જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે જામજોધપુર તથા લાલપુર તાલુકાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી - At This Time

જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે જામજોધપુર તથા લાલપુર તાલુકાના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી


અધિકારીશ્રીઓએ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો તેમજ વિવિધ પદ્ધતિઓની ઝીણવટભરી માહિતી મેળવી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો

આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી શાખા દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેવો ખેડૂતોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
જે અનુસંધાને જામનગર જિલ્લાના કલેકટરશ્રી બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામે સુરભી પ્રાકૃતિક ફાર્મ અને નચિકેતા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. સુરભી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીશ્રીઓને જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ તેમજ ફાયદા વિશે સુરેશભાઈ સુતરીયા દ્વારા માહિતી આપવામાં આવેલ તેમજ અધિકારીઓએ અહીં ઉત્પાદિત થતા બાગાયતી પાકોની પણ મુલાકાત લઈ વિવિધ માહિતી મેળવેલ. દિનેશભાઈ કાલરીયાએ તેમના પંચસ્તરીય મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીઓને તેમના ફાર્મમાં વાવેલ કેળ, પપૈયા જેવા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિથી તથા ફાયદા તેમજ પ્રાકૃતિક ફાર્મમાં વાવેલ હળદર, તુવેરમાં જીવામૃતના ઉપયોગથી થતા ફાયદા વિશે માહિતી આપેલ અને તેમના ખેતરમાં રહેલ ખેત તલાવડી, કુવા રીચાર્જ સિસ્ટમથી અવગત કરેલ.જ્યાં પ્રાકૃતિક કૃષિના પાંચ સિદ્વાંતોમાનું એક ઘન જીવામૃત બનાવવામાં આવે છે તે જામવાડી ગામની ગૌશાળાની અધિકારીશ્રીએ મુલાકાત લીધી હતી. ગૌશાળા દ્વારા ખેડૂતોને જીવામૃત વિતરણ કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેમજ પ્રાકૃતિક કૃષિના અન્ય સિદ્ધાંતો જેવા કે આચ્છાદન, વાસા અને જંતુનાશક અસ્ત્રો વિષે માહિતી આપવામાં આવે છે.

ત્યારબાદ અધિકારીશ્રીઓ દ્વારા લાલપુર તાલુકાના નાંદુરી ગામના યાદવ પ્રાકૃતિક ફાર્મ અને મોટી રાફૂદળ ગામના ગોપાલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધેલ.અને ત્યા થતા પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો તેમજ વિવિધ પદ્ધતિઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી.આ તકે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખેડૂતોની કામગીરીને બિરદાવેલ અને અધિકારીઓ અને ખેડૂતોને તેમના વિસ્તાર અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા જણાવેલ. આ મુલાકાતમાં તેમની સાથે આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી.એમ.આગઠ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.બી.પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આર.એસ. ગોહેલ અને ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેક્ટ નો સ્ટાફ જોડાયેલ હતો.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.