ભાવનગરમાં લમ્પીના વધુ 121 કેસ, 27 પશુના મૃત્યુ - At This Time

ભાવનગરમાં લમ્પીના વધુ 121 કેસ, 27 પશુના મૃત્યુ


- જિલ્લામાં પશુઓમાં ફેલાયેલાં લમ્પી સ્કીન ડિઝિસથી ફફડાટ - કુલ 606 કેસ અને 49 પશુના મોત : જિલ્લામાં લમ્પીના પગલે કુલ 63,076 પશુનુ રસીકરણ કરાયુ : 8 તાલુકાના 112 ગામ અસરગ્રસ્ત ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે લમ્પી વાયરસના વધુ ૧ર૧ કેસ નોંધાયા હતા અને ર૭ પશુના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. જિલ્લામાં પશુઓમાં ફેલાયેલાં લમ્પી સ્કીન ડિઝિસથી ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં લમ્પી વાયરસના કેસ વધતા પશુપાલકોની ચિંતા વધી છે ત્યારે સરકારી તંત્રએ પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે. લમ્પી વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે લમ્પી વાયરસના વધુ ૧ર૧ કેસ નોંધાયા હતા અને ર૭ પશુના મૃત્યુ થયા હતાં. જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પીના કુલ ૬૦૬ કેસ નોંધાયા છે અને ૪૯ પશુના મૃત્યુ નિપજયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં જિલ્લાના ૭,૬૦,૬૨૧ પશુઓમાંથી અસરગ્રસ્ત જણાયેલ વિસ્તારના ૬૩,૦૭૬ પશુઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. જેમાં ગઈકાલ સોમવાર સુધીમાં ભાવનગરમાં ૧,૯૩૭, તળાજામાં ૫,૦૪૧,  ઘોઘામાં ૩,૦૮૮, મહુવામાં ૧,૬૨૬, જેસરમાં ૨,૮૬૯, પાલીતાણામાં ૯,૬૯૭, સિહોરમાં ૧૧,૩૫૪, ઉમરાળામાં ૬,૦૧૭, વલ્લભીપુરમાં ૪,૦૭૧, અને ગારીયાધારમાં ૬,૨૦૦ રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં ૨,૨૬,૪૦૭ પશુઓ, ૨,૯૧,૯૩૦ ભેંસ, ૧,૩૧,૧૫૧ ઘેટાં, ૧,૧૦,૧૩૩ બકરી સહિતનું કુલ-૭,૬૦,૬૨૧ પશુધન છે. જેમાંથી પશુપાલન વિભાગ દ્વારા ૨૦ હજાર, સર્વોત્તમ ડેરી દ્વારા ૧.૫૦ લાખ અને અન્ય ૫ હજાર મળી કુલ- ૧,૭૫,૦૦૦ ડોઝ જિલ્લામાં ઉપલબ્ધ છે. હજુ પણ જિલ્લામાં ૧,૨૩,૧૦૦ રસીના ડોઝ પડયાં છે અને રાજ્ય સરકાર દ્વારા જરૂરીયાત મુજબ ડોઝ ફાળવવામાં આવી રહ્યાં છે. જિલ્લાના તળાજામાં ૩, ઘોઘામાં ૨, પાલીતાણામાં ૧૧, સિહોરમાં ૯, ઉમરાળામાં ૧૭, વલ્લભીપુરમાં ૧૪ અને ગારીયાધારમાં ૨૪ સહિત આશરે ૧૧ર ગામ અસરગ્રસ્ત છે. સોમવાર સુધીમાં તળાજામાં ૧૪, પાલીતાણામાં ૨૨, સિહોરમાં ૩૮, ઉમરાળામાં ૨૧૧,  વલ્લભીપુરમાં ૩૨ અને ગારીયાધારમાં ૧૬૬ સાથે કુલ- ૪૮૫ પશુઓ અસરગ્રસ્ત થયાં હતાં. આ તમામ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરી દેવામાં આવી છે. જિલ્લાના વધુ અસર પામેલાં ઉમરાળા અને ગારીયાધાર તાલુકાઓમાં રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલું છે. જિલ્લામાં લમ્પી વાયરસથી કોઇ પશુ અસરગ્રસ્ત જણાય તો તાલુકા કક્ષાએ આવેલાં પશુ દવાખાના, પશુઓ માટેના હેલ્પલાઇન-૧૦૬૨ કે ૧૦ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના, પશુ ધન નિરીક્ષક કે ડેરીના પ્રતિનિધિઓનો સંપર્ક સાધવાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભાવનગરમાં પ્રભારી સચિવ સોનલ મિશ્રાએ જિલ્લા અમલીકરણ સમિતીના સભ્યો સાથે બેઠક કરીને ભાવનગર જિલ્લામાં આ રોગને ઉગતો જ ડામી દેવાં માટેના અસરકારક પગલાં અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ વિશે જિલ્લાના અધિકારીઓને માર્ગદશત કર્યા હતાં. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.