સોમનાથ ટ્રસ્ટ દ્વારા પથિક આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ, સાંજે 4 થી 7 કથા સમય - At This Time

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પથિક આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ, સાંજે 4 થી 7 કથા સમય


સોમનાથ ટ્રસ્ટ દ્વારા પથિક આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ, સાંજે 4 થી 7 કથા સમય
------
શ્રી સોમનાથ મંદિરમાં સંકલ્પ અને પૂજન બાદ ઢોલ-શરણાઈના નાદ સાથે પોથી યાત્રામાં ભક્તો જોડાયા
------
ધરમપુરના પ્રસિદ્ધ કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ મહારાજના શ્રીમુખે લોકોને ભાગવત જ્ઞાન મળશે
------
પ્રતિદિન કથામાં આવનાર તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા

સોમનાથ તા.30/07/2203 અધિક શ્રાવણ શુક્લ દ્વાદશી

પ્રભાસતીર્થ એટલે જ્યાં ભગવાન સોમનાથ બિરાજમાન છે, તેમજ શ્રીકૃષ્ણએ જ્યાં પોતાની માનવ લીલા ને વિરામ આપ્યો તે પવિત્ર હરી અને હરની ભૂમિ ત્યારે શ્રી હરિ નામ સ્મરણ માટે પવિત્ર પુરુષોત્તમ માસને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. જેથી સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો શ્રીકૃષ્ણ ભક્તિનું ભાથું બાંધી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પથિક આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં તીર્થમાં આધ્યાત્મિકતાના સુદ્રઢીકરણ માટે સતત કાર્યરત છે ત્યારે પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રીમદ ભાગવત કથાના રસપાનનો ભાવિકોને લાભ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધરમપુર થી વિશ્વપ્રસિદ્ધ બનેલા શ્રી શરદભાઈ વ્યાસ મહારાજ ના શ્રી મુખે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમનાથ મંદિર થી શ્રીમદ ભાગવત કથાની પોથીયાત્રા નીકળી હતી. જેમાં સ્થાનિય લોકો અને શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જેડી પરમાર, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દિલીપ ચાવડા, સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા વ્યાસ પૂજન અને શ્રીમદ ભાગવત નું પૂજન કરવામાં આવ્યું હતુ.

કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત નો પરિચય આપતા શ્રીમદ ભાગવતને સાક્ષાત શ્રીકૃષ્ણ સ્વરૂપ ગણાવ્યું હતું અને જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ શ્રીમદ ભાગવતમાં સમાયેલો છે તે વિશે શ્રોતાઓને જ્ઞાન આપ્યું હતું.

આગામી તારીખ 5 ઓગસ્ટ 2023 સુધી ચાલનારી આ શ્રીમદ ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. કથાની સાથે શ્રી સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.