કારના શો-રૂમમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 5.37 લાખની છેતરપિંડી - At This Time

કારના શો-રૂમમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 5.37 લાખની છેતરપિંડી


એસેસરીઝ પેમેન્ટના આવેલા રૂપિયા કટકે-કટકે વાપરી નાખ્યા

શહેરમાં ગોંડલ રોડ પર પરફેક્ટ રિટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડ નામના નેકશાના નામના કારના શો-રૂમમાંથી કર્મચારીએ એસેસરીઝ પેમેન્ટમાં આવેલા કટકે-કટકે રૂ.5.37 લાખ પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી છેતરપિંડી કરી હોવાની સેલ્સ મેનેજરે ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસે કંપની કર્મચારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વિશેષ પૂછતાછ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસેના વર્ધમાનનગરમાં રહેતા અને ગોંડલ રોડ પર નેકશાના નામના કારના શો-રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા નિખિલેશભાઇ અશોકભાઇ ગાહેલએ ફરિયાદ કરી હતી જેમાં તે શોરૂમમાં રોકડી કરતા હોય અને તેની નીચે 15 માણસો કામ કરતા હોય જેમાં આરોપી શો-રૂમમાં કસ્ટમરને નવી કાર બતાવવી સેલ્સ કરવાનું કામ કરતો વિક્રમસિંહ જગતસિંહ ઠાકુરનું નામ આપ્યું હતું.

ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે, આરોપી વિક્રમસિંહ છેલ્લા એક વર્ષથી કામ કરતો હોય તેને કસ્ટમરને વેચાણથી આપેલ કારના ડાઉન પેમેન્ટ અને એસેસરીઝના પેમેન્ટ તરીકે આવેલા રૂપિયા કટકે-કટકે પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી કંપનીમાં જમા નહીં કરાવી તા.24-8-2023 થી તા.30-11-2023 સુધીમાં રૂ.5.37 લાખની છેતરપિંડી આચર્યાનું જણાવતા જમાદાર પરમાર સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને તેની પાસેથી ઉચાપત કરેલા રૂપિયા કબજે કરવા તેમજ તેની સાથે અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે વિશેષ પૂછપરછ માટે વધુ કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.