રૈયાધારેથી ત્રણ યુવાનનું અપહરણ:મનહરપુરમાં લઇ જઇ બેફામ મારમાર્યો - At This Time

રૈયાધારેથી ત્રણ યુવાનનું અપહરણ:મનહરપુરમાં લઇ જઇ બેફામ મારમાર્યો


રૈયાધારે આવેલા પાણીના ટાંકા પાસે સાઇટ જોવા ગયેલા ત્રણ યુવાનોને ચોરીનું આળ મૂકી રિક્ષામાં આવેલા ચાર શખ્સો અપહરણ કરી મનહરપુરમાં લઇ ગયા હતા અને ત્યાં આખી રાત મારમાર્યો હતો.ત્યારબાદ પરિવાર સાથે ખંડણી માંગતા પોલીસે રૂ.20 હજારની વ્યવસ્થા કરી આપી પરિવારને નાણાં આપ્યા હતા અને તેમને આ શખ્સો જ્યાં બોલાવે ત્યાં જવાનું કહી પોતે પણ ખાનગી વાહનનો પીછો કર્યો હતો અને ત્રણેય યુવકોને મુક્ત કરાવી ચાર શખ્સોને ઝડપી લીધા હતા.ઘવાયેલા ત્રણેય યુવાનોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાવની વધુ વિગતો મુજબ,ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા બકુલ કેશાભાઈ સોલંકી(ઉ.વ.19),રાહુલ તુલસી દેતાણી(ઉ.વ.18) અને રામાપીર ચોકડી નજીક શાસ્ત્રીનગરમાં રહેતા ચંદ્રેશ નારણભાઈ ગોસ્વામી(ઉ.વ.40)ને ગઈકાલે રાત્રીના રૈયાધાર પાણીના ટાંકા પાસે હતા ત્યારે અજાણ્યા ચાર શખ્સોએ આવી રીક્ષામાં બળજબરીથી બેસાડી જામનગર રોડ પર મનહરપુર તરફ લઈ ગયા હતા અને ત્યાં અવાવરું જગ્યાએ દોરડાથી બાંધી બેફામ મારમાર્યો હતો.હાલ ત્રણેયને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. સારવારમાં રહેલા ત્રણેય વ્યક્તિએ જણાવ્યા મુજબ,બકુલ અને રાહુલ બિલ્ડીંગ સાઇટ પર કડીયા કામ કરે છે અને ચંદ્રેશ રીક્ષા ચલાવે છે.
ગઈકાલે રાત્રીના બકુલ અને રાહુલને એક સાઇટ જોવા જવાનું હોવાથી તેઓ રૈયાધારે ચંદ્રેશની રીક્ષા લઈ પહોંચ્યા હતા અને ત્યાં ત્રણેય ઉભા હતા ત્યારે થોડીવારમાં જ એક રિક્ષામાં ચાર અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને તેઓએ કહ્યું કે તમે અમારી રીક્ષામાંથી ટેપ ચોરી ગયા છો અને પૈસા પણ લઈ ગયા છો.ત્રણેય યુવાનોએ આજીજી કરી કહ્યું કે અમારો કોઈ વાંક નથી અમે કાંઈ ચોરી કરી નથી છતાં પણ રીક્ષામાં આવેલા ચારેય અજાણ્યા શખ્સોએ ત્રણેય યુવાનોને બળજબરીથી રીક્ષામાં બેસાડી અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ જામનગર રોડ પર મનહરપુરમાં લઇ જઇ ત્રણેયના હાથ દોરડાથી બાંધી દીધા હતા અને આખી રાત બેફામ મારમાર્યો હતો.ત્યારબાદ સવારે ચારેય શખ્સોએ પરિવારને ફોન કરી 20-20 હજાર લઈ આવવાનું કહ્યું હતું.
જેથી બકુલે તેની પત્ની મનીષાને કોલ કરી પૈસા લઈ આવવાનું કહેતા તેમણે સોસાયટીના આગેવાન અને બાદમાં પોલીસને બનાવની જાણ કરતા પોલીસે સૂઝ બુઝ દાખવી મનીષાબેનને રૂ.20 હજારની વ્યવસ્થા કરી આપી હતી.ત્યારબાદ મનીષાબેનને એ ચારેય શખ્સો જ્યાં બોલાવે ત્યાં પહોંચવાનું કહી ખાનગી વાહન લઈ પોલીસ પણ તેની પાછળ પાછળ ગઈ હતી. ત્યાં મનીષાબેન પહોચી નાણાં આપવા જતા જ ખાનગી ગાડીમાં બેસેલા પોલીસ તુરંત નીચે ઉતર્યા હતા અને ભાગવા જતા ચારેય શખ્સોને ઝડપી લીધા હતા.તેમજ ત્યાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ત્રણેય યુવાનોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડયા હતા.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.