જૂના ડખામાં 3 શખ્સે ઘરમાં ઘૂસી તોડફોડ કરી, મરચાંની ભૂકી છાંટી - At This Time

જૂના ડખામાં 3 શખ્સે ઘરમાં ઘૂસી તોડફોડ કરી, મરચાંની ભૂકી છાંટી


જામનગર રોડ, મનહરપુર-1 ગામે ગત મોડી રાતે બનેલો બનાવ

જામનગર રોડ, મનહરપુર-1 ગામે રહેતા ભરત હરેશભાઇ બહુકિયા નામના યુવાને ગામના જ અજય કોળી, સુરેશ ઉકેડિયા, કાનો ઝીંઝુવાડિયા નામના શખ્સો સામે ઘરમાં ઘૂસી તોડફોડ કરી ભત્રીજી ઉપર મરચાંની ભૂકી છાંટી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઇમિટેશનનું કામ કરતા યુવાનની ફરિયાદ મુજબ, તે ગત મોડી રાતે મિત્ર સાથે મોટાવડા ગામે હતો. ત્યારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ઘરમાં ઘૂસી તોડફોડ કરી ધમકી આપતા હોવા અંગેનો પિતાએ ફોન કરી પોતાને જાણ કરતા પોતે તુરંત મિત્ર સાથે બાઇક પર ઘરે આવ્યા હતા. ઘરે પહોંચતા ફળિયામાં રહેલા પાંચ વાહનોમાં તોડફોડ કર્યાનું જોવા મળ્યું હતું. જેથી પિતાએ વાત કરતા કહ્યું કે, રાતે ત્રણેય શખ્સ ધોકા, પાઇપ જેવા હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા. અને પોતાને કહ્યું કે, ક્યા છે તમારો દીકરો અજય, બહાર મોકલો આજ તો તેના હાથ-પગ ભાંગી નાખવાના છે. જેથી અજય ઘરે ન હોવાનું કહેતા ત્રણેય શખ્સે વાહનોમાં પાઇપ, ધોકાના ઘા ફટકારીનુકસાન કર્યું હતું.

બનાવથી ગભરાઇને અમે ઘરમાં જતા હતા. ત્યારે ત્રણ પૈકી એક શખ્સે ભત્રીજી કિરણ ઉપર મરચાંની ભૂકી છાંટી નાસી ગયા હતા. બનાવની જાણ કરતા યુનિવર્સિટી પોલીસ દોડી આવી ફરિયાદ પરથી રૂ.15 હજારનું નુકસાન કરી ધમકી આપી નાસી ગયેલા ત્રણેય શખ્સ સામે ગુનો નોંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.