વાલ્મીકી વાડીમાં 21 વર્ષીય પરિણીતાનો આપઘાત,.સત્ય છુપાવવા પતિએ હાર્ટએટેકની સ્ટોરી ઉભી કરી’તી - At This Time

વાલ્મીકી વાડીમાં 21 વર્ષીય પરિણીતાનો આપઘાત,.સત્ય છુપાવવા પતિએ હાર્ટએટેકની સ્ટોરી ઉભી કરી’તી


શહેરની વાલ્મીકી વાડીમાં 21 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હતો. જોકે સત્ય છુપાવવા પતિએ હાર્ટ એટેકની સ્ટોરી ઉભી કરી હતી. પ્રથમ હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે બેભાન થઈ ઢળી પડ્યાનું કહ્યું હતું. પછી ફોરેન્સિક પીએમમાં હકીકત સામે આવી હતી. માવતર પક્ષને શંકા છે દુ:ખ ત્રાસથી તેની દીકરીએ આપઘાત કર્યો હતો. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મૃતકના પતિએ પહેલા પોલીસમાં વિગત આપી હતી કે, તેની પત્ની આરતીબેન દિપકભાઈ ગોહીલ (ઉ.વ.21, જામનગર રોડ પર વાલ્મીકી વાડી) ગઈકાલે સાંજના 6 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી. ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ બે-ભાન થઈ ઢળી પડી હતી. જેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કરી હતી.
પતિએ કહ્યા મુજબ, સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતકના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયેલ અને તેના પતિ સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. મૃતક ચાર બહેન એક ભાઈમાં સૌથી મોટી અને તેને સંતાનમાં એક પુત્રી છે. આ ઘટના પછી આરતીના પતિ સહિતના પરિવારે આરતીના માવતર પક્ષને જાણ કરી હતી.
જેથી માતા-પિતા સહિતના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. આરતીના એક મામા કેતનભાઈ પોરબંદર રહે છે. તેઓ પણ રાજકોટ હોસ્પિટલે પહોંચ્યા હતા. અહી તેણે જાણ્યું કે, આરતી ઘરે હતી ત્યારે તેને ઉલ્ટી થઈ હતી. જેથી મામાએ શંકા વ્યક્ત કરી હતી કે, હાર્ટ એટેક આવ્યો તો ઉલ્ટી કેમ થઈ? માવતર પક્ષે આ અંગે પોલીસને રજુઆત કરતા ફોરેન્સિક પીએમ કરાયું હતું અને આરતીનું હાર્ટ એટેકથી નહીં પણ ઝેરી દવા પીવાના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.
માવતર પક્ષે આક્ષેપ કર્યો છે કે, આરતીએ થોડા દિવસો પહેલા જ તેની નાની બહેનને ફોન કરી કહ્યું હતું કે, તેના પતિ દિપકને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ છે અને હવે તે આરતીની કોઈ વાતમાં ધ્યાન આપતો નથી. માવતર પક્ષને શંકા છે દુ:ખ ત્રાસથી તેની દીકરીએ આપઘાત કર્યો છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.