નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી – 4 - At This Time

નારી વંદન ઉત્સવ અન્વયે મહિલાલક્ષી સાફલ્યગાથાની શ્રેણી – 4


મહિલાઓને મળ્યો રોજગારનો સમાન અધિકાર
સરકાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓની છે ભરમાર
મહિલા સ્વરોજગાર મેળામાંથી રોજગારી મળતાં હવે હું ઘરે બેસી કામ પણ કરી શકીશ અને મારી દિવ્યાંગ દીકરીની સારસંભાળ પણ રાખી શકીશ. : શોભાબેન પટેલ

બોટાદ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભરતીમેળામાં રોજગારી મેળવી પગભર બનતાં મહિલાઓ

ભરતીમેળામાં રોજગારી મેળવનારા મહિલાઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયાં

આલેખન : રાધિકા વ્યાસ, હેમાલી ભટ્ટ

રાજ્યના દરેક ખૂણે અને પ્રત્યેક ક્ષેત્રે આજે મહિલાઓ કાર્યરત છે. મહિલાઓનો સામાજિક દરજ્જો જળવાઇ તે માટે સતત કાર્યરત રાજ્ય સરકારશ્રી દ્વારા અમલીકૃત અનેકવિધ યોજનાઓને કારણે આજે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી રહી છે. સરકારશ્રી દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અનેક યોજનાઓ કાર્યરત છે. મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બને, પોતાના અને પરિવાર અને બાળકોના વિકાસ માટે કાર્યો કરી શકે તે માટે તેમને રોજગારના સાધનો અને રોજગાર સુધી પહોંચવાની પૂરતી તકો પણ આપવામાં આવે છે. રાજ્ય સરકારશ્રીના મહિલા સ્વાવલંબનની દિશામાં નક્કર આયોજનને કારણે પ્રત્યેક માતા-બહેન-દિકરી પગભર થઇ રહી છે. તમામ વર્ગ, જાતિ અને સમાજની બહેનો માટે રાજ્ય સરકારે ઉત્કર્ષના અનેક અવસરો સર્જ્યા છે. ત્યારે આજે મહિલા સ્વાવલંબન દિવસના અવસરે બોટાદ સહિત તમામ જિલ્લાઓ ખાતે મહિલાલક્ષી રોજગારમેળાનું આયોજન કરી રાજ્ય સરકારે મહિલાઓને સક્ષમ બનાવવા માટે નારી વંદન ઉત્સવની અનેરી ભેટ આપી છે.

“મહિલા સ્વરોજગાર મેળામાંથી રોજગારીની તક મળતા હવે હું ઘરે બેસી કામ પણ કરી શકીશ અને મારી દિવ્યાંગ દીકરીની સારસંભાળ પણ રાખી શકીશ.” આ શબ્દો છે બોટાદના વતની શોભાબેન પટેલના. બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અન્વયે રોજગાર વિનિમય કચેરી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત મહિલાઓ માટેના ખાસ ભરતી મેળામાં ભાગ લેનારા શોભાબેને પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, “આ પ્રકારના ભરતીમેળાને કારણે મહિલાઓને રોજગારીની નવી તકો મળશે, નવાં રસ્તાઓ મળશે જેનાં વિશે અમને કદાચ ખ્યાલ પણ નથી હોતો. નોકરીદાતાઓ અને રોજગાર ઇચ્છુકોને સરળતાથી ભેગા કરવા અને પારદર્શક તથા સુવિધાજનક ભરતી વ્યવસ્થા વિકસાવવા રાજ્ય સરકારના રોજગાર વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે ખરેખર પ્રસંશનિય છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં બહેનો માટે ખાસ સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શોભાબેન પટેલને મારૂતી સ્પીનટેક્સ કંપની તરફથી રોજગારી મળી છે. શોભાબેનને કાર્યક્રમનાં અંતે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના હસ્તે નિમણૂંક પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. શોભાબેન સિવણકામ સાથે જોડાયેલા છે. નિમણૂંક પત્ર મળતા શોભાબેને જણાવ્યું હતું કે, “મારા પરિવારના ગુજરાન માટે તેમજ મારી દિવ્યાંગ દીકરીના સંભાળ માટે મને નોકરી કરવાની જરૂર પડી હતી. બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત રોજગાર મેળામાં મેં ભાગ લીધો હતો. નોકરીદાતા તરફથી રોજગારી મળતા હવે હું ઘરે બેસીને જ કામ કરી શકીશ, મારા પરિવારની મદદ કરીશ સાથોસાથ દિવ્યાંગ દીકરીનું પણ ધ્યાન રાખી શકીશ.”

ઉપરાંત મનિષાબેન ખાચરે પણ બોટાદમાં આયોજિત મહિલા સ્વરોજગાર મેળા થકી રોજગારી મેળવી હતી. દીકરી વતી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના હસ્તે નિમણૂંક પત્ર લેવા આવેલા મનિષાબેનના માતા આ ક્ષણે ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “હું ખુબ ખુશ છું કે આજના કાર્યક્રમમાં મારી દીકરીને રોજગારી મળી છે એની મહેનત રંગ લાવી છે. મનિષાબેનના માતાએ સરકારશ્રીનો અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનતા કહ્યું હતું કે, મારી દીકરીને આવો અવસર મળ્યો, હવે તેને નિયમિત રોજગારી મળશે જેનાથી અમારા પરિવારનું ગુજરાન સારી રીતે થઈ શકશે.”

રિપોર્ટર:ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.