લોન અપાવવાના બહાને બારોબાર ઓનલાઇન ૨.૨૬ લાખની ચાર લોન લઇ લીધી! - At This Time

લોન અપાવવાના બહાને બારોબાર ઓનલાઇન ૨.૨૬ લાખની ચાર લોન લઇ લીધી!


કુવાડવા રોડ ડી માર્ટ પાછળ સિટી સેલેનિયમ ડી-૨૦૩માં રહેતાં અને પેડક રોડ પાણીના ઘોડ ત્રાંસીયા રોડ પર રાઠોડ ટેઇલર્સ નામે દૂકાન ચલાવતાં કમલેશભાઇ ગીરધરભાઇ રાઠોડ (ઉ.૪૨)ની ફરિયાદ પરથી મહાવીરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી વિરૂધ્‍ધ ઠગાઇ અને આઇટી એક્‍ટ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
કમલેશભાઇએ જણાવ્‍યું છે કે ૩/૨ના સવારે દસેક વાગ્‍યે હું દૂકાને હતો ત્‍યારે એક ભાઇએ આવી પુછેલુ કે તમારે લોનની જરૂર છે? જેથી મેં ના પાડી હતી. એ ભાઇએ પોતાનું નામ મહાવીરસિંહ સોલંકી જણાવી પોતાના મોબાઇલ નંબર આપ્‍યા હતાં અને લોનની જ્‍યારે પણ જરૂર હોય ત્‍યારે કહેજો તેમ કહી થોડી વાતચીત કરી હતી. ત્‍યારબાદ એકાદ વાગ્‍યે તે જતો રહેલ. બીજા દિવસે તા. ૪ના સવારે સાડા દસકે વાગ્‍યે ફરીથી મહાવીરસિંહ દૂકાને આવેલ અને વાતો કરી લોન વિશે પુછતાં મેં તેને લોન લેવી હશે તો હું તમને જાણ કરીશ તેમ કહેતાં તેણે મને તમારો મોબાઇલ નંબર આપો સીબીલ સ્‍કોર ચેક કકરી આપું જેથી ખબર પડે કે તમને કેટલી લોન મળી શકે? જેથી મેં મોબાઇલ નંબર આપતાં તેણે મોબાઇલમાં કંઇક ચેક કર્યુ હતું અને બાદમાં મને મોબાઇલની સ્‍ક્રીન પર સીબીલ સ્‍કોર બતાવ્‍યો હતો.
એ પછી તે લોન લેવી હોય તો કહેજો કરાવી આપીશ તેમ કહી જતો રહ્યો હતો. ફરીથી સાંજે ચારેક વાગ્‍યે તે મારી દૂકાને આવેલ અને અલગ અલગ વાતો કરી જતો રહેલ. ૫/૨ના રોજ ફરીથી મારી દૂકાને આવેલ અને મારો મોબાઇલ નંબર માંગતા હું કામ કરતો હોઇ તેણે મારો ફોન લઇ ચેક કર્યા પછી મને કહેલુ કે તમારા ફોનમાં ગૂગલ પે અને બેંક ઓફ બરોડાની એપ્‍લીકેશન છે તેના પાસવર્ડ આપો. તમને કેટલી લોન મળશે તે ચેક કરવા જરૂર પડશે. જેથી મેં તેને પાસવર્ડ આપ્‍યો હતો. એ પછી તેણે મારો ફોન લીધો હતો અને કંઇક પ્રોસીઝ કરી હતી અને જતો રહ્યો હતો. બીજા દિવસે ૬/૨ના રોજ સવારે અને બપોર પછી તથા ૭મીએ પણ સવારે, બપોર પછી અને ૮મી તથા ૯મીએ પણ આવ્‍યો હતો અને મોબાઇલ માંગ્‍યો હતો.
