માનગઢ ચોક સર્કલનું રોટરી ક્લબે ડેવલપ કરવા સાથે નામકરણ પણ કરી દેતા વિવાદ સર્જાયો - At This Time

માનગઢ ચોક સર્કલનું રોટરી ક્લબે ડેવલપ કરવા સાથે નામકરણ પણ કરી દેતા વિવાદ સર્જાયો


- સામાજિક અને રાજકીય રેલીઓ માનગઢ ચોક મહત્વનો પોઈન્ટ- વરાછા ઝોનના અધિકારીઓ કહે છે સર્કલ ડેવલપ કરવાનો હક્ક છે નામકરણના નથી, ફરિયાદ મળતા તપાસ શરૂ કરી છે - રોટરી સર્કલનું નામ કાઢવાનો આદેશ આપતા ગણતરીના કલાકોમાં તકતી કાઢી નાખવાની કામગીરી શરૂ થઈ છે

સુરત,તા.08 ઓગષ્ટ 2022,સોમવારસુરત મ્યુનિ.ના સૌરાષ્ટ્રીયન વિસ્તાર એવા વરાછામાં માનગઢ ચોક સર્કલને ડેવલપ કરવા સાથે એક ક્લબે સર્કલનું નામ બદલી નાંખતા વિવાદ ઉભો થયો છે. વર્ષોથી લોકોના મોઢે ચઢી ગયેલા માનગઢ ચોકને અચાનક જ રોટરી સર્કલ નામ આપતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પાલિકાને ફરિયાદ મળતા પાલિકાએ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના 81 જેટલા બ્રિજનું હજી નામકરણ કરાયું નથી પરંતુ પાલિકા આડેધડ પીપીપી મોડલ પર સર્કલ ડેવલપ કરવા માટે આપી રહી છે તેમાં વર્ષો પહેલાં અપાયેલા નામને બદલે સર્કલ ડેવલપ કરતી એજન્સી દ્વારા સર્કલનું નામ બદલી નાંખવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. સુરતના વરાછા વિસ્તારમાં માનગઢ ચોક તમામ રાજકીય પક્ષો અને સામાજિક સ્સ્થાઓની રેલી માટે મહત્વનો પોઈન્ટ છે. વર્ષોથી આ સર્કલ માનગઢ ચોકના નામથી ઓળખાઈ છે અને ત્યાં લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા પણ છે.જોકે, વરાછા ઝોન દ્વારા આ સર્કલને હાલ પીપીપી મોડલ થી ડેવલપ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકા દ્વારા રોટરી ક્લબને સર્કલ ડેવલપ કરવા કરાર કરવામાં આવ્યા છે. પાલિકા જે કરાર કરે છે તે મુજબ સર્કલ ડેવલપ કરતી એજન્સીએ નક્કી કરેલા માપ મુજબ પોતાની જાહેરાત કરવાની હોય છે. પરંતુ માનગઢ ચોક સર્કલને ડેવલપ કરવા સાથે સાથે રોટરી કલબે સર્કલ પર રોટરી સર્કલ નામ લખી દેવાતાં વિવાદ ઉભો થયો છે.વરાછા ઝોનના અધિકારી કહે છે, રોટરી કલબને સર્કલ ડેવલપ કરવા માટે કામગીરી સોંપવામાં આવી છે સર્કલનું નામ બદલવા માટે નહીં. આ અંગેની ફરિયાદ મળી છે તેથી અમે તપાસ કરીએ છીએ જો કંઈ ખોટું થયું હશે તો તપાસ બાદ પગલાં ભરવામાં આવશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.