંગ થઈ શકે નહીં. પરંતુ પુસ્તક દરેક સમયે ઉપલબ્ધ હોય છે. પુસ્તક એ જ્ઞાનનો મહત્વનો સ્ત્રોત છે. પુસ્તકો એકાંતના સાથી છે. પુસ્તકોમાંથી આ લોક અને પરલોક સુધારવાનું શિક્ષણ મળે છે. પુસ્તકોના વાંચનથી આનંદની અનુભૂતિ થાય છે. બુદ્ધિમાન વ્યક્તિ ખાલી સમયમાં વાંચન જેવી પ્રક્રિયામાં સમય સફળ કરે છે. પુસ્તકોના વાંચનથી આપણે નવી દિશા મળે છે. પુસ્તકો એકતા અને અખંડતાના પાઠ શીખવે છે. તે મહાન કાર્યો કરવાની પ્રેરણા આપે છે. પુસ્તક એક જાગૃત દેવતા છે. જીવનમાં ક્યારેય પણ કોઈ માર્ગદર્શકની જરૂરિયાત ઊભી થાય તો પુસ્તકોની મદદ લેવી જોઈએ. આપણાં મિત્ર, માર્ગદર્શક નારાજ થઈ શકે, કોઈ અપેક્ષા રાખી શકે, આપણો સાથ પણ છોડી દે છે. પુસ્તકો એવા નિરપેક્ષ સાથી છે જે આપણને ફ્ક્ત આપે છે, ક્યારેય આપણો સાથ છોડતા નથી. વિષમ પરિસ્થિતોમાં પણ સાથે રહે છે. ન ક્યારેય નારાજ થાય. મૌન રહીને પણ ઘણું બધુ સમજાવી જાય છે. પુસ્તકોનું મહત્વ કોઈ પણ યુગમાં ઓછું થઈ શકશે નહીં.
અબ્રાહમ લિંકન જેવા અનેકો ચતુર લોકોએ ખુબજ વિપરીત પરિસ્થિતિઓમાં પણ વાંચન કર્યું. વાંચન થકી તેઓએ ફ્ક્ત પોતાનું જીવન પરીવર્તન જ નહીં પરંતુ ઇતિહાસની દિશા જ બદલી નાખી. લિંકનના માતાશ્રી વાચી શકતા પરંતુ તેઓ લખતા ક્યારેય શીખ્યા ન હતા. તેઓના પિતા ફક્ત પોતાનું નામ જ લખી શકતા હતા. પરંતુ અબ્રાહમ લિંકનનો પુસ્તકો પ્રત્યે સ્વાભાવિક જ લગાવ હતો. સાત વર્ષની ઉમરે સપ્તાહમાં બે દિવસ સ્કૂલ જઈને વર્ણમાલા શિખતા હતા. કિશોર અવસ્થામાં ૫૦ માઈલ ના દાયરામાં રહેતા દરેક પાડોશી પાસેથી પુસ્તકો ઉધાર માંગીને વાચી લેતા હતા. તેઓને જ્યારે પણ પુસ્તકો વાચવાની તક મળતી તેઓ તરત જ તેનો લાભ લઈ લેતા. જ્યારે બીજા બાળકો ખેલ કુદમાં સમય આપતા ત્યારે અબ્રાહમ લિંકન પુસ્તક લઈને વૃક્ષ નીચે બેસી જતાં. લંચ ના સમયે બધા લોકો આરામ કરતાં પરંતુ તેઓ વાંચન કરતાં.
એવા ઘણા સ્ત્રી-પુરુષ થયા કે જેઓએ વાંચન દ્વારા પોતાના જીવનની કાયા કલ્પ કરી નાખી અને આગળ જતાં મહાન પુરુષ બન્યા. વાંચન એક શ્રેષ્ઠ નેતા બનવાનો પાયો છે. યાદ રહે કે દરેક વાચક નેતા નથી હોતા પરંતુ દરેક નેતા સારા વાચક હોવા જોઈએ. પુસ્તકો ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ચિંતકો માટે સર્વશ્રેષ્ઠ માધ્યમ રહ્યા છે.
એક મેનેજમેંટ વિશેષજ્ઞ પૂરી દુનિયાની યાત્રા કરતાં હતા. તે હમેશા કોઈ ને કોઈ નવી પુસ્તક પર કામ કરતાં રહેતા. જેમાથી મોટા ભાગની બેસ્ટ સેલર હતી. તેમ છતાં તેઓને રોજ અલગ અલગ વિષયો પર ૩-૫ ક્લાક વાચવાનો સમય મળી જતો. તેઓ અમુક વર્ષોમાં કોઈ એક વિષય લેતા અને ત્રણ વર્ષ સુધી તે વિષય પર વાંચન કરતાં. એક વિશેષજ્ઞ બનવા માટે તે પર્યાપ્ત નથી પરંતુ તે ક્ષેત્રની પાયાની જાણકારી મળી જાય છે. તમારું જ્ઞાન અને અનુભવ જ તમારી સાચી સંપત્તિ છે. વાંચનમાં એટલી શક્તિ છે કે એક પુસ્તક કે એક વાક્ય તમારું જીવન બદલી શકે છે. લેખિત શબ્દો ખુબજ શક્તિશાળી હોય છે. જીવનની સાચી દિશા નક્કી કરવાની પ્રેરણા આપવાની અસિમ શક્તિ પુસ્તકોમાં સમાયેલી છે.

