૭૫૦ કરોડના ખર્ચે બનેલી એસ.વી.પી.હોસ્પિટલમાં ૧૫૦૦ પૈકી ૮૦ ટકા બેડ ખાલી - At This Time

૭૫૦ કરોડના ખર્ચે બનેલી એસ.વી.પી.હોસ્પિટલમાં ૧૫૦૦ પૈકી ૮૦ ટકા બેડ ખાલી


        અમદાવાદ, મંગળવાર, 28 જુન, 2022અમદાવાદમાં ત્રણ વર્ષ અગાઉ ૭૫૦ કરોડના ખર્ચે બનાવવામાં
આવેલી મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં ૧૫૦૦ પૈકી ૮૦ ટકા બેડ
પેશન્ટ વગર ખાલી જોવા મળી રહ્યા છે.હોસ્પિટલના અઢારમા માળે બનાવવામાં એર
એમબ્યુલન્સની સુવિધા માટે હેલીપેડ બનાવાયુ છે.પરંતુ આ સુવિધા માટે જરુરી
હેલિકોપ્ટર જ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ના હોવાથી હેલિપેડનો ઉપયોગ થઈ શકતો નથી.અમદાવાદ મ્યુનિ.ના મેડીકલ એજયુકેશન ટ્રસ્ટની મળેલી
બેઠકમાં  એસ.વી.પી.હોસ્પિટલમાં હાલની
પરિસ્થિતિમાં દર્દીઓને લઈ થયેલી ચર્ચા દરમિયાન વિપક્ષ નેતાએ કહ્યુ,આ શહેરના લોકોને
સારી તબીબી સારવાર મળી રહે એ માટે હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી.આમ છતાં હાલમાં
હોસ્પિટલની કુલ ક્ષમતા સામે ૮૦ ટકા બેડ ખાલી જોવા મળી રહ્યા છે.કોરોના જેવી
મહામારીના સમયમાં હોસ્પિટલમાં હેલિપેડની સુવિધા હોવા છતાં કોરોનાના ગંભીર દર્દીઓને
એરએમબ્યુલન્સ માટે જરુરી એવુ હેલિકોપ્ટર તંત્ર પાસે ના હોવાથી તેનો ઉપયોગ કરી
શકાયો નહોતો.

હોસ્પિટલમાં ૮૭૩ જનરલ બેડ અને ૪૨૭ આઈ.સી.યુ.બેડ મળી કુલ
૧૫૦૦ બેડ છે.મલ્ટી સ્પેશિયલ મેડીકલ ટ્રીટમેન્ટ માટેના અદ્યતન સાધનો અને નિષ્ણાત
તબીબો ફરજ બજાવતા હોવા છતાં ૮૦ ટકા બેડ કયા કારણથી દર્દી વગરના ખાલી રહે છે એ
અંગેના કારણોની મ્યુનિ.તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોએ તપાસ કરવી
જોઈએ.હોસ્પિટલમાં ફરજ ઉપર મુકવામાં આવેલા બાઉન્સરો દર્દીના સ્વજનોને વોર્ડ કે
આઈ.સી.યુ.વોર્ડમાં મળવા જવા દેતા નથી.જેનાથી દર્દીના સ્વજનો દર્દીની સ્થિતિને લઈ
સતત ચિંતામાં રહે છે.આથી તાકીદે બાઉન્સરો દુર કરવા પણ રજુઆત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.