*સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થવાથી બોટાદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે સુલભ સુવિધાઓનો લાભ મળી રહેશે* - At This Time

*સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થવાથી બોટાદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે સુલભ સુવિધાઓનો લાભ મળી રહેશે*


*સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થવાથી બોટાદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે સુલભ સુવિધાઓનો લાભ મળી રહેશે*
- મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર
--------------
*કુમાર છાત્રાલયના નિર્માણ થકી અહીંના વિદ્યાર્થીઓ પણ હવે આઇ.એ.એસ, આઇ.પી.એસ જેવા ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી સરકારી સેવાઓમાં જોડાશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીશ્રી પરમાર*
--------------
*મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના વરદ હસ્તે રૂ.૬.૪૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોટાદના સરકારી કુમાર છાત્રાલયનું ખાતમૂહૂર્ત કરી તકતીનું અનાવરણ કરાયું*
--------------
*મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૩૦૭ લાભાર્થીઓને કુલ રૂ.૩૭.૨૦ લાખની વિવિધ સહાયનું વિતરણ કરાયું*
------------

માહિતી બ્યુરો, બોટાદ તા.૭:- ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના આદર્શો અને મૂલ્યોને મૂર્તિમંત કરવાના ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તક બોટાદના જી.આઇ.ડી.સી, પાળીયાદ રોડ ખાતે રૂ.૬.૪૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારા સરકારી કુમાર છાત્રાલયનું ખાતમૂહૂર્ત કરી તકતીનું અનાવરણ ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના વરદ હસ્તે કરાયું હતું. તેની સાથોસાથ બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, નગરપાલિકા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારે બોટાદ ખાતે સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના વિકાસના પાયામાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે.બોટાદ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ હવે ઘર આંગણે જ સરકારી કુમાર છાત્રાલયનું નિર્માણ થવાથી સુલભ સુવિધાઓનો લાભ મળી રહેશે. આ કુમાર છાત્રાલયના નિર્માણ થકી ટેક્નોલોજીથી સજજ અદ્યતન પ્રકારની આનુષંગિક વ્યવસ્થાઓ ઉભી કરાશે અને અહીંના વિદ્યાર્થીઓ હવે આઇ.એ.એસ, આઇ.પી.એસ જેવા ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી સરકારી સેવાઓમાં જોડાશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ શ્રી પરમારે વ્યક્ત કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રી પરમારે ઉમેર્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે ૪ ટકાના વ્યાજ દરે રૂ.૨૫ લાખની લોન આપવા ઉપરાંત વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ સરકારશ્રી દ્વારા લોન આપવામાં આવે છે. મેડીકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન સહાય, એમ.ફીલ. અને પી એચ ડી ના વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમ માટે શિષ્યવૃતિ પણ આપવામાં આવતી હોવાથી તેનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળ્યો હોવાનું મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું. સરકારશ્રીની જન કલ્યાણ લક્ષી યોજનાઓના લાભો ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ દ્વારા જરૂરીયાતમંદ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરી લાભાન્વિત કરાઇ રહ્યા હોવાની પ્રતિબધ્ધતા મંત્રીશ્રી પરમારે વ્યકત કરી હતી..

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વીરાણીએ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બોટાદ જિલ્લાને સરકારી કુમાર છાત્રાલયની ભેટ આપીને જિલ્લાની યશકલગીમાં વધારો થયો હોવાનું જણાવી તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અગ્રણી શ્રી ભીખુભાઈ વાઘેલા અને શ્રી વિનુભાઇ સોલંકીએ પ્રસંગોચિત પ્રવચનો કર્યો હતાં.

મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ડૉ. આંબેડકર આવાસ યોજનાના-૫૯, માનવ ગરીમા યોજના-૭૮, પાલક માતા-પિતા સહાય-૧૨, મનો દિવ્યાંગ વ્યક્તિ-૦૨, દિવ્યાંગ લગ્ન સહાય-૦૧, ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ-૦૩, એસ. ટી. બસ પાસ-૦૨ અને શૈક્ષણિક કિટ્સ-૧૫૦ સહિત જિલ્લાના ૩૦૭ લાભાર્થીઓને કુલ રૂ.૩૭.૨૦ લાખની વિવિધ સહાયનું વિતરણ કરાયું હતું.

પ્રારંભમાં અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક શ્રી એન.એ.નિનામાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં જિલ્લાના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી ડી.એચ.ભટ્ટે આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાની વિવિધ સમિતિઓએ મંત્રીશ્રી પરમારને માથે સાફો બાંધી, શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.

આ વેળાએ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી જેઠીબેન પરમાર, જિલ્લા કલેકટર શ્રી બી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.