તલાક-એ-હસન ટ્રીપલ તલાક જેવા નથી, મહિલાઓ પાસે 'ખુલા'નો વિકલ્પ : સુપ્રીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sc-says-talaq-e-hasan-not-akin-to-triple-talaq-women-have-option-of-khula/" left="-10"]

તલાક-એ-હસન ટ્રીપલ તલાક જેવા નથી, મહિલાઓ પાસે ‘ખુલા’નો વિકલ્પ : સુપ્રીમ


નવી દિલ્હી, તા.૧૬મુસ્લિમોમાં 'તલાક-એ-હસન' મારફત છૂટાછેડા આપવાની પ્રથા ટ્રીપલ તલાક સમાન નથી અને મહિલાઓ પાસે પણ 'ખુલા'નો વિકલ્પ છે તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું. મુસ્લિમોમાં ટ્રીપલ તલાકની જેમ 'તલાક-એ-હસન' પણ છૂટાછેડા આપવાની એક રીત છે, પરંતુ તેમાં ત્રણ મહિનામાં ત્રણ વખત નિશ્ચિત સમયાંતરે તલાક બોલીને સંબંધ ખતમ કરવામાં આવે છે. ઈસ્લામમાં પુરુષ 'તલાક' લઈ શકે છે જ્યારે મહિલાઓ માટે 'ખુલા' મારફત પતિથી અલગ થવાનો વિકલ્પ હોય છે.ન્યાયાધીશ એસ.કે. કૌલ અને ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશની બેન્ચે કહ્યું કે, પતિ અને પત્ની એક સાથે ના રહી શકે તો સંબંધ તોડવાના આશય ફેરફાર ન થવાના આધારે બંધારણની કલમ ૧૪૨ હેઠળ તલાક આપી શકાય છે. બેન્ચ 'તલાક-એ-હસન' અને 'એક તરફી ન્યાયેત્તર તલાકના બધા અન્ય રૃપોને ગેરકાયદે તથા ગેરબંધારણીય' જાહેર કરવાની વિનંતીવાળી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં દાવો કરાયો છે કે તલાકની આ રીત મરજી મુજબની, અસંગત અને મૌલિક અધિકારોનો ભંગ કરે છે.બેન્ચે કહ્યું કે તલાક-એ-હસન એ રીતે ટ્રીપલ તલાક નથી. મુસ્લિમોમાં લગ્ન એક પ્રકારનો કરાર હોવાના કારણે તમારી પાસે ખુલાનો વિકલ્પ પણ છે. બે લોકો એક સાથે ના રહી શકે તો અમે પણ લગ્ન તોડવાનો ઈરાદો ન બદલાવાના આધારે તલાકની મંજૂરી આપીએ છીએ. જો વરરાજા દ્વારા નવવધુને રોકડ અથવા અન્ય રૃપમાં અપાતી ભેટ 'મહેર' અપાય છે તો શું તમે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે તૈયાર છો?સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રથમ દૃષ્ટીએ અમે અરજદાર સાથે સંમત નથી. અમે તેને કોઈપણ કારણથી કોઈ એજન્ડા બનાવવા માગતા નથી. અરજદાર બેનઝીર હિના તરફથી વરિષ્ઠ વકીલ પિંકી આનંદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યા હતા, પરંતુ તેણે તલાક-એ-હસનના મુદ્દે ચૂકાદો આપ્યો નથી. સુપ્રીમે પિંકી આનંદને એ પણ નિર્દેશ લેવા કહ્યું કે અરજદારને 'મહેર' કરતાં વધુ રકમની ચૂકવણી કરવામાં આવે તો શું તે તલાકની પ્રક્રિયા પર સમજૂતી કરવા માટે તૈયાર હશે? બેન્ચે અરજદાર મહિલાને એ પણ સવાલ કર્યો કે તે આ કેસમાં સીધા જ સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા છે? આ કેસ અંગે હાઈકોર્ટ ગયા કે નહીં? શું આવા અન્ય કોઈ કેસ પણ પેન્ડિંગ છે? બેન્ચે અરજદારને કહ્યું કે, 'મુબારત' મારફત આ કોર્ટના હસ્તક્ષેપ વિના પણ લગ્ન તોડવા શક્ય છે. સુપ્રીમ હવે આ કેસમાં ૨૯મી ઑગસ્ટે સુનાવણી કરશે.ગાઝિયાબાદ નિવાસી હિનાએ બધા નાગરિકો માટે છૂટાછેડાના સમાન અધાર અને પ્રક્રિયા બનાવવા કેન્દ્રને નિર્દેશ આપવા પણ કોર્ટને વિનંતી કરી હતી. હિનાએ દાવો કર્યો કે તે 'તલાક-એ-હસન'ની પીડિતા છે. હિનાને તેના પતિએ તલાક-એ-હસન હેઠળ નોટિસ મોકલી હતી, જેને તેણે સુપ્રીમાં પડકારી છે. મહિલાની દલીલ છે કે તલાક-એ-હસન મહિલાઓના ગૌરવ વિરુદ્ધ છે અને સન્માન સાથે જીવન જીવવાના અધિકારની પણ વિરુદ્ધ છે.છૂટાછેડા માટેની તલાક-એ-હસન રીત કેવી છેમુસ્લિમોમાં છુટાછેડાની ટ્રીપલ તલાકની રીત પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે કે એક સાથે તલાક... તલાક... તલાક... બોલીને છૂટાછેડા આપવાની પદ્ધતિ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. પરંતુ તલાક-એ-હસન છૂટાછેડા આપવાની અલગ પ્રક્રિયા છે. તેમાં પતિ તેની પત્નીને પહેલી વખત તલાક કહ્યાના એક મહિના સુધી રાહ જોવે છે. પછી મહિનો પૂરો થયા પછી તે ફરીથી તલાક બોલે છે. વધુ એક મહિનો પસાર થયા પછી તે ત્રીજી વખત પત્નીને તલાક કહે છે. આમ, ત્રણ મહિનામાં ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા લેવામાં આવે છે. જોકે, બે વખત તલાક બોલ્યા પછી બે મહિનામાં પતિ-પત્ની વચ્ચે સમાધાન ન થાય તો તલાક માની લેવામાં આવે છે જ્યારે સમાધાન થઈ જાય તો અગાઉ બે વખત બોલેલા તલાક શબ્દ નિરર્થક થઈ જાય છે. ત્રણ વખત તલાક બોલવાના આ સમયમાં પતિ-પત્ની સાથે જ રહે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]