વડોદરા: ભાવના રોડવેઝમાં દરોડાની ઘટના : દારૂના ગુનામાં સંડોવાયેલા સેલવાસ કંપનીના કર્મચારીની આગોતરા ફગાવતી અદાલત - At This Time

વડોદરા: ભાવના રોડવેઝમાં દરોડાની ઘટના : દારૂના ગુનામાં સંડોવાયેલા સેલવાસ કંપનીના કર્મચારીની આગોતરા ફગાવતી અદાલત


વડોદરા,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારવડોદરા શહેરના કારેલીબાગ જલારામ મંદિર પાસે આવેલા ભાવના રોડવેઝમાં કેમિકલ લિક્વિડના બોકસમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડી  ટ્રકમાંથી 60 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ અને સેલવાસ ખાતે આ દારૂનો જથ્થો સંગ્રહ કરનાર કંપનીના કર્મચારીની આગોતરા જામીન અરજી અદાલતે ના મંજૂર કરવાનો હુકમ કર્યો છે. ગત જૂન મહિના દરમિયાન અરજદાર આરોપી મનીષ હસમુખભાઈ પટેલ ( રહે - વાપી ) ઉપ્રા કેમ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર 1 ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પીપરિયા સેલવાસનું જીએસટી વાળું ખોટું બિલ બનાવી તેની આડમાં દારૂના જથ્થાના પાર્સલો સહ કર્મી મારફતે 2.30 લાખની કિંમતનો દારૂનો જથ્થો સંગ્રહ કર્યો હતો. પોલીસની ધરપકડથી બચવા અરજદાર આરોપીએ અત્રેની સેશન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માગતી અરજ અદાલતમાં રજૂ કરી હતી. અરજદાર તરફે ધારાશાસ્ત્રી બી.એ. કટકિયાએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપી ગુના સાથે સંકળાયેલા ના હોવા છતાં ખોટી રીતે અટક કરવામાં આવી છે. માત્ર શંકાના આધારે તેઓને ગુનામાં સંડોવી દેવામાં આવ્યા છે. તેઓ ગુજરાતના કાયમી રહેવાસી છે. તપાસમાં સહકાર આપશે. જેથી હાલની આગોતરા જામીન અરજી મંજૂર કરવી જોઈએ. સામા પક્ષે સરકાર તરફે ધારાશાસ્ત્રી અનિલ દેસાઈએ દલીલો કરી હતી કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વિશાળ જથ્થો સંગ્રહ કરી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેમજ અરજદાર આરોપીએ ભાવના રોડવેઝનું ખોટું બિલ બનાવી છેતરપિંડી આચરી છે. ગુનાની તલસ્પર્શી તપાસ માટે આરોપીનુ કસ્ટોડીયલ ઇન્સ્ટાગ્રેશન જરૂરી છે. બંને પક્ષોની દલીલો લેખિત મૌખિક પુરાવા અને તપાસ અધિકારીના સોગંદનામાની ચકાસણી બાદ અગિયારમાં એડિશનલ સેશન્સ ન્યાયાધીશ એન.પી.રાડીયાએ નોંધ્યું હતું કે, આરોપીઓએ એકબીજાની મદદગાર કરી રાજ્યમાં દારૂનો જથ્થો લાવ્યા હોવાનો ગુનો છે. સાથે ગુનો કરવા માટે ખોટા દસ્તાવેજ પણ ઊભા કર્યા હોય છેતરપિંડીનો પણ ગુનો નોંધાયો છે. આવા પ્રકારના ગુનામાં અરજદાર આરોપીને આગોતરા જામીન આપવામાં આવે તો સમાજ પર તેની વિપરીત અસર પડે તેવા સંજોગોને ધ્યાને લેતા હાલમાં અરજદારને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા ઉચિત જણાતું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.