રાજબાઈ ને પૂજનાર ઉજળી રૈયત અઢીસો વર્ષ પૂર્વે અન્યાય સામે બુલંદ અવાજ રૈયા પટેલ નો ઘેઘુર વડલો એટલે રૈયાણી પરિવાર - At This Time

રાજબાઈ ને પૂજનાર ઉજળી રૈયત અઢીસો વર્ષ પૂર્વે અન્યાય સામે બુલંદ અવાજ રૈયા પટેલ નો ઘેઘુર વડલો એટલે રૈયાણી પરિવાર


રાજબાઈ ને પૂજનાર ઉજળી રૈયત અઢીસો વર્ષ પૂર્વે અન્યાય સામે બુલંદ અવાજ રૈયા પટેલ નો ઘેઘુર વડલો એટલે રૈયાણી પરિવાર 

ગુજરાતનાં સોજીત્રા ગામમાંથી શામળ નામનાં પટેલ હાલારમાં ઉતર્યા અને ભાખ ગામમાં રહ્યાં, ત્યાંથી આ કુટુંબ ખંભાળીયું અને પીપળીયા થઈ દેરડી આવ્યું. આ મુદ્દત દરમ્યાન શામળ પટેલનાં વંશની, મહંત, ગોવો, ધીરો, આશો, પુંજો, ધરમશી, માલો અને સાતો એ પ્રમાણે વંશાવળી થઈ. સાતો એ પટેલને બે દીકરા હતાં. રૈયો અને રામ આ વખતે તેઓ ભાખરની અટકથી સોળખાતા હતા.રૈયો પટેલ સમર્થ પુરુષ હતા. ખેડનો જથ્થો મોટો હતો. દિલ ઉદાર હતું અને પોતાનું માન સમજનાર પુરુષ હતા. તે વખતે દેરડીમાં જેઠસુર વાળા કરીને કાઠી દરબાર રાજ કરતા હતા. દરબાર સાથે પટેલને સારો સંબંધ હતો. સંવત ૧૭૬૫ માં રૈયા પટેલે મોટો શેરડીનો વાડ વાવ્યો હતો. વાડ બહુ સારો થર્યો હતો. શેરડી ત્રીજે ક્યારે પહોંચી હતી. શેરડી પાકતા ચીચોડો વહેતો કર્યો અને દરબાર અને ખેડુતો આનંદ કરવા માંડયા. એમ કહેવાય છે કે વાડની મોટી પેદાશ અને પટેલની મોટી જાહોજલાલી જોઈ દરબાર ને ઈર્ષા થવા લાગી. એટલે અનિતિ શરૂ કરી. એક દિવસ રૈયા પટેલને દરબારે બોલાવ્યા અને તેને કહ્યું કે પટેલ, તમારે રાત્રે ચિચોડો હાંકવો નહીં કારણ કે,ચિચોડા ના અવાજ થી મારા જવાન દીકરા ઓને ઉંઘ આવતી નથી આના જવાબ માં  પટેલે જણાવ્યું કે બાપુ ચિચોડાનાં અવાજથી જ આપણાં કોઠારો છલકાઈ જશે અને રાત્રે ન હાંકીએ તો શેરડી ખુટે નહીં અને બમણો વખત લાગે એટલે શેરડી પોલી થઈ જાય અને નુકશાન થાય માટે એ કારણસર ચિચોડો રાત્રે બંધ રખાય નહીં. આ જવાબથી દરબાર ચિડાઈને બોલ્યા મારું કહ્યું ન માનવું હોય તો પટેલ જમીન ખોરડા ખાલી કરો. પટેલે જણાવ્યું કે, અમા આશરો મુકાવો છો તે ગેરવ્યાજબી છે. ત્યારે દરબારે કહ્યું કે, ગેરવ્યાજબી હોય તો મૂળમાંથી ઉખેડી નાંખજે.બોલાચાલી પછી પટેલ તુરંત ઘેર આવ્યા અને ઉચાળા ભર્યા. મનમાં નિર્ણય કર્યો કે જે રાજા જેઠસુરવાળાને હરાવે તેના રાજમાં રહેવું છે. આ વખતે કોટડામાં સાંગાજી જોરાવર પુરુષ હતા એટલે ઉચાળાનાં ગાડા કોટડા તરફ હાંકી મુકયા અને સાંજ પડતા ગોંડલી નદીનાં કાંઠા પરનાં ગોંડલ નામના નાના ગામને પાદર નદીને સામે કાંઠે બાવા લોહલંગરીની જગામાં ઉચાળાના ગાડા છોડી ઉતારો કર્યો. આ વખતે ગોંડલમાં ભા શ્રી કુંભાજી રાજ્ય કરતા હતા. તેઓ પ્રજા પ્રિય હતા અને પોતાના રાજની ખેતીની આબાદી થાય માટે સારા પટેલોને વસાવવાની ઈચ્છાવાળા હતા. સાંજે ઘોડેસ્વાર થઈ પોતે ફરવા જતા. તેવામાં ઉચાળા ભરેલા ગાડા જોઈ ત્યાં આવ્યા અને પૂછપરછ કરતાં જણાયું કે દેરડીથી રૈયો પટેલ ઉચાળા ભરી કોટડામાં વાસ કરવા જાય છે. એટલે પોતે બોલ્યા કે પટેલ મારાં રાજ્યમાં રહો તો તમે કહો તેટલું પળત આપું. જવાબમાં રૈયા પટેલે જણાવ્યું કે બાપુ પળત તો ઠીક, પણ દરડી જઈ ધીંગાણું કરી જેઠસુરવાળાને નમાવે તેના રાજમાં મારે રહેવું છે અને તેવા રાજા સાંગાજી છે. માટે ત્યાં જવાનો મારો ઠરાવ છે પણ જો આપ આ કામ કરી શકો તો હું આપના રાજમાં રહું. આ સાંભળી દરબાર બહુ રાજી થયા અને કહ્યું કે, હું દેરડી દરબાર સાથે ધીંગાણું કરીશ અને તેને હરાવીશ. ત્યાર પછી દશ સાંતીની જમીન પળત આપી અને પટેલાઈ સોંપી. આ વખતે ગોંડલમાં કુંભાર પટેલ હતો. તેની પાસેથી પટેલાઈ લીધી. ખોરડા માટે જમીન કાઢી આપી અને મકાનો કરાવી આપ્યાં. અહીં પણ દેરડી કરતાં વધારે જાહોજલાલી ખડી કરી દીધી. અને ખેતી આબાદ કરી. પોતાનાં જ્ઞાતિ ભાઈઓને બોલાવી ગોંડલનાં ગામો વસાવવા માંડયા.હવે પટેલે બાપુને પોતાનું વચન પાળવા સંભારી આપ્યું. એટલે દેરડી જીતવા મોટી ફોજ તૈયાર થઈ..સાથે રૈયો પટેલ પણ હથિયાર સજી ધીંગાણામાં જવા તૈયાર થયા અને ભા શ્રી કુંભાજી દેરડી પર ચડયા. દેરડી પહોંચતા જ તોપ ફોડવામાં આવી અને ધીંગાણાનાં ખબર આપ્યા. સુરવીર કાઠીઓ પણ લડાઈ માટે તૈયાર થયા અને દેરડીનાં પાદરમાં જ ધીંગાણું થયું. ઘણાં કાઠીઓ કપાઈ ગયા અને દરબાર જેઠસુરવાળા પણ આ લડાઈમાં કપાઈ ગયા. રૈયો પટેલ પણ કામ આવી ગયા, અને ભા શ્રી કુંભાજીની જીત થઈ અને દેરડી ગોંડલનાં રાજમાં ભળી ગયું. આજે દેરડીને પાદર ઘણી ખાંભીઓ તે વખતની છે અને રૈયા પટેલની ખાભી પણ ત્યાં જ છે. રૈયાણી કુટુંબમાં આજે પણ પહેલો દીકરો પરણીને આવે ત્યારે મીંઢોળ ત્યાં જઈ છોડવાનો રીવાજ છે.

