આપણાં ફેફસાંનો કલર બદલાઈ ગયો છે!!:કોરોના પછી પણ ઘણાને ફેફસાંમાં જાળાં જામેલાં જોવા મળે છે, સિગારેટ નથી પીતા તેમને પણ લંગ્સમાં ડોટ છે - At This Time

આપણાં ફેફસાંનો કલર બદલાઈ ગયો છે!!:કોરોના પછી પણ ઘણાને ફેફસાંમાં જાળાં જામેલાં જોવા મળે છે, સિગારેટ નથી પીતા તેમને પણ લંગ્સમાં ડોટ છે


હમણાં ચાર સમાચાર સામે આવ્યા.
12 જુલાઈ, 2024 અક્ષય કુમાર કોવિડ પોઝિટિવ
18 જુલાઈ, 2024 અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કોવિડ પોઝિટિવ
30 જુલાઈ, 2024 પેરિસ ઓલિમ્પિકમાં કેટલાક ખેલાડીઓ કોવિડ પોઝિટિવ 10 ઓગસ્ટ, 2024 CDCના રિપોર્ટ મુજબ અમેરિકાના 27 રાજ્યોમાં કોવિડના કેસ વધ્યા છે આ સમાચારોથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે, આપણી વચ્ચે હજી કોરોના છે. તદ્દન ગયો નથી. પોસ્ટ કોવિડ અસર ઘણા લોકોમાં રહી-રહીને દેખાય છે. ખેર, કોરોનાને થોડીવાર માટે એકબાજુએ મુકી દઈએ તો પણ આપણે રોજેરોજ એટલી ખરાબ હવા લઈએ છીએ કે આપણા ફેફસાં ખરાબ થવા લાગ્યા છે. પહેલાં તો એવું મનાતું કે જે લોકો સ્મોકિંગ કરે છે તેના ફેફસાં ખરાબ થઈ રહ્યાં છે. પણ હવે એવું નથી રહ્યું. પ્રદૂષણ જ એટલું વધી ગયું છે કે, આપણા ફેફસાંમાં હવાની સાથે ઢગલાબંધ કાર્બન જવા લાગ્યો છે ને ફેફસાંમાં જમા થવા લાગ્યો છે. આના કારણે આપણા ફેફસાંનો કલર બદલાઈ રહ્યો છે.
આ વિષય ગંભીર બનતો જાય છે ને આપણે તેને ગંભીરતાથી લેવો પણ પડશે. આ સંદર્ભે અમે અમદાવાદની મોરેન્ગો સિમ્સ હોસ્પિટલના કન્ટલટન્ટ પલ્મેનોલોજિસ્ટ ડો. અમિત પટેલ સાથે ચર્ચા કરી. તેમણે માત્ર કોવિડની અસર જ નહીં, પણ પ્રદૂષણ અને ખરાબ હવાના કારણે ફેફસાંની હાલત કેટલી ખરાબ થાય છે, તેની સામે પણ લાલબત્તી ધરી છે. જે રીતે અમુક સમયે બીપી-સુગર મપાવતાં હોઈએ, તેવી રીતે લંગ્સ ફંક્શન ટેસ્ટ નિયમિત કરાવતા રહેવાની સલાહ પણ આપી છે. આપણાં ફેફસાંનો કલર બદલાઈ ગયો છે!!
