વડોદરા કોર્પોરેશનમાં 22 ને બદલે માત્ર 8 જ ફૂડ સેફ્ટી ઓફિસર - At This Time

વડોદરા કોર્પોરેશનમાં 22 ને બદલે માત્ર 8 જ ફૂડ સેફ્ટી ઓફિસર


વડોદરા, તા. 20 ઓગસ્ટ 2022 શનિવારસરકારની ગાઈડલાઈન મુજબ વડોદરા શહેરમાં એક લાખની વસ્તી સામે એક ફૂડ સેફ્ટી ઓફિસર હોવો જોઈએ, એટલે કે વડોદરા ની 22 લાખની વસ્તી સામે 22 હોવા જોઈએ. તેના બદલે હાલ માત્ર આઠ જ ફૂડ સેફ્ટી ઓફિસર ફરજ બજાવી રહ્યા છે .જેના કારણે ફૂડના નમુના પૂરતી સંખ્યામાં લઈ શકાતા નથી. દર વર્ષે આમ તો 10350 સેમ્પલ લેવા જોઈએ ,તેના બદલે છેલ્લા ત્રણ વર્ષમાં માંડ 982 જ સેમ્પલ લેવામાં આવ્યા છે. કોર્પોરેશનની ખોરાક શાખાને લારીવાળા, હોટલ વાળા કે કોઈ ઉત્પાદક સામે કાર્યવાહી કરવાની સત્તા નથી. માત્ર સેમ્પલ કલેક્ટ કરવાની સત્તા છે. કોઈ ખાદ્ય પદાર્થો ખાવા લાયક ન હોય  તો તેનો નાશ કરવાની સત્તા આ શાખા પાસે રહેલી છે. છેલ્લા દસ વર્ષમાં જે ફૂડ સેમ્પલ મિસ બ્રાન્ડેડ અથવા તો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે તેના હજી ચુકાદા આવવાના બાકી છે.કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 3 નમૂના અનસેફ, 58 સબ સ્ટાન્ડર્ડ અને 17 મિસ બ્રાન્ડેડ જાહેર થયા છે. મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ ફૂડ માટે છેલ્લા ત્રણ વર્ષમાં 48 ને દંડ કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પબ્લિક હેલ્થ લેબોરેટરી પાછળ સાડા ચાર કરોડનો ખર્ચ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે, અને હવે આ લેબોરેટરી ને અપગ્રેડ કરવા માટે બીજા 1.68 કરોડના સાધનો લેવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરી છે ,પરંતુ કોર્પોરેશન પાસે ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવા પૂરતો સ્ટાફ નથી અને પૂરતી સંખ્યામાં સેમ્પલ પણ લેવાતા નથી તો લેબોરેટરી પાછળ કરોડોનો ખર્ચ કરતા પહેલા પૂરતી સંખ્યામાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ભરતી કરવા ગાઈડલાઈન મુજબ ટેસ્ટીંગ વધારવા અને કોર્ટ કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી લાઇસન્સ રદ કરવાની સત્તા આ વિભાગને આપ્યા બાદ જ લેબોરેટરી અધ્યતન બનાવવી જોઈએ તેવી રજૂઆત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.