રૈયા પટેલે ચારણની દીકરી બાઈ રાજબાઈને બેન માનેલાં હતાં, તે રાજબાઈએ જ્યારે સાંભળ્યું કે, મારો ભાઈ રૈયા પટેલ ધીંગાણામાં પડયાં છે એટલે પોતે ત્યાં આવ્યા. અને રૈયા પટેલનું શબ બળતું હતું ત્યાં જ બીજી ચિતા ખડકી પોતે બળી મર્યા, અને ત્યારથી રૈયા પટેલના વંશજો પોતાના કુળમાં બ્રાહ્મણી અને ખોડીયારને પુજતા તે બંધ કરીને રાજબાઈની પુજા થાય છે અને તેના નિવેદ થાય છે. આજે પણ રૈયા પટેલની પાસે રાજબાઈની મુર્તિ બેસાડેલ છે.

રૈયાપટેલને છ દીકરા હતાં, તે રૈયાણી કહેવાયા અને આજ અઢીસો વરસમાં તેનાં કુળનાં ચારસો ઘર થયા છે. તેમાં ૧૦૦ ઘર ગોંડલમાં અને બીજા જેતલસર, સરસઈ, ગુંદા, વિરપર, હળિયાદ વગેરે જગ્યાઓ મળી ૩૦૦ ઘર આશરે છે. ગોંડલમાં રૈયાણી કુટુંબમાં આજે પટલાઈ છે. અને ૨૫૦ વરસમાં રૈયા પટેલની ૧૩મી પેઢી ચાલે છે. ગોંડલમાં પાંચાભાઈ, નાનજીભાઈ અને રાઘવભાઇ વગેરે આગેવાન તરીકે કામ કરી રહ્યાં છે અને સુખી છે.

સૌજન્ય સૌરાષ્ટ્ર પાટીદાર ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.