ડો. અમિત પટેલ કહે છે, અમારા સિનિયર સર્જન છે, જેની સાથે મારે હમણાં વાત થઈ. એ 40 વર્ષથી દિલ્હીમાં પ્રેક્ટિસ કરે છે ને ભારતના ખ્યાતનામ સર્જન છે. એમણે મને એવું કહ્યું કે, આજથી 40 વર્ષ પહેલાં કોઈ દર્દીના ઓપરેશન માટે હું ફેફસાં કાઢતો હતો ત્યારે ફેફસાં એકદમ પિન્ક, ગુલાબી રહેતાં હતાં. હવે હું જે ફેફસાં કાઢું છું તો ખબર પડે છે કે આપણાં ફેફસાં પહેલાં જેવા પિન્ક રહ્યાં નથી. જે વ્યક્તિએ ક્યારેય સ્મોકિંગ કર્યું નથી એવા દર્દીમાંથી ઈન્ફેક્શનના કારણે તેનું ફેફસું કાઢવું પડ્યું હોય તો જોવા મળે છે કે, સારું ફેફસું પણ પિન્ક હોતું નથી. હવે લોકોના ફેફસાંનો કલર થોડો ડાર્ક થઈ ગયેલો હોય છે અને તેમાં નાનાં નાનાં કાર્બનના ડોટ હોય છે. એ ઈન્ડિકેટ કરે છે કે આપણા દેશમાં પોલ્યુશન ઘણું વધી રહ્યું છે. નોર્મલ વ્યક્તિનાં ફેફસાંનો કલર પણ બદલાયો છે. પહેલાં જેવો ગુલાબી રહ્યો નથી. આ ભાઈએ ઉધરસને ગંભીરતાથી ન લીધી એટલે ફેફસાં ખતમ થઈ ગયાં
ડો. અમિત પટેલે એક કિસ્સો જણાવ્યો. તેમણે કહ્યું કે, હમણાં જ મેં એક દર્દીની તપાસ કરી. એ ભાઈના ફેફસાં ખતમ થઈ ગયાં છે અને તેમને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની જરૂર જણાય છે. એ પેશન્ટને કોવિડ પછી જ બધા સિમટમ્સ ચાલુ થયા છે. કોવિડમાં એ દાખલ થયા હતા અને તેમને સિવિયર કોવિડ થયો હતો. પછી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેમને સતત ખાંસી રહેતી હતી. શરૂઆતના તબક્કામાં એમને શ્વાસ નહોતો ચડતો પણ પછી ધીમે ધીમે શ્વાસ ચડવાની તકલીફ શરૂ થઈ. એ વખતે તેમણે કોઈ ડોક્ટરને બતાવ્યું નહીં ને એમને ફેફસાંની બીમારી એકદમ આગળ વધી ગઈ. કોઈને પોસ્ટ કોવિડ હોય કે બીજા કોઈ કારણોસર સિમટમ્સ હોય, જેમ કે ખાંસી આવવી, શ્વાસ ચડવો તો પલ્મનોલોજિસ્ટને બતાવવું જોઈએ. વાહનના કાર્બોરેટરની જેમ ફેફસાંમાં કાર્બન જમા થાય છે!!
ડો. પટેલ એક કિસ્સો કહે છે. દિલ્હીના જે સિનિયર સર્જને મને ગુલાબી ફેફસાંની વાત કરી હતી તેમણે એવું પણ કહેલું કે, અત્યારે બેમાંથી એક ફેફસાંમાં ખરાબ ભાગ જામી ગયો હોય ને હું ફેફસાં ખોલું તો, બીજું સારું ફેફસું હોય તેમાં એટલો બધો કાર્બન જામેલો હોય છે તે જોતાં એવું થાય કે આપણે શુદ્ધ હવા લેતા જ નથી. પ્રદૂષણના કારણે ફેફસાંના રોગો ઝડપથી વધી રહ્યા છે. જેમ વાહનોના કાર્બોરેટરમાં કચરો જમા થઈ જાય છે, તેમ ફેફસાંમાં કાર્બન જમા થતો જાય છે. લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની શું પ્રોસેસ હોય છે?
