પોલીસ કંટ્રોલ રૂમ ધમધમતો રહ્યો: બપોર સુધીમાં છ ફરીયાદ નોંધાઈ - At This Time

પોલીસ કંટ્રોલ રૂમ ધમધમતો રહ્યો: બપોર સુધીમાં છ ફરીયાદ નોંધાઈ


રાજકોટ સહિત રાજયભરમાં સવારે લોકશાહીના પર્વનો પ્રારંભ થયો હતો. શહેરમાં લોકસભા ચૂંટણીનું મતદાન વ્હેલી સવારમાં છ વાગ્યાથી શરૂ થયું હતું. જેમાં ખાસ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં કોઈ મતદાન મથકે માથાકૂટ થાય તેની ફરીયાદ માટે કંટ્રોલ રૂમ સવારથી જ ધમધમવા લાગ્યો હતો. સવારથી બપોર સુધીમાં છ ફરીયાદ કંટ્રોલરૂમને મળી હતી.
જેમાં ઇવીએમ મશીન ખરાબ થવાની બે અને 200 મીટરની અંદર ટેબલ ખરશી રખાવાની ત્રણ ફરીયાદ નોંધાઈ હતી. તેમજ વૈશાલીનગરમાં યુવકે પોતાના મોબાઈલમાં મતદાનનો વિડીયો આવ્યો હોવાની ફરિયાદ કરતાં પોલીસ દોડી ગઈ હતી અને તપાસ કરતાં કંઈ વાંધાજનક મળ્યું ન હતું.
લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગ્યાના દિવસથી જ પોલીસ કંટ્રોલ રૂમમાં એક અધિકારીની નિમણુંક કરી કાર્યરત થયો હતો. ત્યારે મતદાનના દિવસે પોલીસ કંટ્રોલ રૂમમાં કુલ પાંચ ફરીયાદ મળી હતી. જેમાં કુવાડવા ગામમાં આવેલ આર્યનગરની શાળા નં.72 માં સવારે 7.37 વાગ્યે ઈવીએમ મશીન બંધ થવાની તેમજ તરઘડિયા ગામની સ્કૂલમાં પણ ઈવીએમ મશીન બંધ થયાની ફરિયાદ મળતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી.
તેમજ શહેરમાં સંવેદનશીલ કહેવાતાં વિસ્તાર રેલનગરમાં મતદાન શરૂ થયાના થોડાં સમયમાંજ 200 મીટર અંદર ટેબલ ખુરશી રાખવા બાબતે સ્થાનિક લોકો અને નેતાઓ વચ્ચે રકઝક થયાની ફરિયાદ મળતાં ડીસીપી સુધીર દેસાઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને વાત વણસે તે પહેલાં સ્થીતી કાબુમાં લીધી હતી.
ઉપરાંત ભક્તિનગર સહકારનગર રોડ પરની શાળા નજીક પણ 200 મીટરની અંદર ટેબલ-ખુરશી રાખવા બાબતે સ્થાનિક લોકો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ દોડી ગઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો. તેમજ આજીડેમ વિસ્તારમાં તિરૂપતિ સોસાયટીમાં આવેલ શાળા નજીક 200 મીટરના અંતરે ટેબલ-ખુરશી નાંખવા બાબતની કંટ્રોલને ફરીયાદ મળતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી.
ઉપરાંત વૈશાલીનગરમાંથી એક યુવકે પોતાના મોબાઈલમાં મતદાનનો વિડીયો આવ્યો હોવાની ફરિયાદ કરતાં પોલીસ દોડી ગઈ હતી અને તપાસ કરતાં મોબાઈલમાં કંઈ વાંધાજનક મળ્યું ન હતું. જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવાન માનસીક અસ્થિર હોય તેવું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મતદાન મથકો નજીક 200 મીટરના અંતરે ટેબલ ખુરશી રાખવાં બાબતે તેમજ રાજકીય પક્ષોના કાર્યકરો સામસામે આવી જાય માથાકૂટ થયાના ભૂતકાળની ચૂંટણીમાં બનાવો બન્યા હોવાથી આ ચૂંટણીમાં શહેર પોલીસ સજ્જ થઈ છે અને લોકશાહીનો પર્વ શાંતિથી ઉજવાઈ તે માટે ખડેપગે રહી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.