કેન્દ્ર સરકારના વિભાગોમાં 10 લાખ જગ્યા ખાલી : દોઢ વર્ષમાં ભરતી થશે - At This Time

કેન્દ્ર સરકારના વિભાગોમાં 10 લાખ જગ્યા ખાલી : દોઢ વર્ષમાં ભરતી થશે


- વિપક્ષના હોબાળા વચ્ચે સંસદમાં સરકારે વિગતો આપી- રેલવેમાં 2.94 લાખ, ડિફેન્સ (સિવિલિયન)માં 2.64 લાખ, ગૃહ મંત્રાલયમાં 1.4 લાખ, પોસ્ટ ખાતામાં 90 હજાર, રેવન્યૂમાં 80 હજાર પદો ખાલી- કેન્દ્રીય વિભાગો-મંત્રાલયોમાં કુલ મંજૂર કરાયેલા પદોની સંખ્યા 40.35 લાખ, હાલ 30.55 લાખ પદો પર કર્મચારીઓ ફરજ બજાવે છેનવી દિલ્હી : કેન્દ્ર સરકાર હેઠળ આવતા વિવિધ સરકારી વિભાગોમાં ૧૦ લાખ નોકરીઓના પદ ખાલી પડયા છે. આ જાણકારી ખુદ રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ૧ માર્ચ, ૨૦૨૧ સુધીના આંકડા મુજબ કેન્દ્ર સરકાર હેઠળના વિભાગોમાં ૯.૯૭ લાખ પદો ખાલી પડયા છે. જ્યારે આ વિભાગોમાં કુલ કર્મચારીઓ-અધિકારીઓના મંજૂર કરાયેલા કુલ પદોની સંખ્યા ૪૦.૩૫ લાખ આસપાસ છે જેમાંથી આ ૧૦ લાખ પદ હાલ ખાલી પડયા છે.આ ૪૦.૩૫ લાખ પદોમાંથી ૩૦,૫૫,૮૭૬ પદો પર હાલ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. કર્મચારીઓની નિવૃતિ, નિધન, પ્રમોશન, રાજીનામા વગેરેને કારણે આ પદો ખાલી પડયા છે તેમ કેન્દ્રએ જણાવ્યું હતું. જોકે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સાથે દાવો કર્યો હતો કે આ પદો પર ભરતી પ્રક્રિયાની કામગીરી મિશન મોડ પર ચલાવવા વડાપ્રધાન મોદીએ આદેશ આપી દીધા છે. જેથી આગામી દોઢ વર્ષમાં આ પદો પર ભરતી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે સંસદમાં આપવામાં આવેલા આંકડા મુજબ જે ૧૦ લાખ જેટલા પદો ખાલી પડયા છે તેમાં રેલવે મંત્રાલયમાં ૨.૯૪ લાખ, ડિફેંસ (સિવિલિયન) મંત્રાલયમાં ૨.૬૪ લાખ, ગૃહ મંત્રાલયમાં ૧.૪ લાખ, પોસ્ટ વિભાગમાં ૯૦,૦૦૦, રેવન્યૂ વિભાગમાં ૮૦,૦૦૦ પદ ખાલી પડયા છે. એટલે કે રેલવે વિભાગમાં મોટા પ્રમાણમાં પદો ખાલી પડયા છે.કેન્દ્ર સરકારે અગાઉ ૨૦૧૬ના આંકડા પણ જારી કર્યા હતા, તે સમયે કેન્દ્ર સરકાર હેઠળના વિભાગોમાં કુલ મંજૂર કરાયેલા પદોની સંખ્યા ૩૬.૩ લાખ હતી જેમાંથી ૧ માર્ચ ૨૦૧૬ સુધી આ પદોમાંથી ૩૨.૨ લાખ પદો પર કર્મચારીઓ તૈનાત હતા. તેથી છેલ્લા પાંચ વર્ષમાં માન્ય પદોની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો પણ કરવામાં આવ્યો છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. નોકરીના ખાલી પદોના આ આંકડા એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે વિપક્ષ ચોમાસુ સત્રમાં બેરોજગારી મુદ્દે પણ કેન્દ્ર સરકારને ઘેરી રહી છે.કેન્દ્રીય મંત્રી જિતેંદ્ર સિંહે લોકસભામાં લેખીત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર હેઠળ આવતા બધા જ મંત્રાલયો, વિભાગોને ભરતી પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે. એવા અહેવાલો છે કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા મોટી સંખ્યામાં આ ખાલી પદો ભરવામાં આવી શકે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ આ મંત્રાલયો અને વિભાગોની ભરતીના આદેશ આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.