ડો. અમિત પટેલ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ સમજાવતાં કહે છે, લંગ્સ ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ છે, તેમાં ભારતમાં આપણને બ્રેન ડેડ વ્યક્તિ પાસેથી જ લંગ્સ મળતાં હોય છે. દુનિયામાં 'ડોનેશન આફ્ટર સર્ક્યુલેટરી ડેથ' એવું ચાલુ થયું છે. બ્રેઈન ડેડ દર્દીના ક્રાઈટેરિયા હોય છે. ન્યૂરોફિઝિયન સર્ટીફાઈ કરે એને જ બ્રેઈન ડેડ માની શકાય. ઘણા એવા દર્દી હોય છે જે બ્રેઈન ડેડ દર્દીની ડેફિનેશનમાં ફીટ નથી થતા પણ એ પોતે ક્યારેય રિકવર થવાના નથી ને એમનું મગજ ક્યારેય રિકવર થવાનું નથી. એવા દર્દી ઓલમોસ્ટ બ્રેઈન ડેડ છે પણ અમે તેને બ્રેઈન ડેડ ડિક્લેર નથી કરી શકતા. કારણ કે સાયન્સમાં હજુ બ્રેઈન ડેડની ડેફિનેશન લિમિટેડ છે. એવા દર્દીને બીજા દેશોમાં એ દર્દીઓના સગાંને કાઉન્સેલિંગ કરે કે, આ દર્દીમાં રિકવરી આવતી નથી અને જો એ લોકો અરજન્ટ ડોનેશન માટે તૈયાર થાય તો પછી તેને વિડ્રોલ સપોર્ટ કરીને ડોક્ટરની હાજરીમાં જ હૃદય બંધ પડવા દેવાનું ને જેવું હૃદય બંધ પડે એટલે બે કલાકમાં સર્વાઈવલ ઓર્ગન કાઢી લેવાનું ને બીજા દર્દીમાં ઈમ્પાલન્ટ કરી શકીએ. પણ ભારતમાં હજી આ પ્રચલનમાં નથી. અહીં બ્રેઈન ડેડ દર્દીથી જ ઓર્ગન મળે છે. હા, લિવર અને કીડનીમાં લાઈવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. જાપાનમાં લંગ્સમાં લાઈવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ થયાં છે પણ એ નાનાં બાળકો અથવા તરૂણ વયનાં હોય તેમાં કરી શકાતા હોય છે. સર્જરીની પ્રોસેસ કહું તો, નાકમાંથી બે શ્વાસનળી ફેફસાં સાથે જોડેલી હોય છે. તેને કટ કરીને જૂનાં ફેફસાં કાઢી લેવામાં આવે છે ને નવાં ફેફસાંને જગ્યા પર મૂકીને શ્વાસ નળી સાથે ફરીથી જોડી જેવામાં આવે છે. કોરોના પછી પણ ફેફસાંમાં ફાઇબ્રોસિસ દેખાય છે
કોરોના પછી પણ ફેફસાંની તકલીફો રહે છે? જવાબમાં ડો. અમિત પટેલ કહે છે, ગુજરાતીમાં એક કહેવત છે. સાપ ગયા પણ લીસોટા રહ્યા. જેમને એ સમયે સિવિયર કોવિડ થયો હોય તેવા પેશન્ટમાં પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસ અત્યારે જોવા મળે છે અને એમાંના ઘણા પેશન્ટ સારી રીતે રિકવર થયા છે પણ કેટલાક પેશન્ટ્સમાં હજી પણ પોસ્ટ કોવિડ ફાઇબ્રોસિસ છે. તેના કારણે શ્વાસ અને ખાંસીની તકલીફ રહ્યા કરે છે. ફાઇબ્રોસિસ છે શું?
સાવ સાદી ભાષામાં કહીએ તો, ફેફસાંમાં જામી ગયેલાં જાળાં. એને ઈંગ્લિશમાં પલ્મોનરી ફાઇબ્રોસિસ કહે છે. આ જાળાં તો જ જામે જો ફેફસાં નબળાં પડી ગયાં હોય. ફેફસાં નબળે પડે એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય. સતત ઉધરસ આવ્યા કરે. હાંફ ચડે. આ બધાં ફેફસાં નબળાં પડવાના લક્ષણો છે. જો આ લક્ષણો હોય તો સમજવું કે તમારા ફેફસાં નબળાં પડી રહ્યા છે અને ફેફસાંમાં જાળાં જામી ગયાં છે. એટલે જેમ બીપી-સુગરનો ટેસ્ટ કરાવીએ છીએ, એ રીતે ફેફસાંનો પણ નિયમિત ટેસ્ટ કરાવતાં રહેવો જોઈએ. ફેફસાંનો ટેસ્ટ કેવી રીતે કરાવાય?
