મતદાન ‘ફર્સ્ટ’: 100 ટકા મતદાન માટે ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં મંગળવારે સવેતન રજા - At This Time

મતદાન ‘ફર્સ્ટ’: 100 ટકા મતદાન માટે ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં મંગળવારે સવેતન રજા


7મેનાં ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકશાહીના મહા પર્વને સફળ બનાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ પક્ષોના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવીને વિજય મેળવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તેમજ તંત્ર દ્વારા પણ આયોજનો થકી તેમજ અલગ અલગ એસો.ને ભેગા કરી બહોળા પ્રમાણમાં મતદાન થાય તેવા પ્રયાસો કરી રહેવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતું એસો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પણ લોકોને મતદાન માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટની વિવિધ ઈન્ડસ્ટ્રીના પ્રમુખો તેમજ વર્કરોને પણ મતદાન માટે અપીલ કરી છે. આ દિવસે જાહેર રજાનું સુચન કરવામાં આવ્યું છે આથી રાજકોટની આજી જીઆઈડીસી, જીઆઈડીસી લોધીકા, ગુજરાત સિમેન્ટ મેન્યુ. ફેકચરી એસો., જેમ્સ એન્ડ જવેલરી એસો., હડમતાલા ઈન્ડસ્ટ્રીયલ એસો., હરીપર ઈન્ડસ્ટ્રીયલ એસો., ખાંભા ઈન્ડસ્ટ્રીયલ એસો., ખીરસરા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસો. કુવાડવા ઈન્ડસ્ટ્રીયલ એરીયા એસો. દ્વારા વર્કરોને મંગળવારના રોજ મતદાન માટે રજા જાહેર કરાઈ છે.
બહોળા મતદાન માટે રાજકોટની મુખ્ય બજારના વેપારીઓએ પણ અભિયાન હાથ ધયુર્ં છે. છેલ્લા 15 દિવસથી તેઓ મતદાન અપીલના સંદેશા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે તા.7મેનાં મતદાનના દિવસે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, કોઠારીયા નાકા મેઈન રોડ, ઘીકાંટા રોડ સહિતની બજારોના વેપારીઓએ મતદાન કરીને જ દુકાન ખોલવાનો નિર્ણય કર્યો છે. તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકો માટે ડીસ્કાઉન્ટ સહિતની ઓફરોની ચર્ચાઓ થઈ રહી છે.
આજી જીઆઈડીસી ઈન્ડ. એસો.ના પ્રમુખ નરેશભાઈ શેઠ જણાવે છે કે મંગળવારે તમામ વર્કરો માટે રજા રાખવામાં આવી છે આ ઉપરાંત અન્ય ફેકટરીના માલીકો દ્વારા જમણવાર અને સરપ્રાઈઝ ગીફટ આપવાનું આયોજન કરાયું છે. આથી બહોળા પ્રમાણમાં મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોધીકા જીઆઈડીસી ઈન્ડ. એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે, અંદાજે 40 હજારથી વધુ લોકો લોધીકામાં કામ કરી રહ્યા છે. જેને પગલે લોધીકા જીઆઈડીસીની તમામ ઈન્ડસ્ટ્રીમાં મંગળવારે રજા જાહેર કરાઈ છે. ઉપરાંત બુધવારે પણ રજા આપવામાં આવશે.
હરીપર ઈન્ડસ્ટ્રીલ એસો.ના પ્રમુખ ડેનીશભાઈ હડવાણી જણાવે છે કે મંગળવારે અને બુધવારે સવેતન રજા આપવામાં આવશે. તેમજ 100 ટકા મતદાન માટે વર્કરોને ઘરેથી મતદાન બુથ સુધી દેવા-મુકવા જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વોટ કરેલ નિશાન બતાવનાર વર્કરને ગીફટ આપવામાં આવશે. આ એરીયામાં 100 ફેકટરીઝ આવેલી છે જેમાં અંદાજીત 2000 લોકો કામ કરે છે. ખાંભા ઈન્ડ. એસો.ના પ્રમુખ ભરતભાઈ ટીલવા જણાવે છે કે અંદાજે 50 કારખાનામાં 500 વર્કરો કામ કરે છે. આથી મંગળવારે રજા આપી વર્કરોને મતદાન માટે અપીલ કરવામાં આવી છે. મંગળવારે તો રજા રહેશે જ તેમજ બુધવારે પણ રજા આપવામાં આવશે. સવેતન રજા આપવાથી વર્કરોમાં નવો જોશ ઉમેરાયો છે.
ખીરસરા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ પ્રશાંત સુચક જણાવે છે કે મંગળવારે મતદાન હોવાથી 107 ફેકટરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ગુજરાત સિમેન્ટ એસો.ના પ્રવિણભાઈ સખીયા જણાવે છે કે સવેતન રજા આપવાથી વર્કરો મતદાન માટે પ્રોત્સાહિત થાય છે. આથી મંગળવારે વર્કરોને રજા આપવામાં આવી છે. જેથી તેઓ પોતાના સમય અનુસાર મતદાન કરી શકે. આ એસો.માં 50 ફેકટરીઓ આવેલ છે. જેમાં 700 લોકો કામ કરે છે. મતદાન કરનાર મતદારને સરપ્રાઈઝ ગીફટ આપવાનું નકકી કરાયું છે.
કુવાડવા ઈન્ડસ્ટ્રી એરીયા એસો.ના અનીલભાઈ વાણપરીયા જણાવે છે કે અમારા એરીયામાં આજુબાજુના રહેવાસીઓ કામ કરતા હોવાથી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી નથી પરંતુ સમયમાં છુટછાટ આપવામાં આવી છે. વર્કરો પોતાના સમય અનુસાર મતદાન કરી શકે. જેમાં વેતન ઉપર કોઈ અસર નહીં થાય.
ધર્મેન્દ્ર રોડ એસોસીએશન, લાખાજીરાજ રોડ વેપારી એસો. રાજકોટ કલોથ મર્ચન્ટ એસો. હોલસેલ ટેક્ષટાઈલ એસો. રેડીમેઈડ ગારમેન્ટ એસો. ઘીકાંટા રોડ, કટલેરી-હોઝીયરી વેપારી એસો. દ્વારા મતદાનના દિવસે ચોકકસપણે મતદાન થાય તે માટે નિર્ણય લેવાયો છે કે તમામ વેપારીઓ મતદાન કરીને જ દુકાન ખોલશે. આ ઉપરાંત દુકાનમાં કામ કરતા લોકોને બે-બે કલાકનો સમય આપી મતદાન માટે રજા અપાશે. આ એરીયામાં 1500થી વધુ દુકાનો આવેલી છે આથી બહોળા પ્રમાણમાં મતદાન થઈ શકે તેમ છે.
આ ઉપરાંત વેપારીઓએ ગ્રાહકોને ડીસ્કાઉન્ટ આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. તા.7મે હોવાથી મતદાનનું નિશાન દર્શાવનારને 7 ટકા ડીસ્કાઉન્ટ આપવાની ચર્ચા વેપારીઓ કરી રહ્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.