હવે બોટાદમાં પોલીસની “ત્રીજી આંખ” સમાન CCTV કેમેરાથી કોઈ ગુનેગાર નહીં બચી શકે - At This Time

હવે બોટાદમાં પોલીસની “ત્રીજી આંખ” સમાન CCTV કેમેરાથી કોઈ ગુનેગાર નહીં બચી શકે


મોટી કોર્પોરેટ કંપનીને શરમાવે તેવી બોટાદની આ સરકારી કચેરી જીમ, લાઈબ્રેરી સહિતની અત્યાધુનિક સવલતોથી સુસજ્જ છે

રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

આજે તમામ ક્ષેત્રે પરિણામલક્ષી કાર્ય થકી સામાજિક સમરસતાનું વાતવરણ સર્જાયું છે

રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયા
બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી તથા પોલીસ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરતાં રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

બોટાદને કુલ રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પોલીસ હેડ કવાર્ટર્સની મળી ભેટ

બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું.

આ અવસરે ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના કોઈ રાજ્યની પોલીસ કચેરીઓમાં સુવિધાઓ નહીં હોઈ તેવી વ્યવસ્થા બોટાદની એસ.પી કચેરીમાં ઉભી કરવામાં આવી છે. જિલ્લાનો કોઈપણ નાગરિક કચેરીએ જશે ત્યારે કચેરીના રિસેપ્શન પરથી જ મદદ મળી રહેશે. એસ.પી કચેરીમાં ઘોડિયાઘર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી ફરજ બજાવતી બહેનો તેમજ અન્ય મહિલાઓના બાળકોનો પણ દિવસ પસાર થઈ શકે. કોઈ મોટી કોર્પોરેટ કંપનીને શરમાવે તેવી આ સરકારી કચેરી જીમ, લાઈબ્રેરી સહિતની આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે.શ્રી હર્ષભાઈ સંઘવીએ બોટાદના યુવાનોને સતત માર્ગદર્શન આપતા રહેવા બદલ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતા.

વધુમાં ગૃહમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોટાદ જિલ્લાએ અદભૂત પ્રગતિ કરી છે. આ માટે બોટાદ જિલ્લા વહિવટીતંત્ર અભિનંદનને પાત્ર છે. બોટાદની નગરી એટલે ધર્મ નગરી. જિલ્લાની ચારેય દિશાઓમાં ધાર્મિક સ્થળો આવેલા છે. જે લાખો-કરોડો લોકોની ભાવના અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે. બોટાદમાં પથ્થર ઘસાઈને હીરા બને છે. શ્રી સંઘવીએ હીરાના તમામ વેપારીઓને અભિનંદન પાઠવ્યાં હતા.

આ તકે ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોઈ ગુનેગાર ભુલથી પણ બહારથી આવીને બોટાદ જિલ્લાની બોર્ડર પાર કરવાની હિંમત ન કરે તે પ્રકારના કેમેરા પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે. પોલીસની “ત્રીજી આંખ” સમાન CCTV કેમેરાથી કોઈ ગુનેગાર નહીં બચી શકે. તમામ દિશામાં આપણે સૌ આગળ વધી શકીએ તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ પ્રશાસન શ્રેષ્ઠ રીતે કરી રહ્યું છે. કોરોના, તાઉતે જેવી વિકટ પરિસ્થિતિમાં ઉમદા કામગીરી બદલ શ્રી હર્ષ સંઘવીએ બોટાદ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના ઉર્જાવાન નેતૃત્વમાં દેશે વિકાસની હરણફાળ ભરી છે. બોટાદના કાનીયાડ ગામે GIDC નું આજે ભુમિપુજન કરવામાં આવ્યું જેથી આગામી સમયમાં બોટાદ શહેરી વિસ્તાર સહિત આસપાસના લોકોને પણ સ્વરોજગારી મળવાની સાથે તેઓ આત્મનિર્ભર બનશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ મંત્રીશ્રી મોરડીયાએ વ્યક્ત કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રી મોરડીયાએ જણાવ્યું હતું કે,આજે તમામ ક્ષેત્રે પરિણામલક્ષી કાર્ય થકી સામાજિક સમરસતાનું વાતવરણ સર્જાયું છે સરકારશ્રીની અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓના ફળ ગરીબો, પીડીતો સહિત જરૂરીયાતમંદ લોકોને સાચા અર્થમાં પહોચી રહ્યા છે જેની પ્રતિતિ છેવાડાના લોકોને પણ થઇ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. બોટાદમાં પોલીસ અધિક્ષકની કચેરી બનવાની સાથે જ બોટાદવાસીઓને તેનો સુવિધાસભર લાભ મળી રહે છે તેમ મંત્રીશ્રી મોરડીયાએ ઉમેર્યું હતું.

પોલીસ મહાનિદેશક અને રાજ્ય મુખ્ય પોલીસ અધિકારીશ્રી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા લોકોની સુરક્ષા, શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટેના અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યાં છે. બોટાદમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવાથી કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે તેમજ સરકારશ્રી દ્વારા અમલી “વિશ્વાસ પ્રોજેક્ટ” પણ ખૂબ જ ઉપયોગી બની રહ્યો હોવાનું મુખ્ય પોલીસ અધિકારીશ્રી આશિષ ભાટીયાએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે રૂ. ૧૨.૮૮ કરોડના ખર્ચે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા રૂ. ૨.૪૨ કરોડના ખર્ચે રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરશ્રીની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો રૂ.૭૫.૨૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર પણ અત્યાધુનિક સુવિધાઓથી સભર છે. આજે બોટાદ જિલ્લાને કુલ રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત એસ.પી. કચેરીની ભેટ મળી છે.

કાર્યક્રમના પ્રારંભે રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરીના ઓડીટોરીયમ, કંટ્રોલ રૂમ, પોલીસ વેલફેર જીમ, લાઈબ્રેરી તથા વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી. આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે. એફ. બળોલીયાએ જરૂરી તકનીકી માહિતીથી સૌને વાકેફ કર્યાં હતાં.

આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનુ મંચ પર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વીરાણી સહિત જિલ્લાના પદાધિકારીઓએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત અભિવાદન કર્યુ હતું. આ ઉપરાંત બોટાદ જિલ્લા સંગઠન વેપાર મંડળ, એડવોકેટ એસોશિયેશન, પોલીસ પરિવાર સહિત વિવિધ એસોસિયેશન દ્વારા તેઓનું સન્માન કરાયું હતું. અંતમાં ગૃહમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવો દ્વારા નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરીના સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પ્રારંભમાં ભાવનગર પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમારે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે. એફ. બળોલીયાએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ જિલ્લા પોલીસની વિશિષ્ટ કામગીરીની ઝલક રજૂ કરતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

આ અવસરે સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ,ધારાસભ્યશ્રી સૌરભભાઇ પટેલ, શ્રી આત્મારામભાઈ પરમાર,જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા, ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળીયા, બોટાદ મધુસુદન ડેરીના ચેરમેનશ્રી ભોળાભાઇ રબારી સહિત જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ, પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.