ડો. પટેલ કહે છે, એના માટેનો એક ટેસ્ટ હોય છે જેને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કહેવાય છે. જેમાં એક કોમ્પ્યુટરમાં ફૂંક મારવાની હોય છે અને તેના આધારે ફેફસાંની કેપેસિટી નક્કી થાય છે. અસ્થમા જેવી બીમારી આવે તે પહેલાં ટેસ્ટ કરાવીને નિદાન કરી શકીએ છીએ. આ ટેસ્ટનો ખર્ચ લગભગ 1200 રૂપિયા આસપાસ થતો હોય છે. લંગ્સની તકલીફ કોવિડ વેક્સિનના કારણે વધી છે?
ના. કોવિડ વેક્સિનના કારણે તકલીફ વધી નથી પણ કોવિડ વેક્સિનના કારણે તો ઘણા દર્દીઓને પ્રોટેક્શન મળ્યું છે. ફેફસાંના જે દર્દીઓને વરસમાં બેથી ત્રણ વખત દાખલ થવું પડતું હતું. તે વેક્સિન આપ્યા પછી વર્ષે માંડ એકવાર દાખલ થવું પડે છે. ફેફસાં વધારે ખરાબ ન થાય તેના માટે શું કરવું?
માસ્કથી ફાયદો થઈ શકે છે. જેમ આપણે કોવિડમાં જોયું હતું કે, કોવિડ હતો ત્યારે માસ્ક પહેરી રાખ્યું હતું ત્યારે એ સમયે ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ એક-બે વર્ષમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. એ વખતે એવું નહોતું કે બધા વાયરસ મરી ગયા હતા કે જતા રહ્યા હતા પણ માસ્કના કારણે તેનું ઈન્ફેક્શન ઓછું લાગતું હતું. એવી રીતે અત્યારે માસ્ક પહેરવાથી પ્રદૂષણવાળી હવા જવાની માત્રા ઘણી ઘટી જાય છે. ફેફસાંની તકલીફ છે, એ કેવી રીતે ખબર પડે?
એક તો પલ્મોનરી ફંક્શન ટેસ્ટ તો છે જ, પણ જે લોકોને દમ અને ખાંસી વધારે હોય તેમને ફેફસાંની તકલીફ વધારે હોય છે. જો ફેફસાંમાં ઈન્ફેક્શન હોય તો તાવ આવે, ગડફાંમાં લોહી આવે એ બધા સિમટમ્સ હોય છે. હાર્ટની જેમ લંગ્સમાં પણ ક્લોટ જામી જવાની સમસ્યા વધી રહી છે...
જવાબમાં ડો. અમિત પટેલ કહે છે, હા. લંગ્સમાં જે ક્લોટ જામે છે તેને પલ્મોનરી એમ્બોલીઝમ કહેવાય છે. એ એવા દર્દીઓમાં થાય છે જે પથારીવશ હોય, અથવા તો લોહી જાડું કરવાના પરિબળો હોય. જેમ કે કેન્સર. કેન્સર લોહી જાડું કરે છે. અથવા તો પગની નસોમાં ડેમેજ થવું, તો એવા કેસોમાં પગની નસો જામી જાય છે અને એ જામેલી નસોનો ક્લોટ છૂટો પડીને ફેફસાંમાં જાય તો પલ્મોનરી એમ્બોલીઝમ થઈ શકે. એનું પ્રમાણ ઘણું વધી ગયું છે. કારણ કે આપણું એવરેજ આયુષ્ય વધી ગયું છે એટલે ઉંમર લાયક દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. પલ્મોનરી એમ્બોલીઝમ ઉંમર લાયક દર્દીઓમાં વધારે જોવા મળે છે. રિસ્ક ફેક્ટર પણ વધ્યા છે. જેમ કે કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. રોડ એક્સિડન્ટ વધ્યા છે. આ બધા રિસ્ક ફેક્ટર છે. પહેલાં આ બધું નિદાન કરવાની સુવિધા નહોતી, હવે આપણી પાસે એ નિદાન કરવાની સુવિધા છે. નિદાન થવા લાગ્યું એટલે સંખ્યા વધવા લાગી. માણસ એક ફેફસાં પર જીવી શકે?
હા. એક ફેફસું તદ્દન ડેમેજ થઈ ગયું હોય ને એક ફેફસું સારું હોય તો માણસ જીવી શકે છે ને આખી જિંદગી કાઢી શકે છે. એક ફેફસું ઓપરેશન કરીને કાઢી નાંખીએ છીએ તો પણ જીવનમાં કોઈ વાંધો આવતો નથી. બાળકોમાં લંગ્સની તકલીફો જોવા મળે છે?