પુસ્તકોમાથી નવી દીશા મળે છે. તે ચરિત્ર નિર્માણનું સર્વોત્તમ સાધન છે. જેમ ખરાબ ભોજન સ્વાસ્થ્યને નુકશાન કરે છે તેમ ખરાબ પુસ્તક ચરિત્રને નુકશાન કરે છે. આથી કેવા પુસ્તકો વાંચવા અને કેવા પુસ્તકો ન વાંચવા એ નિર્ણય પણ અગત્યનો છે. પુસ્તકો આપણને મહાન કાર્યો કરવા પ્રેરણા આપે છે. પુસ્તકો જ સભ્યતાના મૂળ છે. પુસ્તકો આજ્ઞા ચક્રને જાગૃત કરવાના પ્રેરક છે. જેને પુસ્તકોથી પ્રેમ છે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે તેમ કહી શકાય. તે ક્યારેય તણાવગ્રસ્ત થતાં નથી અને એકલતા અનુભવતા નથી. કારણકે પુસ્તકો જેવા શ્રેષ્ઠ મિત્ર બીજા કોઈ હોય ના શકે. એક સારું વાંચન કરનાર વ્યક્તિ એકાંતમાં પુસ્તકોમાથી નવીન જ્ઞાન અર્જિત કરશે અને જીવન સાર્થક બનાવશે.
પુસ્તકો એ પ્રકાશસ્તંભ છે જે ભટકતા પથિકને રસ્તો બતાવે છે. ધ્રુવ તારાની જેમ અટલ અને પ્રકાશિત રહી બધાનું નિષ્પક્ષ માર્ગદર્શન કરે છે. તેની સંગતથી કુસંગતનો ખતરો રહેતો નથી. સારા પુસ્તકો વાંચવાથી માનસિક તણાવ સમાપ્ત થઈ જાય છે. મન આમ તેમ ભટકવાનું બંધ થઈ જાય છે. બાળકો તથા વૃદ્ધોને સારી સારી પુસ્તકો વાંચવા માટે આપવી જોઈએ અથવા કોઈ સારી પુસ્તક વાંચી સંભળાવવી જેનાથી એકબીજા સાથે તાલમેલ બની રહે અને પરિવારમાં પ્રેમ પણ વધશે. પુસ્તકો આપણે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. મુશ્કેલ સમસ્યાઓનું નિદાન કરે છે.
પુસ્તકોની સંગત આત્મબળનું સર્વશ્રેષ્ઠ સાધન છે. તે નર્ક ને સ્વર્ગ બનાવવાની ક્ષમતા રાખે છે. મૂર્ખ લોકો પોતાનો કીમતી સમય વ્યસન, નિંદ્રા અથવા કલેશમાં વેડફે છે. સમજદાર લોકોનો સમય અધ્યાયનમાં વ્યતીત થાય છે. રાષ્ટ્રના ઉત્થાનમાં પુસ્તકોનું વિશેષ મહત્વ છે. પુસ્તકો વાંચનાર વ્યક્તિઓ પોતાના જીવનમાં તો ઠીક પરંતુ બાદમાં પુસ્તકનાં રૂપમાં અમર થઈ જાય છે. જ્યારે આપણે તેની પુસ્તક વાચીએ ત્યારે એવું જ લાગે જાણે આપણે તેની સાથે જ છીએ.
જેમ શાકભાજી, ફળ અને મીઠાઈઓ શરીર માટેનો ખોરાક છે. પુસ્તકો આપણા દિમાગ માટેનું ભોજન છે. જો સારું માનસિક ભીજન લઈએ તો આપણું મન સ્વસ્થ રહે છે. આથી દિમાગને સ્વસ્થ રાખવા માટે સારી પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. ભલે તમે કેટલા પણ વ્યસ્ત હોય જમવાનું તો જમો જ છો ને...તેવી જ રીતે રોજ ૨૦ પેજ વાંચવા તે મનુષ્યના દિમાગનો એક દિવસ નો ખોરાક છે.
વર્તમાન આધુનિક ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિના હાથમાં એક એવું સાધન આવી ગયું છે જે આપણી સાચી અને કીમતી સમયરૂપી સંપત્તિને વેડફવાનું સૌથી મોટું કારણ બની ગયું છે તે છે ‘સ્માર્ટ ફોન’. નાના બાળકો થી લઈને તમામ લોકો દિનપ્રતિદિન વ્યસની બનતા જઈ રહ્યા છે. ખાસ કરીને યુવાઓ દિવસની કીમતી કલાકો મોબાઈલ માં વેડફી રહ્યા છે જે એક ચિંતા નો વિષય છે. આથી દરેક માતા-પિતાએ બાળકને નાનપણથી જ પુસ્તકો પ્રત્યે વધુ સજાગ કરવા જરૂરી છે. બાળકની સર્જનાત્મકતા નો વિકાસ થાય તે માટે વિચારવું જોઈએ. ઇન્ટરનેટ અને મોબાઈલ જેવી ટેકનૉલોજી અમુક અંશે બાળકોની વિચારશક્તિ ને નકારાત્મક અસરો પણ કરે છે. આથી જીવન ઘડતરના પાયામાં જ શ્રેષ્ઠ પુસ્તકોના મહત્વને સમજવું આજના સમયની માંગ છે અને એ દિશામાં યોગ્ય પગલાં પણ લેવા જોઈએ.
શ્રેષ્ઠ સમય પર શ્રેષ્ઠ પુસ્તકનો અભ્યાસ તમારું જીવન બદલી શકે છે. એક સારી પુસ્તકમાં એક સારી બેન્કથી પણ વધુ અવિનાશી ધન હોય છે. અધ્યયનમાં તમારી ક્ષમતાઓ બહાર લાવવાનું સામર્થ્ય છે જે કોઈ અન્ય ગતિવિધિઓમાં નથી. સફેદ કાગળ પર છપાયેલા કાળા અક્ષરોમાં જીવન બદલવાની મહાન શક્તિ છે.

લેખન ડો. તૃપ્તિ છાંટબાર
રિપોર્ટર સુદીપ ગઢીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.