સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો - કુમકુમ તિલકથી ભૂલકાંઓનું સ્વાગત કરી ‘ભાર વિનાના ભણતર’ને સાર્થક કરવા સંદેશ અપાયો - સરકારશ્રીના વિવિધ વિભાગોના સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ શાળામાં પહેલું પગલું મુકતા બાળકોના રાહબર બન્યા - At This Time

સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો ———— કુમકુમ તિલકથી ભૂલકાંઓનું સ્વાગત કરી ‘ભાર વિનાના ભણતર’ને સાર્થક કરવા સંદેશ અપાયો ———– સરકારશ્રીના વિવિધ વિભાગોના સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ શાળામાં પહેલું પગલું મુકતા બાળકોના રાહબર બન્યા


એક સમય હતો જ્યારે પહેલી વખત શાળાએ જતુ બાળક આંખોમાં ઝળઝળિયા અને મનમાં ડર લઈ શાળામાં પ્રવેશતું પરંતુ ગુજરાત સરકારશ્રીના સંવેદનશીલ અભિગમ સાથે પ્રવેશોત્સવ હેઠળ શાળાએ આવતા બાળકો ઉત્સવપૂર્વક ઉજવણી સાથે શાળામાં પહેલું પગલું મૂકે છે. જ્યાં બાળકોને શૈક્ષણિક સાહિત્ય સાથે પોતીકું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આવા જ વાતાવરણમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારશ્રીના માહિતી વિભાગ, પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ના સચિવશ્રીઓ તેમજ શિક્ષણ વિભાગના શીર્ષ અધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓની શાળાઓમાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથમાં ઉનાની પે-સેન્ટર પ્રાથમિક શાળા ખાતે માહિતી નિયામક શ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતામાં, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ઈટવાયા ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સચિવ શ્રી મયુર મહેતાની અધ્યક્ષતામાં તેમજ ગીરગઢડા તાલુકાની જામવાડા પે-સેન્ટર શાળા ખાતે GCERT નિયામક શ્રી ડૉ. પ્રફુલ.એ.જલુની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

વેરાવળ તાલુકામાં સચિવાલય શિક્ષણ વિભાગના અધિકારી શ્રી એન.એમ.પંડ્યા દ્વારા આજોઠામાં પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની અધ્યક્ષતા સંભાળી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને સ્નેહ સાથે આવકાર્યા હતા અને શિક્ષણરૂપી જ્ઞાનયજ્ઞમાં તેમને જોડ્યા હતા. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહિલ દ્વારા વેરાવળ શહેરની ઝાલેશ્વર પ્રાથમિક શાળા તેમજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વેરાવળ ખાતે પ્રવેશોત્સવ યોજીને શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભાર વિનાના ભણતરના લક્ષ્ય સાથે આગળ વધવા સંદેશ અપાયો હતો.

આ પ્રવેશોત્સવમાં બાળકોને શાળાનો પહેલો દિવસ આજીવન યાદગાર બની રહે તેના માટે ઉલ્લાસભેર સત્કારવામાં આવ્યા હતા. બાળકોને શૈક્ષણિક સાહિત્યની કીટ, જ્ઞાન સાથે ગમ્મત આપે એવા પુસ્તક આપીને શાળા તેમનું બીજું ઘર છે તેવો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત અભ્યાસમાં ઓજસ્વી વિદ્યાર્થીઓને પણ ભેટ અપાઈ હતી તો શાળામાં 100% હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ત્રણ દિવસ ઉલ્લાસપૂર્વક પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.