તાઈવાન પર મિસાઈલમારો રોકવા ચીનને અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાની ચેતવણી - At This Time

તાઈવાન પર મિસાઈલમારો રોકવા ચીનને અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાની ચેતવણી


વોશિંગ્ટન, તા.૬અમેરિકન સંસદનાં અધ્યક્ષ નેન્સી પેલોસીની મુલાકાત પછી તાઈવાન અને ચીન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ચીન લાઈવ ફાયર ડ્રીલના નામે તાઈવાન પર દબાણ ઊભું કરી રહ્યું છે ત્યારે ત્રણ શક્તિશાળી દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને એક થઈને ચીનને ચેતવણી આપી છે. ત્રણેય દેશોએ આકરા શબ્દોમાં ચીનને તેનો યુદ્ધાભ્યાસ તુરંત બંધ કરવા કહ્યું છે. બીજીબાજુ તાઈવાને પણ ચીનનો સામનો કરવા પહેલી વખત લશ્કરી કવાયત હાથ ધરી છે. જોકે, તાઈવાનના એક ટોચના સૈન્ય અધિકારીનું રહસ્યમય મોત થયું છે.ચીને તાઈવાનને ઘેરીને ૬ બાજુથી યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે અને તાઈવાનના છ મહત્વપૂર્ણ બંદરોને ટાર્ગેટ કર્યા છે. આવા સમયે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને રણનીતિક વાટાઘાટો દરમિયાન તાઈવાનમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ત્રણે દેશોએ પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનની વર્તમાન કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે ગંભીરરૂપે જોખમી ગણાવી છે. તેમણે ચીનની લાઈવ ફાયર ડ્રીલની ટીકા કરી છે. ત્રણેય દેશોએ કહ્યું કે ચીનના આ પગલાંથી વૈશ્વિક સ્તરે તણાવ વધ્યો છે. જાપાને કહ્યું કે ચીને લોન્ચ કરેલી બેલીસ્ટિક મિસાઈલો જાપાનના ક્ષેત્રમાં પડી છે.તાઈવાન અને ચીન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે ત્યારે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રી તથા સેક્રેટરી વચ્ચે રણનીતિક બેઠક યોજાઈ હતી. તેમાં ત્રણેય દેશોએ તેમની ત્રીપક્ષીય ભાગીદારી મજબૂત કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ચીનને તુરંત સૈન્ય અભ્યાસ બંધ કરવા આગ્રહ કર્યો હતો.ચીનની ચાર દિવસની લાઈવ ફાયર ડ્રીલ હકીકતમાં તાઈવાન પર આક્રમણની તૈયારી છે. તાઈવાન જલડમરુમધ્યમાં યુદ્ધાભ્યાસ કરી રહેલા ચીની વિમાન અને જહાજ અમારા પર હુમલાની નકલ કરી રહ્યા હતા તેમ તાઈવાનના સૈન્યે દાવો કર્યો છે. સ્વ-શાસિત ટાપુની નાકાબંધી અને અંતિમ આક્રમણના આશયથી બેઈજિંગ સૈન્ય અભ્યાસ સાથે આગળ વધી રહ્યું છે. ચીનનો સામનો કરવા માટે તાઈવાને પણ લશ્કરી કવાયત હાથ ધરી છે.ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે તેવા સમયે જ તાઈવાન સંરક્ષણ મંત્રાલયના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એકમના ઉપપ્રમુખ ઓ યાંગ લી-હિંગનું શનિવારે રહસ્યમય મોત થયું છે. લી-હિંગ દક્ષિણ તાઈવાનના પિંગટુંગનના વ્યાવસાયિક પ્રવાસે હતા ત્યારે એક હોટેલના રૂમમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીના મોતના કારણોની તપાસ ચાલી રહી છે. લી-હિંગે આ વર્ષના પ્રારંભમાં જ વિવિધ મિસાઈલ ઉત્પાદન પ્રોજેક્ટ્સના નિરીક્ષણની જવાબદારી લીધી હતી. આ ઘટનાથી ચીન અને તાઈવાન વચ્ચે ઘર્ષણ વધવાની આશંકા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.