વેરાવળ: 12 વર્ષથી ચોરી કરતી ‘બંટી-બાબલી’ ગેંગ ઝડપાઈ, અત્યાર સુધી 10 લાખની ચોરી કરી - At This Time

વેરાવળ: 12 વર્ષથી ચોરી કરતી ‘બંટી-બાબલી’ ગેંગ ઝડપાઈ, અત્યાર સુધી 10 લાખની ચોરી કરી


ગુજરાતમાં છેલ્લા 12 વર્ષથી ફિલ્મી ઢબે ચોરીનું કામ કરતાં બે દંપતીની વેરાવળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બૉલીવુડ ફિલ્મ ‘બંટી ઔર બાબલી’ની જેમ આ બંને દંપતી જોડામાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા અને અત્યાર સુધી તેમણે 300 કરતાં પણ વધારે ચોરીના ગુના કર્યા હતા, તેમજ તેમની સામે ગુજરાતનાં અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ઘણી ફરિયાદ થઈ ચૂકી છે.
ગત 22 ઓગસ્ટના રોજ માંગરોળ તાલુકાનાં મકતુપુરના રહેવાસી નિકિતા કોડિયાતરે ફરિયાદ નોંધાવી હતી કે જ્યારે તેમણે પિયરથી સાસરે જઈ રહ્યા હતા ત્યારે વેરાવળ બસ સ્ટેશન પર બસમાં ચઢવા જઈ રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈને કોઈ વ્યક્તિએ તેમના પર્સમાંથી 5 હજાર રૂપિયા રોકડા અને એક આઇફોન ચોરી કરી લીધો હતો, તેમજ એક અન્ય મુસાફર ઉષાબેન કાનાબારના પર્સમાંથી 15 હજાર રૂપિયા રોકડા ચોરી લીધા હતા. આ અંગે નિકિતાએ E-FIR નોંધાવી હતી ફરિયાદના આધારે વેરાવળ પોલીસે તપાસ શરૂ કરી હતી અને બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં પોલીસે મહિલાની ઓળખ કરી હતી. ત્યાર બાદ પોલીસે બાતમીના આધારે કારમાં ફરાર થઈ રહેલા બંને દંપતીને પકડી પાડ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી ચોરી કરાયેલો આઇફોન અને 16 હજાર રૂપિયા રોકડ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની કાર અને તેમના પોતાના 5 ફોન એમ કુલ 7,34,300 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં તેમણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ છેલ્લા 12 વર્ષથી અલગ અલગ શહેરોમાં આવી રીતે ચોરી કરતાં હતા અને અત્યાર સુધી તેમણે 339 ચોરી કરીને અંદાજિત 10 લાખ રૂપિયા બનાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.