બોટાદના ગઢડાના નાનકડાં ગામનાં ખેડૂતે રણનું અમૃત ગણાતી ખારેકની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન - At This Time

બોટાદના ગઢડાના નાનકડાં ગામનાં ખેડૂતે રણનું અમૃત ગણાતી ખારેકની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન


બોટાદના ગઢડાના નાનકડાં ગામનાં ખેડૂતે રણનું અમૃત ગણાતી ખારેકની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન
00000
બોટાદના આંગણે ઈઝરાયેલની બરહી ખારેકનું વાવેતર કરી વર્ષે રૂ. ૬ લાખની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત બાબુભાઇ કળથીયા
00000
બાગાયત ખાતા દ્વારા બાબુભાઇને મોંઘા ટીસ્યુકલ્ચર રોપાના ખર્ચને પહોંચી વળવા રૂ. ૧.૫૦ લાખની પ્રોત્સાહક સહાય પણ આપવામાં આવી
00000
બોટાદની ખારેક સુરત અને મુંબઇ સુધી મોકલવામાં આવે છે
00000
બોટાદ માહિતી બ્યુરો:
ખારેકનું નામ સાંભળતા આપણાં સૌના મનમાં સૌથી પહેલું નામ કચ્છનું જ આવે...કારણકે, ગુજરાતમાં ખારેકની સૌથી વધુ ખેતી કચ્છ જિલ્લામાં જ થાય છે. રણનું અમૃત ગણાતી ખારેકની ખેતી સૌરાષ્ટ્રમાં તો ભાગ્યે જ જોવા મળતી પરંતુ હવે બોટાદમાં પણ ઈઝરાયેલની બરહી ખારેકનું વાવેતર કરી બાબુભાઇ નામના ધરતીપુત્રએ અનેક ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
વાત છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઊગામેડી ગામના મહેનતુ ધરતીપુત્ર એવા બાબુભાઈ ભીમજીભાઈ કળથીયાની કે જેઓ પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાની ૨૫ વિધા જમીનમાં પરંપરાગત રીતે કપાસ, એરડા અને પશુને ઘાસચારો મળે તે પ્રકારની ખેતી કરતાં હતા. વારસામાં મળેલી ખેતીમાં કંઈક નવીનતમ કરવાની ખેવના ધરાવતા અને માંડ ૪ ધોરણ સુધીનો જ અભ્યાસ ધરાવતા બાબુભાઈએ પોતાની પરંપરાગત ખેતીની સાથે નવીન પ્રયોગ કરવાનું વિચાર્યું અને બોટાદની બાગાયત કચેરીના અધિકારીશ્રીઓ પાસેથી ખારેકના વાવેતર વિશેની જાણકારી મેળવી. તેમણે બાગાયત કચેરીના અધિકારીશ્રી પાસેથી જાણ્યું કે ખારેકના વાવેતરને આપણું અહીંનું વાતાવરણ, જમીન, પાણી અનુકુળ આવે તેમ છે તેથી તેમણે ૨૦૧૫-૧૬ માં પાંચેક વિધામાં બરહી ખારેકનુ વાવેતર કર્યુ. ધીમે-ધીમે સમય જતા તેમણે ફરી નવુ વાવેતર કર્યું હતું તેઓ હાલ સાતેક વિધામાં ટીસ્યુકલ્ચર ખારેકનુ વાવેતર ધરાવે છે.
સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા બાબુભાઇને ખારેક પાકના વાવેતર માટે મોંઘા ટીસ્યુકલ્ચર રોપાના ખર્ચ તેમજ વાવેતર ખર્ચને પહોંચી વળવા માટે રૂ. ૧.૫૦ લાખની પ્રોત્સાહક સહાય પણ ચુકવવામાં આવી છે. બાબુભાઇની ખારેકની સફળ ખેતી જોઇ બોટાદ જીલ્લાના ઉગામેડી ગામના ભરતભાઇ, જસમતભાઈ સહિત ત્રણ ખેડુતોએ પણ ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી અપનાવી છે અને તેઓ પણ હાલ સારી આવક મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પણ પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે બાબુભાઇ જેવા ધરતીપુત્રો નવીનતમ અભિગમ અપનાવી અન્ય માટે પણ પ્રેરણારૂપ બની રહ્યાં છે.
ખારેકની ખેતી કરતાં બાબુભાઇએ પોતાની વાત કરતાં જણાવ્યું હતું કે, મારે ખેતીની જૂની પદ્ધતિમાંથી નીકળી કંઈક વિશેષ અને નવીનતમ કરવું હતું જે માટે મને બોટાદના બાગાયત અધિકારીશ્રીનું માર્ગદર્શન મળ્યું જેના પરિણામે આજે હું સારી કમાણી કરી શકું છું. તેઓએ ખારેકની ખેતી વિશે વાત કરતા ઉમેર્યું કે, તેઓને સાત વિધાની જમીનમાં ખારેકની ખેતી કરવા વર્ષે રૂ.૧.૫૦ લાખનો ખર્ચ કરવો પડે છે તો બીજી તરફ તેઓ ખારેકની આધુનિક રીતે ખેતી દ્વારા વર્ષે રૂ.૬.૦૦ લાખ જેટલી આવક મેળવે છે. તેઓ પરંપરાગત ખેતી કરતા ત્યારે ખર્ચ વધારે થતો છતાં આવકમાં કોઇ ફેર ન પડતો પરંતુ હવે કમાણી વધી છે. બોટાદ જિલ્લાના બાગાયત અધિકારીશ્રી જયરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં આ નવતર પ્રયોગ બોટાદ પંથકના તમામ ખેડુતો માટે એક નવિન અભિગમ તરીકે ઉભરી રહ્યો છે. બાબુભાઇના જણાવ્યા મુજબ તેઓ તૈયાર થયેલ ખારેકનુ પેકિંગ કરી પોતાના ફાર્મ પરથી લોકલ માર્કેટ તેમજ સુરત અને મુંબઇ સુધી વેચાણ કરે છે.
આલેખન : રાધિકા જે. વ્યાસ
000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.