ભાવનગરના તબીબને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સાગરીત ઝડપાયો - At This Time

ભાવનગરના તબીબને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સાગરીત ઝડપાયો


ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવાના ચકચારી કેસમાં શખ્સ ઝડપાયો

- 9 માસ પૂર્વે ભાવનગરના તબીબનો ફોટો-વીડિયો ઉતારી 2 કરોડની માંગણી કરેલી

- હનીટ્રેપમાં સંડોવાયેલા બોરડા ગામના શખ્સને એલસીબીએ દબોચી લીધો, અમદાવાદની યુવતીએ સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી

ભાવનગર : ભાવનગરના તબીબને અમદાવાદની યુવતીએ સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી સુરત બોલાવી તેમના ફોટો-વીડિયો ઉતારી લઈ હનીટ્રેપમાં ફસાવ્યાની ચકચારી ઘટનામાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તળાજાના બોરડા ગામના શખ્સને દબોચી લીધો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આખલોલ જકાતનાકા, શિવાલીક આરોગ્યધામમાં રહેતા તબીબ દલપતભાઈ કાતરિયાને અમદાવાદમાં રહેતી કાજલ પટેલ નામની એક યુવતીએ માર્ચ મહિનામાં વોટ્સએપમાં મિત્રતા કેળવી બાદ તેઓને સુરતની એક હોટલમાં બોલાવી ઠંડા પીણામાં નશાકારક પદાર્થ પીવડાવી બેશુધ્ધ બનાવી દઈ તેઓના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. બાદમાં હનીટ્રેપમાં ફસાયેલા તબીબ પાસે યુવતી અને તેના અન્ય ચાર સાગરીતોએ બદનામ કરી દેવાની અવાર-નવાર ધમકી આપી ફોન કરી બે કરોડની માંગણી કરી હતી. આ ચકચારી ઘટનામાં આખરે ડોક્ટરે ગત ૨૪મી ઓગસ્ટના રોજ સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં કાજલ પટેલ, મહાવિરસિંહ તણસા, વિજય ભરવાડ અને બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૮૭, ૩૨૮, ૫૦૬ (૧), ૧૨૦ (બી), આઈ.ટી. એક્ટ ૬૬ ઈ મુજબ ગુનો દાખલ કરી પ્રતિષ્ઠિત લોકોને હનીટ્રેપમાં ફસાવનારી ગેંગને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યો હતો.

દરમિયાનમાં આજે શનિવારે ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે ભાવનગરના ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો નાસતો ફરતો એક સાગરિક બોરડા ગામના બસ સ્ટેન્ડ પાસે હોવાની ચોક્કસ બાતમી મળતા સ્ટાફે દોડી જઈ રાજુ રામભાઈ ભમ્મર (ઉ.વ.૪૦, રહે, બોરડા, તા.તળાજા)ને હસ્તગત કરી લઈ આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસને સોંપી દીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.