બોટાદ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના “પહેલ-પુસ્તક પરબ” ને સફળતાપૂર્વક 30 દિવસ પૂર્ણ - At This Time

બોટાદ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના “પહેલ-પુસ્તક પરબ” ને સફળતાપૂર્વક 30 દિવસ પૂર્ણ


“પહેલ”ને બોટાદવાસીઓ તરફથી મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ: 30 દિવસમાં વિદ્યાર્થીઓથી માંડી વૃદ્ધો સુધી અનેક લોકોએ મુલાકાત લઈ વર્ણવ્યા મંતવ્યો

સરકારી પુસ્તકોના ખજાના સમાન “પહેલ” વાંચનાલય યુવાનો માટે બન્યું પથદર્શક, બોટાદ કલેક્ટરશ્રીનું વિશેષ માર્ગદર્શન મળ્યું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં અવનવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લામાં બોટાદ રોજગાર વિનિમય કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે દ્રષ્ટાંતરૂપ “પહેલ-પુસ્તક પરબ”ને સફળતાપૂર્વક 30 દિવસ પૂર્ણ થયા છે. 30 દિવસ પૂર્વે તારીખ 19 જુલાઈ,2022ના રોજ બોટાદ જિલ્લા સેવાસદન,ખસ રોડ ખાતે વાંચનયોગીઓને જ્ઞાનવર્ધક પુસ્તકોના ખજાનો મળી રહે તે માટે "પહેલ" નામે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો હતો. નાના રોપા રૂપે વાવેતર કરેલું “પહેલ- પુસ્તક પરબ” હવે ધીમે ધીમે વિશાળ વૃક્ષ સમાન બની રહ્યું છે.
રાજ્ય સરકારશ્રી દ્વારા પુસ્તકાલય પ્રવૃત્તિને વેગ મળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારશ્રી દ્વારા સમયાંતરે અનેક પ્રકાશનો બહાર પાડવામાં આવે છે જેના થકી બાળકોથી લઇ વડીલોની જ્ઞાન પીપસા પણ સંતોષાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતાં વિદ્યાર્થીઓ માટે પણ રાજ્ય સરકાર દ્વારા અનેક પુસ્તિકાઓ બહાર પાડવામાં આવે છે. આવા અનેક સરકારી પ્રકાશનો એક જ સ્થળે મળી શકે તે માટે બોટાદ રોજગાર વિનિમય કચેરી તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વારા 'પહેલ' નામે પુસ્તક પરબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

“પહેલ”ની મુલાકાત જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઇ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, જિલ્લા આયોજન અધિકારીશ્રી બ્રિજેશ જોશી સહિતના અધિકારીશ્રીઓ લઈ ચુક્યા છે. તેમજ બોટાદ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો, શાળાના વિદ્યાર્થો, વૃદ્ધો, જિલ્લા સેવા સદનમાં કાર્યરત સરકારી કચેરીઓના કર્મયોગીઓ સહિત બહોળી સંખ્યામાં બોટાદવાસીઓ પુસ્તક પરબની મુલાકાત લઈ તેમના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. “પહેલ” પ્રકલ્પ થકી જિલ્લાના યુવાનો ઉજ્જવળ કારકિર્દીના સોપાનો સર કરી રહ્યા છે તેમજ વાંચનરસિકોને પુસ્તકો પોતાના ઘરે લઈ જઈને વાંચવાનો અવસર મળી રહ્યો છે.
સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને એક જ સ્થળ પર જરૂરી તમામ પુસ્તકો મળી જાય અને પરીક્ષાલક્ષી તૈયારીઓ સરળ બનાવવાના હેતુથી પુસ્તક પરબ “પહેલ”ની શરૂઆત કરવામાં આવી હતી. જેનો બોટાદવાસીઓ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં લાભાન્વિત થઈ રહ્યાં છે. અહીં ઉપલબ્ધ સરકારી પ્રકાશનો યુવાનો, તમામ કર્મયોગીઓ માટે અનેક પ્રશ્નો અને મુંજવણનું સમાધાન સમાન સાબિત થઈ રહ્યાં છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.