પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે કેન્દ્રિય ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ અને રતનપર ગામની મુલાકાત લીધી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lrlhc4ggyfg504vg/" left="-10"]

પશુઓમાં જોવા મળેલ લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે કેન્દ્રિય ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ અને રતનપર ગામની મુલાકાત લીધી.


નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૯૨૫થી વધુ પશુઓનું રસીકરણ

અસરગ્રસ્ત પશુઓનાં પશુપાલકો સાથે ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા હાથ ધરી.

રાજયના કુલ ૧૪ જિલ્લાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પશુઓમાં જોવા મળી રહેલ લમ્પી સ્કિન રોગનો પ્રકોપ ફેલાયો છે. આ રોગનાં ફેલાવાને અટકાવવા સરકાર દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. જેનાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે DAHDનાં રિજનલ ઓફિસર ડૉ વિજય કુમાર અને ICAR નાં સિનિયર સાયન્ટિસ્ટ ડૉ.એસ.બી.સુધાકર સહિતનાં વિશેષજ્ઞોની એક ટીમે વાઈરસ ફેલાયો છે તેવા કોંઢ અને રતનપર ગામનાં અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. વાઈરસગ્રસ્ત બનેલા પશુઓનાં પશુપાલકો તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે આ સંદર્ભે મુલાકાત કરી રોગના નિયંત્રણ અને સારવાર માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા અને રોગને વધુ ફેલાતો રોકવા માટે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી હતી.મુલાકાત દરમિયાન DAHDનાં રિજનલ ઓફિસર વિજય કુમારે જણાવ્યું હતું કે પશુઓના રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને રોગીષ્ટ પશુને તાત્કાલિક અન્ય પશુઓથી અલગ કરીને માવજત કરવી અગત્યનું છે. અન્ય પગલાઓમાં પશુઓનાં રહેઠાણમાં મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે ન થાય તે માટે યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. આ સંદર્ભમાં સરકાર દ્વારા લેવાયેલ સાવચેતીની પગલાઓ વિશે જણાવતા ખૂબ જલ્દી લમ્પીને રોકવામાં સફળ થવાની આશા વ્યક્ત કરી હતી.રાજકોટ વિભાગના રિજિયોનલ જોઇન્ટ ડાયરેક્ટર, ડો. ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પશુપાલકોએ આ રોગથી ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે પોતાનાં પશુઓમાં જો આ રોગનાં લક્ષણો દેખાય તો સૂચવાયેલી સારવાર ઝડપથી શરૂ કરવી જોઈએ. સારવાર વિશે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે લમ્પીને અટકાવવા માટે સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી બિપિન રાઠવા, પશુપાલન અધિકારીશ્રી સહિત પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓએ પશુપાલકો-ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ તાલુકાઓના કુલ-૨૦ ગામોમાં ૩૬૯ ગાય વર્ગના પશુઓમાં લમ્પી સ્કિન રોગના કેસો જોવા મળ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ-૫૧ પશુઓના લમ્પી સ્કિન ડીસીઝના કારણે મૃત્યુ થયેલ છે. અસરગ્રસ્ત ગામમાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધીમાં જિલ્લાના ૫૯૨૫ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં હાલમાં પશુપાલન ખાતાના ૧૧ પશુચિકિત્સા અધિકારીઓ, ૪૧ પશુધન નિરીક્ષકો, ૨૦ MVD, દુધ ઉત્પાદક સંઘ તથા સ્થાનિક સ્વૈછિક સંસ્થાઓના સહયોગથી સઘન સર્વે, સારવાર, રસીકરણનીકામગીરી પ્રગતિમાં છે, જેથી તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]