જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ - At This Time

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ


દાહોદ, તા. ૧૬ : જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહ ખાતે આજે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં વરસાદની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી હતી. જિલ્લામાં કોઇ પણ સ્થળે અઇચ્છનીય ઘટના બને તો કંટ્રોલ રૂમને તુરંત જાણ કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ભારે વરસાદની સ્થિતિનો સામનો કરવા અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજ્જ રહેવા તેમણે જણાવ્યું હતું.
કલેક્ટર ડો. ગોસાવીએ રાજ્યમાં ભારે વરસાદ સહિતની સ્થિતિ હોય તંત્રને એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદને કારણે કોઇ પણ પ્રતિકુળ પરિસ્થિતિ સર્જાય તો તંત્ર તુરત તેનો પ્રતિઉત્તર આપવા સાબદું રહેવું જોઇએ. વરસાદને કારણે થયેલા નુકશાન સામે તુરત રાહત કામગીરી તેમજ નાગરિકોને થયેલા નુકશાનનું તુરત ચુકવણા કરવા તેમણે જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, વરસાદને કારણે રોડ-રસ્તાના નુકશાનનું તુરત સમારકામ કરવાનું રહેશે તેમજ રસ્તા ઉપર વૃક્ષો વગેરે પડી ગયા હોય તેનો તાત્કાલિક હટાવી લેવાની કામગીરી હાથ ધરવાની રહેશે. વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ માથું ન ઉપાડે તે માટે સ્વચ્છતા તેમજ ફોગિંગ વગેરેની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવા તેમણે જણાવ્યું હતું.
બેઠકમાં જે અધિકારીશ્રીઓ, કર્મચારીઓના કોવીડ પ્રિકોઝન ડોઝ લેવાના બાકી હોય તેઓ સત્વરે લઇ લેવા જણાવાયું હતું. તદ્દઉપરાંત બેઠકમાં જિલ્લામાં આગામી યોજાનારી બોર્ડની પૂરક પરીક્ષાઓ તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ, ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમના આયોજન બાબતે ચર્ચા થઇ હતી.
કલેક્ટરશ્રીએ નાગરિક અધિકાર પત્ર અંતર્ગત મળેલી અરજીઓ તેમજ પડતર તુમારનો ઝડપભેર નિકાલ કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.