ચૂંટણીને અનુલક્ષીને બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ - At This Time

ચૂંટણીને અનુલક્ષીને બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ


તંત્રને ચૂંટણી કામગીરીની તૈયારીમાં લાગી જવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.ડી.પલસાણાની સૂચના

તા.૨૨ : બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી તથા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી.ડી.પલસાણાના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણીના નોડલ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી.

નોડલ ઓફીસર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નોડલ ઓફીસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.એન.કાચા સહિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી તથા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી.ડી.પલસાણાએ આવનારી વિધાનસભાની ચૂંટણી સુચારૂં, નિષ્પક્ષ અને સફળ રીતે યોજાય તે માટે ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. તેમણે જણાવ્યું કે, દરેક નોડલ ઓફિસરશ્રીઓ પોતાની કામગીરી શરૂ કરતા પહેલા ભારત સરકારના ચૂંટણીપંચની ગાઈડ લાઈનને અનુસરે જેથી કોઈપણ પ્રકારની વિસંગતતા રહી ન જાય. તેમજ ચૂંટણી પૂર્વે નોડલ અધિકારીઓ સાથે કામગીરી કરનાર ટીમોએ મીટીંગ કરી ચૂંટણી તાલીમો યોજવાની રહેશે. ઇન્ચાર્જ કલેકટરશ્રીએ તમામ વિભાગના નોડલ ઓફિસરો ઝીણવટથી પરામર્શ કરી તમામ નોડલ ઓફિસરોનું એક ગૃપ બનાવી તેમાં સતત અપડેટ રહી સંકલનમાં રહીને ચૂંટણી કામગીરીની તૈયારીમાં લાગી જવા સૂચનો કર્યાં હતાં.

સમગ્ર નોડલ અધિકારીઓની બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશ પરમારે પોસ્ટલ બેલેટ, વાહનોની જરૂરિયાત, આચાર સંહિતા, મેન પાવર, ટ્રેનીંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ નિયંત્રણ, મીડિયા મેનેજમેન્ટ, સ્વીપ, SMS મોનીટરીંગ, કાયદો વ્યવસ્થા સ્ટાફ વેલફેર, માઈગ્રેશન વોટર્સ, દિવ્યાંગ મતદારો, ચૂંટણી નિરીક્ષક, સોશ્યલ મીડિયા વિગેરે તમામ નોડલ ઓફિસરોને કરવાની થતી તમામ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી સુચના સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.