રાંદેરડા તળાવ પાસે ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવકનું મોત - At This Time

રાંદેરડા તળાવ પાસે ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવકનું મોત


રાજકોટ તા.26 : રાંદેરડા તળાવ નજીક હાઈવે પર રાત્રીના બાઈકને પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે હડફેટે લેતા ચાલક જયદીપ મકવાણા નામના યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ દોડી ગઈ હતી.
બનાવની વધુ વિગત અનુસાર મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પંચવટી પાર્ક શેરી નં.5માં રહેતા જયદીપભાઈ પ્રવિણભાઈ સરેજા (ઉ.વ.24) ગત રોજ રાત્રીના પોતાનું બાઈક નં. જી.જે.03 એમ.જી.2451 લઈ આજીડેમ નજીક રહેતા તેના મામાના પુત્રને મળવા જતો હતો ત્યારે રાંદેરડા તળાવ નજીક હાઈવે પર પહોંચતા પાછળથી માતેલા સાંઢની માફક આવેલા અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ફુટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરતાં ઈ.એમ.ટી.એ તપાસીને મૃત જાહેર કર્યા હતાં.
બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એ.સી.સીંધવ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિવારને જાણ કરી મૃતદેહને પી.એમ.માં સિવિલે ખસેડયો હતો અને મૃતકના ભાઈની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી. વધુમાં મૃતક મજુરીકામ કરતો અને બે ભાઈમાં નાનો હતો જેના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.