અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં રાત્રે ફેલાતું હવાનું પ્રદૂષણ ચિંતાનો વિષય - At This Time

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં રાત્રે ફેલાતું હવાનું પ્રદૂષણ ચિંતાનો વિષય


અમદાવાદ: સ્થાનિક વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાથીજણ, ઈસનપુર, દાણીલીમડા, શાહઆલમ અને મણિનગર જેવા અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં હવે રાત્રે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે વિચિત્ર પ્રકારની દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો ઉઠી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અમદાવાદને મેગા સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, પરંતુ વિકાસની આંધળી દોટમાં પર્યાવરણની જાળવણી જાણે ભુલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પીવાના પાણીની સમસ્યા માંડ માંડ ઉકેલાઈ ત્યાં હવે હવાનું પ્રદૂષણ માથાનો દુખાવો બની ગયું છે. રામોલ, નારોલ, દાણીલીમડા, મણિનગર જેવા વિસ્તારોમાં રાત્રે ફેલાતી આ વિચિત્ર દુર્ગંધનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિકોનું માનવું છે કે નજીકની કોઈ કેમિકલ ફેક્ટરીમાંથી આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોઈ શકે છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને કોર્પોરેશનના જવાબદાર વિભાગો દ્વારા આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જો આ પ્રદૂષણનું કારણ વહેલી તકે શોધી કાઢવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિસ્તારોના લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જશે. ત્યારે તંત્ર દ્વારા આ ગંભીર પ્રદૂષણની સમસ્યાને તાત્કાલિક ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી છે.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image