હનુમાન જયંતી પછી સાળંગપુરમાં 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે.. - At This Time

હનુમાન જયંતી પછી સાળંગપુરમાં 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી પ્રોજેક્શન મેપિંગ કરી લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે..


સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ નજરાણા જોવા મળી રહ્યા છે. હનુમાનજીના ધામમાં દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે. આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતી પછી ભક્તો માટે અહીં 54 ફૂટ ઊંચી પંચધાતૂમાંથી બનેલી “કિંગ ઓફ સાળંગપુર” હનુમાનજીની મૂર્તિ પર 4D AR (ઓગમેન્ટેડ રિઆલિટી) ટેક્નોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શૉ કરાશે. જેમાં હનુમાનજીનું જીવન ચરિત્ર અને સાળંગપુરધામનો મહિમાં દર્શાવાશે. મહત્વનું છે કે, કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યા મુજબ, “આ 4D AR લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર, શનિવાર,રવિવાર, પૂનમ, અમાસ અને તહેવારના દિવસે સાંજે ત્રણ-ત્રણ વાર કરાશે.”
સાળંગપુરમાં દર વર્ષે ભક્તો માટે અલગ-અલગ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે જેમાં પહેલાં ગુજરતાનું સૌથી મોટું હાઇટેક ભોજનાલય, એ પછી પંચધાતૂમાંથી બનેલી “કિંગ ઓફ સાળંગપુર” હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ અને અત્યારે નિર્માણાધિન ગુજરાતનું સૌથી મોટું ગેસ્ટ હાઉસ “ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન” અહીં દાદાના દર્શને આવતાં ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે આ અંગે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, “આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ હૈદરાબાદ ગુરુકુળના વિવેકસ્વામીએ તૈયાર કર્યો છે સાળંગપુરમાં જે લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે, તેમાં તેનો સમય 19.56 મિનિટ સુધીનો સમય નક્કી કરાયો છે. જેમાં 54 ફૂટની હનુમાનજી મહારાજની “કિંગ ઓફ સાળંગપુર”ની મૂર્તિ છે તેના પર હનુમાનજીના જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો દ્વારા ઇફેક્ટ આપી અને 4D ઓગમેન્ટેડ રિઆલિટી ટેક્નોલોજી દ્વારા આખો એક શૉ તૈયાર કરવામાં આવ્યો છે.”
કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું કે, ”આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયું છે. શ્રી ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવાયું છે આ ઉપરાંત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દુ:ખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ જણાવ્યું કે, “હનુમાનજીના જીવન ચરિત્ર અને સાળંગપુરધામનો મહિમા દર્શાવતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ એકદમ ફ્રીમાં ભક્તો નિહાળી શકશે. આ AR લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે ખાસ કેનેડામાં બનેલું અંદાજે 1.5 કરોડથી વધુનું પ્રોજેક્ટર મંગાવ્યું છે. આ સાથે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ મંગાવી છે. અહીં આવતા લોકો આ 4D લાઇટ એન્ડ સાઉન્ડ શો અભિભૂત થશે અને દાદાનો મહિમા સરળ રીતે જાણી શકશે.”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.