1 ઑક્ટોબર: આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ - At This Time

1 ઑક્ટોબર: આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ


અટલ પેન્શન યોજના દેશના અનેક લોકો માટે સુરક્ષા કવચ સમાન: બીમારી, અકસ્માત કે વૃદ્ધાવસ્થામાં ટેકણલાકડી સમાન આ યોજના વૃદ્ધો માટે વરદાનરૂપ

કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા વૃદ્ધોને સહાયરૂપ અનેક યોજનાઓ કાર્યરત

દર વર્ષે 1 ઑક્ટોબરને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 14 ઑક્ટોબર, 1990ના વૃદ્ધો માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે 1 ઑક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારે આપણાં દેશમાં કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી દ્વારા વૃદ્ધોને સહાયરૂપ અનેક યોજનાઓ કાર્યરત છે જેનાથી તેઓ સમાજમાં ઉન્નત મસ્તકે અને સ્વમાનભેર પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. ત્યારે આજે આપણે વાત કરીશું અટલ પેન્શન યોજના વિશે.

અટલ પેન્શન યોજના અથવા APY વર્ષ 2015માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાની સાથે-સાથે નાગરિકોનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી રહી છે. દરેક વ્યક્તિ માટે સૌથી મોટી બાબત તેની આર્થિક સુરક્ષા હોય છે અને આ જ આર્થિક સ્વતંત્રતા આપવા માટેની યોજના એટલે અટલ પેન્શન યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશનાં અસંગઠિત ક્ષેત્રના લોકો, જરૂરિયાતમંદને પેન્શનનો લાભ પહોંચાડવાનો છે. આ યોજનાનો લાભ લેનારને બીમારી, અકસ્માત કે વૃદ્ધાવસ્થામાં અન્ય પર નિર્ભર નહીં રહેવું પડે.

આ ઉપરાંત દેશનાં ખાનગી ક્ષેત્રનાં લોકો પણ આ યોજના થકી પેન્શન મેળવવાની દાવેદારી કરી શકે છે અને 60 વર્ષની વયમર્યાદા પૂરી થતાં 1,000થી માંડી 5,000 સુધીનું પેન્શન મેળવી શકે છે. આ યોજના અન્વયે ચૂકવાતા પ્રીમિયમ અને ઉંમરને ધ્યાનમાં રાખી પેન્શનની રકમ મળશે.

અટલ પેન્શન યોજનાના લાભ:

• વૃદ્ધાવસ્થા દરમ્યાન આવકની સલામતી.
• આ યોજના મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓની નાણાકીય ચિંતાઓને દૂર કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી, આમ તેઓ તેમના પછીના વર્ષોમાં નાણાકીય રીતે સ્વતંત્ર થવા સક્ષમ બનાવે છે.
• લાયકાતઃ લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય મયાર્દા 40 વર્ષ, આવકવેરો ભરનાર નાગરિક આ યોજનાનો લાભ નહીં લઈ શકે.
• વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (PFRDA) દ્વારા કરવામાં આવે છે.
• લાભાર્થી માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક ધોરણે APYમાં યોગદાન આપી શકે છે.

અટલ પેન્શન યોજના દેશના નાગરિકો માટે સુરક્ષા કવચ સમાન છે, સાથોસાથ આ યોજના લોકોમાં બચતની વૃત્તિને પ્રોત્સાહન આપે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.