બંધ મકાનમાંથી 31 તોલા સોનુ-રોકડ મળી રૂા.13.25 લાખની ચોરી - At This Time

બંધ મકાનમાંથી 31 તોલા સોનુ-રોકડ મળી રૂા.13.25 લાખની ચોરી


શહેરમાં ચોરીના બનાવો અવિરત રહ્યા છે. તસ્કરો માટે રાજકોટ સ્વર્ગ સમાન હોય તેમ ખાખીના ભય વગર અવિરત ચોરીને અંજામ આપી હવામાં ઓગળી જતાં રહે છે. ત્યારે શહેરના પોશ વિસ્તાર સમા યુનિવર્સિટી રોડ પર આવેલ નિલસીટીની બાજુમાં આવેલ સંજય વાટીકા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતાં અને એક દિવસ બંધ રહેલાં મકાનમાંથી બિન્દાસ 31 તોલા સોનુ, 85 હજાર રોકડ મળી રૂ.13.25 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.
વિપ્ર પરિવાર પુત્રના સગાઈ માટે પોરબંદર ગયાં બાદ પરત ફરતાં મકાનમાં માલસામાન વેરવિખેર અને ચોરી થયાનું સામે આવતાં હતપ્રત થઈ ગયાં હતાં અને પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતાં ચોરી કરી નાસી છૂટતાં બે શખ્સો ફુટેજમાં કેદ થયાં હતાં.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર આવેલ નિલસીટીની બાજુમાં સંજય વાટિકામાં રહેતાં શીતલબેન મનોજભાઈ સાણથરા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે. તેમના પતિ મનોજભાઈ દુબઈમાં રહે છે અને તેઓને સંતાનમાં એક પુત્ર છે. ગઈકાલે તેઓના પુત્ર સુભમની સગાઈ પોરબંદર હોવાથી તેઓ પરિવારજનો સાથે ગઈ તા.08 ના સવારે પોતાના ઘરને લોક કરી નીકળ્યાં હતાં.
બાદમાં સગાઈ પ્રસંગ પૂરો કરી ગઈ રાતે પરિવારજનો ઘરે પરત આવતાં ઘરમાં નીચેના માળે માલસામાન વેરવિખેર પડેલ હતો. બાદમાં તુરંત ઉપરના માળે આવેલ રૂમમાં તપાસ કરતાં બાલ્કની પાસેનું શટર ખુલ્લું હતું અને રૂમમાં આવેલ કબાટ ખુલ્લો હતો. તેમજ તેમાં રાખેલા 31 તોલા સોનુ રૂ.12.40 લાખ, રોકડ રૂ.85 હજારનો મુદ્દામાલ જોવા મળ્યો ન હતો.
જેથી કોઈ અજાણ્યા તસ્કરો ફરિયાદીના ટેનામેન્ટની વંડી ટપી મકાનમાં પ્રવેશી ઉપરના માળે આવેલ શટર તોડી રૂમમાં પ્રવેશી કબાટનો લોક તોડી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.13.25 લાખનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એન.આઈ.રાઠોડ અને ટીમ ઘટનાસ્થળે દોડી આવી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ મોડી રાતે દોડી આવી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતાં બે શખ્સો ચોરીને અંજામ આપી નાસી છૂટતાં હોવાનું જોવા મળતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી.. ત
વધુમાં ફરિયાદીના પતિએ જણાવ્યું હતું કે, ચોરીના બનાવ બાદ તેઓ ભયભીત થઈ ગયા હતાં અને બાદમાં મકાનમાં તપાસ કરતાં એક મોબાઈલ અને લેપટોપ પણ ચોરી થયાની જાણ થતાં તે બાબતે પણ પોલીસને જાણ કરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.