આ દિવસે તેણે કહેલું કે હું તમારા ખાતામાં ૫૫૦૦ રૂપિયા નાખુ છું જે તમે પરત મારા ખાતામાં નાખી દેજો. તેણે આ પ્રોસીઝર કર્યા બાદ મારા મોબાઇલમાં મારા ફોટા પાડયા હતાં અને મને વિડીયો કોલમાં મારુ આધાર કાર્ડ તથા પાન કાર્ડ બતાવાવનું કહી મારી જન્‍મતારીખ પુછી હતી. બાદમાં વિડીયો કોલ કટ થઇ ગયો હતો. ત્‍યારે મેં લોન લેવી નથી તેમ કહેતાં મહાવીરસિંહે હા અત્‍યારે નથી કરતો. એ પછી તે જતો રહેલ. ૧૦/૨ના ફરી આવી મારો ફોન માંગ્‍યો હતો અને કંઇક કરી પાછો આપેલ. ૧૧મીએ ફરીથી આવી મફોન માંગી કહેલે કે તમારી લોન મંજુર થઇ ગઇ છે, પૈસા જમા થઇ ગયા છે કે કેમ તે જોવુ છે. તમારી બેંક ઓફ બરોડાની એપ્‍લીકેશન ચાલતી નથી જેથી તમારુ એટીએમ આપો બેલેન્‍સ ચેક કરી લઇએ.
મેં કહેલ કે મારે લોન લેવી નથી તમે લોન ન કરો. આમ છતાં તેણે ચિંતા ન કરો હું લોન ફોરક્‍લોઝ કરાવી નાખીશ. જેથી મેં એટીએમ કાર્ડ અને પીન નંબર આપ્‍યા હતાં. ત્‍યારબાદ દસ પંદર મિનીટ પછી તે પાછો આવેલ અને કહેલું કે હાલ તમારી લોન મંજુર થઇ નથી, સોમવારે થશે. ત્‍યારે આપણે ફોરક્‍લોઝ કરી નાખશું.
ત્‍યારપછી સતત આ શખ્‍સ ૧૨મીએ, ૧૩મીએ આવેલ અને ફરીથી મોબાઇલ માંગી ફોનમાં કંઇક કર્યુ હતું. પછી મને મોબાઇલ આપી દજતો રહેલ. બાદમાં મેં મહાવીરસિંહને ફોન કરતાં તે ફોન ઉપાડતો નહોતો. ૧૪મીએ મને શંકા જતાં બેંક ઓફ બરોડામા જઇ સ્‍ટેટમેન્‍ટ કઢાવતાં ખબર પડી હતી કે મારા ખાતામાંથી તેર હજાર હતાં તે તેની જગ્‍યાએ માત્ર ૧૦૭ જ વધ્‍યા હતાં. તપાસ કરાવતાં ખબર પડી હતી કે ૧૦/૨ના રોજ મારા ખાતામાં ૧,૮૮,૨૦૦ જમા થયેલ જે મહાવીરસિંહે મારી દૂકાને આવી બેંકની એપ્‍લીકેશનથી ટ્રાન્‍જેક્‍શન કરાવી લીધા હતાં. એ પછી મિત્રને વાત કરતાં તપાસ કરતાં મનીવ્‍યુ એપમાંથી ૨ લાખ, મોબીક્‍વીક એપમાંથી ૧૦ હજાર, રીંગ એપમાંથી ૬૦૦૦, કિસ્‍ટ એપમાંથી ૧૦૫૦૦ મળી રૂા. ૨,૨૬,૫૦૦ની લોન મારી જાણ બહાર મારા નામે મંજુર કરાવી મારા એકાઉન્‍ટમાંથી પણ ૧૩ હજાર મળી કુલ રૂા. ૨,૩૯,૫૦૦ મારા જ ફોનનો ઉપયોગ કરી અલગ અલગ એપ્‍લીકેશનથી અને એટીએમથી ઉપાડી લીધા હતાં. આથી મેં પોલીસને જાણ કરી હતી.પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ કે. ડી. મારૂ, લાલજીભાઇઅને ડી. સ્‍ટાફની ટીમે આરોપી મહાવીરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી (ઉ.વ.૨૮-રહે. રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે સોમનાથ સોસાયટી)ને પકડી લીધો છે. તેણે બીજા કોઇ સાથે આ પ્રકારે ઠગાઇ કરી છે કે કેમ? તે જાણવા રિમાન્‍ડની તજવીજ શરૂ થઇ છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.