શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ - At This Time

શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ


દિપક જોષી દ્વારા પ્રાચી

શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ
1955 થી યોજાય છે લોકસંસ્કૃતિ,અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો
મુલાકાતીઓ માટે સુરક્ષા અને સુલભતા સાથે ઊભી કરાય છે સાત્વિક આનંદની વ્યવસ્થાઓ
૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે 22 નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે માન.જીલ્લા કલેકટરશ્રીના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. કાર્તિકી પુર્ણીમા મેળો-2023 ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો છે.
ગિરસોમનાથ જિલ્લાના માનનીય કલેકટર શ્રી એચ કે વઢવાણિયા સાહેબના વરદ હસ્તે સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્તિકી પૂર્ણિમા 2023 મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ 70 પ્રદર્શની, માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રવેશ માટે બે માર્ગોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રથમ ત્રિવેણી સંગમ પાસે તેમજ દ્વિતીય કલાકેન્દ્ર સામેથી યાત્રીઓ મેળામાં પ્રવેશ કરી શકશે. કાર્તિકી પૂર્ણિમાના મેળાના ૦૫ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે ૦૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. સોમનાથ જ્યોતિર્લિંગના આધ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે. ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજ દંડ અને ત્રિશૂળ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ હરોળમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે. જેને કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારે મેળાના ભવ્ય અને સુલભ આયોજનમાં જરૂરી સહયોગ કરવા માટે જાહેર જનતાને શ્રી સોમનાથ ટ્રસ્ટ,જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે.
મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને 2 વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કલાકેન્દ્ર તથા શ્રી રામ મંદિરની સામેના ભાગે આવેલ ખાલી જગ્યામાં કરવામાં આવેલી છે.સાથે જ ફોર વ્હીલ,રીક્ષા સહિતના મોટા વાહનો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ મુખ્ય પાર્કિંગ જે ગૌશાળા સામે આવેલ છે, ત્યા નિયત શુલ્ક સાથે કરવામાં આવશે.
શ્રી સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને વન-વે કરવામાં આવ્યો છે. તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે. વિશેષમાં મેળાનો લાભ લેતા યાત્રીઓને નીચે મુજબ કાળજી રાખવા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
૧. મેળા દરમ્યાન બાળકો વિખુટા ન પડે તેની ખાસ કાળજી રાખો.
૨. શાંતિપૂર્વક ચાલી ધકકા મુક્કી ન કરી, આયોજનમાં સહયોગ આપો.
૩. મેળામાં કોઈપણ જગ્યાએ ભીડ થાય અથવા તોફાની તત્વો જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરો.
૪. મેળામાં ઈમરજન્સી માટે અલગ–અલગ જગ્યાએ ઈમરજન્સી ગેઈટ રાખવામાં આવેલા છે. તેનો ઈમરજન્સીના સમયમાં ઉપયોગ કરો.
૫. મેળામાં ઈમરજન્સી સમયે ગભરાશો નહીં, ભાગદોડ ન કરતા નકકી કરવામાં આવેલ ગેધરીંગ પોઈન્ટ- "સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ" પર એકઠા થઈ અને ત્યાં પહોંચવા માટે અન્ય લોકોને મદદ કરો.
૬. મેળામાં આપની સેવા માટે નીચે મુજબની વ્યવસ્થા છે તેનો ઉપયોગ કરો.
ઈમરજન્સી સંપર્ક :–
પોલીસ – 100
એમ્બ્યુલન્સ – 102
મેળા કાર્યાલય – 6357574757 ફાયર – 101
ઈમરજન્સી – 108

આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે.
ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશ-વિદેશના ભક્તો શ્રી સોમનાથ મંદિર ના ઓફિશિયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, યુટ્યુબના માધ્યમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળી શકશે. સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોકસાહિત્ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાશે. પ્રથમ દિવસે સ્થાનીક કલાકારો દિનેશભાઇ ચુડાસમા, નાજાભાઇ ભાદરકા, જીગ્નાશાબેન ચુડાસમા, બિજા દિવસે ઓસમાણભાઇ મીર તથા સાથી વૃંદ, ત્રિજા દિવસે પ્રીયંકાબેન બાસુ, અભિજીતભાઇ રાવ, અલખભાઇ કંસારા, મંગલભાઇ રાઠોડ ચોથા દિવસે અપેક્ષાબેન પંડ્યા, પાંચમા દિવસે માયાભાઇ આહિર તથા જાહલબેન આહિર કાર્તિકી મેળામાં સ્વરવંદના કરશે.
આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેથી મેળામા સેહલાણીઓને કોઈપણ તકલીફ ન પડે. મેળા દરમિયાન ફરજ પરના કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.