જમશેદપુરની સેન્ટ્રલ જેલમાં કેદીની હત્યા બદલ 15 લોકોને ફાંસીની સજા - At This Time

જમશેદપુરની સેન્ટ્રલ જેલમાં કેદીની હત્યા બદલ 15 લોકોને ફાંસીની સજા


- ઝારખંડમાં એડિશલ ડિસ્ટ્રિક્ટ જજે આપેલો આદેશ - જેલમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં બે કેદી ગંભીર રીતે ઘવાયા હતાં જેમાથી એકનું મોત થયું હતું જમશેદપુર : ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાની કોર્ટે ૨૦૧૯માં જમશેદપુરની ઘાઘીડીહ સેન્ટ્રલ જેલમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસામાં એક કેદીની હત્યા બદલ ૧૫ લોકોને ફાંસી સજા ફટકારી છે. એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર રાજીવ કુમારે જણાવ્યું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ-૪ રાજેન્દ્ર કુમાર સિંહાની કોર્ટે ૧૫ લોકોને આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) અને ૧૨૦-બી (ગુનાહિત કાવતરુ) હેઠળ અપરાધી ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે અન્ય સાત લોકોને દસ વર્ષની જેલની સજા ફટકારી છે. તેમને આઇપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૫ જૂન, ૨૦૧૯ના રોજ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં મનોજકુમાર સિંહ સહિત બે કેદીઓને ગંભીર ઇજા થઇ હતી. બંને કેદીઓને હોસ્પિટલ લઇ જતી વખતે મનોજકુમાર સિંહનું રસ્તામાં જ મોત થયું હતું. આ હિંસાના સંદર્ભમાં પરસુદિહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે જે ૧૫ લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તે પૈકી બે ફરાર છે. કોર્ટે રાજેયના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને બે ફરાર આરોપીઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ બંને અપરાધીઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.