આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી


બેટી બચાવો બેટી પઢાવો યોજના-૨૦૨૨

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી

કિશોરીઓને માસિકચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત આજે સુખપર ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને આઈસીડીએસ ભુજ ઘટક-૦૧ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓનું વજન - ઉંચાઈ તથા હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી હતી કાર્યક્રમમાં સુપરવાઈઝરશ્રી જી.એમ. ચાવડા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને માહિતી આપવામાં આવેલ તેમજ ઘરેલું હિંસા અધિનિયમ, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ, તેમજ સીડીપીઓશ્રી જાગૃતિબેન જોષી દ્વારા કિશોરીઓને આંગણવાડી દ્વારા આપવામાં આવતા લાભો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સુખપર પી.એચ.સી.ના મેડીકલ ઓફિસરશ્રી ડો. અંકિતાબેન વાળા દ્વારા માસિક સમય દરમ્યાન સ્વચ્છતા બાબતે લેવાતી કાળજી અંગેની ચર્ચા કરવામાં આવેલ તેમજ કિશોરીઓને માસિકચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા કલ્યાણ અધિકારીશ્રી ચેતનભાઈ પેથાણી દ્વારા "સંકટ સખી" એપ્લીકેશન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં આરોગ્યકર્મીઓ, આશા બહેનો અને કિશોરીઓ બહોળી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.