*પ્રાંસલી તથા પ્રાચી ખાતેથી આશરે રૂ.૭૩ લાખનો અનાજનો શંકાસ્પદ જથ્થો સીઝ કરતું કલેક્ટર તંત્ર* - *ગઈકાલે બપોરે આકસ્મિક તપાસમાં ૨,૨૭,૬૭૫ કિ.ગ્રા. અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો* - At This Time

*પ્રાંસલી તથા પ્રાચી ખાતેથી આશરે રૂ.૭૩ લાખનો અનાજનો શંકાસ્પદ જથ્થો સીઝ કરતું કલેક્ટર તંત્ર* ——- *ગઈકાલે બપોરે આકસ્મિક તપાસમાં ૨,૨૭,૬૭૫ કિ.ગ્રા. અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો* ———


ગઈકાલે બપોરે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને સીધા માર્ગદર્શન અને અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલની દેખરેખ હેઠળ સૂત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી ગામે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગેરકાયદેસર/શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આવી ગેરકાયદેસર સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા તથા તેની ઉપર નજર રાખવાના હેતુસર તા.૨૯/૦૩/૨૦૨૪ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે જિલ્લા કલેક્ટરશ્રી, અધિક નિવાસી કલેકટરશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા પુરવઠા ટીમ, મામલતદારશ્રી સૂત્રાપાડા તથા તેમની ટીમ, મામલતદારશ્રી તાલાલા તથા તેમની ટીમ તેમજ મામલતદારશ્રી કોડીનારની ટીમ દ્વારા સંયુકત રીતે વોચ ગોઠવી પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં અલગ-અલગ કુલ ૧૨ દુકાનોની તપાસ કરતાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ ૧,૯૭,૭૫૦ કિ.ગ્રા.નો રૂ.૬૪,૩૨,૮૫૦/-નો ગેરકાયદેસર/શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે, તેની હેરફેર માટેની બોલેરો પીકઅપ સીઝ કરવામાં આવી હતી.

આ જ સંદર્ભમાં શંકાસ્પદ જથ્થા બાબતની વધુ સઘન તપાસ કરતાં પ્રાચી ખાતે શંકાસ્પદ જથ્થો હોવાનું જાણવા મળ્યો હતો.જે અર્થે પ્રાચી મુકામે વેરાવળ પ્રાચી રોડ ઉપર કે.કે.મોરી સ્કૂલ વાળી ગલીમાં આવેલ વિવિધ દુકાનોની તપાસ કરતાં તેમાં પણ ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ ૨૯,૯૨૫ કિ.ગ્રા.નો રૂ. ૮,૮૩,૧૩૫ નો જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો.

આમ, કુલ મળીને ૨,૨૭,૯૭૫ કિ.ગ્રા. નો રૂ.૭૩,૧૫,૯૮૫/-ની રકમનો આવશ્યક ચીજ વસ્તુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જેની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
-------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.