બાળકોમાં અસ્થમા વધારે જોવા મળે છે ને આપણા દેશમાં ટીબી કોમન છે એટલે ટીબીના દર્દીઓ જોવા મળે છે. પણ બાળકોમાં અસ્થમાની તકલીફ વધારે જોવા મળે છે. મુખ્ય કારણ વારસાગત હોય છે. બીજા કારણોમાં પ્રદૂષણ, ઘરમાં કોઈ સ્મોકિંગ કરતા હોય. માતા સ્મોકિંગ કરતી હોય તેવા બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કોરોના પછી ચાઈનીસ અને યુરોપીયન લોકો કરતાં ભારતીયના ફેફસાં નબળાં પડ્યાં!
વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજની રિસર્ચ ટીમે જે સ્ટડી કર્યો તેમાં કેટલીક ચોંકાવનારી વાત સામે આવી. ખાસ કરીને કોરોના પછી ભારતીયોનાં ફેફસાં વધારે નબળાં પડ્યાં છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, જ્યાંથી કોરોના ઉદ્દભવ્યો હોવાનું માનવામાં આવે છે તે ચીની લોકોના ફેફસાં પણ એટલાં નબળાં પડ્યાં નથી. આ મેડિકલ કોલેજે 207 લોકો પર સ્ટડી કર્યો હતો. આ એવા પેશન્ટ હતા, જેને પહેલી લહેરમાં કોરોના થયો હતો. હમણાં, જુલાઈ-2024ના એન્ડમાં PLOS ગ્લોબલ પબ્લિક હેલ્થ જર્નલમાં આ રિસર્ચ રિપોર્ટ પબ્લિશ થયો. મેડિકલ કોલેજની ટીમે 207 લોકોનાં લંગ્લ ફંક્શન ટેસ્ટ કર્યા, છ મિનિટનો વોક ટેસ્ટ કર્યો, બ્લડ ટેસ્ટ કર્યો અને ક્વોલિટી લાઈફ એસેસમેન્ટ કર્યું. આ તમામ લોકો એવા હતા જેને માઈલ્ડ, મોર્ડરેટ અને સિવિયર કોવિડ થયો હતો.
સ્ટડી રિપોર્ટમાં લખ્યું છે કે, આ લોકોમાં નોંધવા જેવી બાબત એ હતી કે, 44% લોકો સરખી રીતે હવા લઈ શકતા નહોતા. એટલે ફેફસાં સુધી પૂરતી હવા પહોંચતી નહોતી. 35% લોકોના ફેફસાં નબળાં પડી ગયાં છે. એટલે ફાઈબ્રોસિસ થઈ ગયું છે. લોકસભામાં ટીબીના આંકડા અપાયા, તેમાં ગુજરાતનો ત્રીજો નંબર
થોડા દિવસો પહેલાં જ લોકસભામાં ટ્યુબરકોલાઈસિસ (ટીબી)ની બીમારીના આંકડા સાંસદ સૌગતા રે દ્વારા માગવામાં આવ્યા હતા. તેના જવાબમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે 2019થી 2024 સુધીના ટીબીના આંકડા લોકસભામાં રજૂ કર્યા હતા. આ આંકડા જોઈએ તો, 2019થી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં 87,538, મહારાષ્ટ્રમાં 43,107 અને ગુજરાતમાં ક્ષય રોગના કારણે 34,384 મૃત્યુ નોંધાયા છે. એ રીતે ભારતમાં ટીબીથી મૃત્યુ પામ્યા હોય તેની સંખ્યામાં ગુજરાત ત્રીજા નંબરે છે. આ વખતે ભારતમાં 2024ના પહેલા છ જ મહિનામાં 43,290 મૃત્યુ થયા છે, જેમાંથી ગુજરાતમાં 2,784 મૃત્યુ નોંધાયા છે.
ઈન્ડિયા ટીબી રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાતમાં 1.5 લાખ જેટલા ટીબીના પેશન્ટ છે. તેમાંથી 76% કેસોમાં ફેફસાં ખરાબ થઈ ગયાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.