ચોરીની ફરિયાદ લેવામાં બેદરકારી રાખનારા પ્ર.નગરના મહિલા હેડ કોન્સ્ટેબલ સહિત બે સસ્પેન્ડ - At This Time

ચોરીની ફરિયાદ લેવામાં બેદરકારી રાખનારા પ્ર.નગરના મહિલા હેડ કોન્સ્ટેબલ સહિત બે સસ્પેન્ડ


ચોપડે ગુનાખોરી ઓછી બતાવવા માટે પોલીસ દ્વારા માત્ર અરજીઓના આધારે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે અનેક અરજદારોને ધરમધક્કા ખાવા પડતા હોય છે. ઘણીવાર અરજી લઈને તપાસ પણ કરવામાં આવતી ન હોય ગુનેગારોને મોકળું મેદાન મળી રહેતું હોય છે. આવી જ અરજીના આધારે જ તપાસ કર્યા બાદ ફરિયાદ લેવાનો આગ્રહ રાખતી એક બેદરકારી પ્ર.નગર પોલીસ મથકના એક મહિલા કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા દાખવવામાં આવતાં પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક બન્નેને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે પ્ર.નગર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં સરસ્વતિબેન ભગોરા અને કોન્સ્ટેબલ વીમલેશ રાજપૂત પાસે થોડા સમય પહેલાં ચોરીની ફરિયાદ નોંધાવવા માટે અરજદાર આવ્યા હતા. જો કે આ બન્નેએ ફરિયાદ લેવાની જગ્યાએ અરજદાર પાસેથી માત્ર અરજી લઈને તપાસ શરૂ કરી દીધી હતી. આ બન્ને અરજીના આધારે તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખ્યો હોવાથી અક્ષમ્ય બેદરકારી ધ્યાને આવી હતી.
આ વાત પોલીસ કમિશનરના ધ્યાન ઉપર આવતાં જ તેમણે તાત્કાલિક અસરથી બન્નેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. એકંદરે બન્ને સસ્પેન્ડ થતાં જ સમગ્ર રાજકોટના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજે પાંચેક મહિના પહેલાં બી-ડિવિઝન પોલીસ મથકના બે પીએસઆઈને સ્ટેશન ડાયરીની નીભાવણી નહીં કરવા બદલ પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે પ્ર.નગરના એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ કમિશનરે સ્ટાફને સ્પષ્ટપણે આદેશ આપી દીધો છે કે તમામે શિસ્તમાં રહેવું પડશે અન્યથા સસ્પેન્ડ થતાં વાર નહીં લાગે !!
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.