સસ્તામાં ક્રીપ્ટો કરન્સી અપાવવાની લાલચ આપી હજારો રોકાણકારોને છેતરનાર ક્રીપ્ટોબીઝ વિરુદ્ધ વધુ એક ફરિયાદ - At This Time

સસ્તામાં ક્રીપ્ટો કરન્સી અપાવવાની લાલચ આપી હજારો રોકાણકારોને છેતરનાર ક્રીપ્ટોબીઝ વિરુદ્ધ વધુ એક ફરિયાદ


- ઓનલાઈન કપડાનો વેપાર કરતા અડાજણ પાટીયાના યુવાને રૂ.4.92 લાખ ગુમાવ્યા - અગાઉ સુરતના કાપડ વેપારી અને કઝીન સાથે રૂ. 20 લાખની છેતરપિંડીમાં મૂળ ભાવનગરના સોફ્ટવેર કન્સલટન્ટની ધરપકડ થઈ છે સુરત,તા.30 જુલાઈ 2022,શનિવાર સસ્તામાં ક્રીપ્ટો કરન્સી અપાવવાની લાલચ આપી હજારો રોકાણકારોને છેતરનાર પુણેની ક્રીપ્ટોબીઝ કંપની વિરુદ્ધ વધુ એક ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં નોંધાઈ છે. ઓનલાઈન કપડાનો વેપાર કરતા અડાજણ પાટીયાના યુવાને સસ્તામાં ક્રીપ્ટો કરન્સી મેળવવાની લાલચમાં રૂ.4.92 લાખ ગુમાવ્યા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સસ્તામાં ક્રીપ્ટો કરન્સી અપાવવાની લાલચ આપી સુરતના બેગમપુરાના કાપડ વેપારી અને કઝીન સાથે રૂ.20 લાખની છેતરપિંડી સંદર્ભે સુરત સાયબર ક્રાઈમ પોલીસે પુણેથી મૂળ ભાવનગરના સોફ્ટવેર કન્સલટન્ટ એહમદ ગુલામ મહમદ દલની ધરપકડ કરી પુછપરછ કરતા ખુલાસો થયો હતો કે તેમની કંપની હાલ ક્રિપ્ટો કરન્સીનું એક્સચેન્જ ચલાવે છે અને તેમાં 2400 રોકાણકારો પાસે રૂ.36 કરોડનું રોકાણ કરાવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે કંપનીના સીઈઓ રાહુલ વિજય રાઠોડ અને કોલર ઓમકાર દિપક સોનવણેને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસ હાથ ધરી હતી.દરમિયાન, આ કંપની વિરુદ્ધ ઠગાઈની વધુ એક ફરિયાદ રાંદેર પોલીસ મથકમાં નોંધાઈ છે. સુરતના રાંદેર અડાજણ પાટીયા જેનમ હોસ્પિટલ પાસે હમજા ટાવર ફ્લેટ નં.403 માં રહેતા 27 વર્ષીય મુઝઝમીલ મકસુદ હાજીમજી બુલ્લા ઘરેથી જ ઓનલાઈન કપડાંનો વેપાર કરે છે. નવેમ્બર 2021 માં તેમણે યુટ્યુબ પર ક્રીપ્ટોબીઝ કંપનીની જાહેરાત જોઈ તેના ટેલીગ્રામ ગ્રુપમાં જોડાઈને બધી ફોર્માલિટી પુરી કરી હતી અને ગત 22 મી ના રોજ રૂ.4,91,999 યુએસડીટી કોઇન ખરીદવા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, તેમના વોલેટમાં કોઈન આવ્યા નહોતા અને હાલમાં જ સાયબર ક્રાઈમ પોલીસે ક્રીપ્ટોબીઝ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરતા મુઝઝમીલે ગતરોજ રાંદેર પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.