રાજકોટ ૧૦૮ ટીમની પ્રમાણિકતા: ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ પર્સ અને સોનાના દાગીના પરત કર્યા - At This Time

રાજકોટ ૧૦૮ ટીમની પ્રમાણિકતા: ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ પર્સ અને સોનાના દાગીના પરત કર્યા


રાજકોટ ૧૦૮ ટીમની પ્રમાણિકતા: ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ પર્સ અને સોનાના દાગીના પરત કર્યા

રાજકોટ તા. ૧૯ ડિસેમ્બર - જ્યારે કોઈ અકસ્માત સર્જાય કે કોઈ પ્રકારની મેડીકલ ઈમરજન્સી આવે ત્યારે આપણાં મનમાં તાત્કાલીક સારવાર માટે સૌપ્રથમ યાદ આવતો નંબર એટલે ૧૦૮. જાહેર માર્ગો પર અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે પ્રમાણિકતા અને નૈતિકતા પણ નિભાવવામાં આવે છે.

પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતી આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. આ પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા ૧૦૮ ટીમના રાજકોટના જિલ્લા સુપરવાઈઝરશ્રી વિરલભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ ઉપર આવેલા સ્કોડા શોરૂમ નજીકના ફાટક પાસે ટ્રેન આવવાના સમયે ફાટક બંધ થઈ રહ્યું હતું. તે અરસામાં દીપેશભાઈ પટેલ નામના ૧૮ વર્ષનાં યુવાન ફાટક બંધ થઈ રહ્યું હોય, ઝડપથી નીકળી જવાની ઉતાવળ કરતા હોઈ અને તે જ સમયે ફાટકનો પાઈપ યુવાનનાં માથાનાં ભાગમાં વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવાન બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. ૧૦૮ની ટીમને જાણ થતાં જ ૧૦૮ની ટીમનાં ઈ.એમ.ટી. કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈ સાથે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સત્વરે ઈજાગ્રસ્ત દર્દીને સારવાર પુરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત યુવાન પાસેથી અંદાજિત રૂ.૯૦,૦૦૦ થી વધુ કિંમતનું સોનાનું કડું, સોનાની ચેન અને પર્સ મળી આવ્યા હતા. જે ઈ.એમ.ટી. કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈએ ઈજાગ્રસ્ત યુવાનનાં પરિજનોને જાણ કરી તેઓના ભાઈ પ્રકાશભાઈને તમામ વસ્તુઓ સહીસલામત સુપરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ ૧૦૮ની ટીમની પ્રમાણિકતા અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ ૧૦૮ની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.