મહિલાઓ માટે રોજગારલક્ષી યોજનાઓ સમગ્ર નારીશક્તિ માટે ખુબ જ ઉપયોગી બની રહી છે: જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા - At This Time

મહિલાઓ માટે રોજગારલક્ષી યોજનાઓ સમગ્ર નારીશક્તિ માટે ખુબ જ ઉપયોગી બની રહી છે: જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા


બોટાદમાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળો સંપન્ન: મહિલાઓને કાર્યક્રમ સ્થળે જ નિમણૂંક પત્ર એનાયત

મહિલાઓની સલામતી જળવાઈ રહે તે માટે જાગૃત કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી

બોટાદ- સરકારશ્રી દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળવિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે “નારી વંદન ઉત્સવ” અન્વયે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. “સક્ષમ નારી, સશકત ગુજરાત”ના શુભ આશય સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. સરકારશ્રીની તમામ યોજનાઓનો હેતુ દરેક જરૂરિયાતમંદ નાગરિકને લાભાન્વિત કરવાનો છે. મહિલાઓ માટે રોજગારલક્ષી યોજનાઓ સમગ્ર નારીશક્તિ માટે ખુબ જ ઉપયોગી બની રહી છે. સખી મંડળોમાં વધુને વધુ બહેનો જોડાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ હાંકલ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે સખી મંડળોમાં બહેનો જોડાય અને વધુને વધુ તકોનો લાભ મેળવે. હર ઘર તિરંગા અભિયાન જેવા રાષ્ટ્રીય પર્વમાં બહેનો ધ્વજના ઉત્પાદનમાં પણ ફાળો આપી રોજગારી મેળવી શકે છે. સખી મેળાના આયોજન થકી બહેનોને ખુબ સારૂ પ્રોત્સાહન મળ્યું હતું. સખીમંડળોને વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે સહકાર મળી રહ્યો છે જેથી તેઓ વધુને વધુ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. હજારો મહિલાઓ રોજગારી મેળવીને પગભર થઈ રહી છે.

કાર્યક્રમ સ્થળ પર જ નોકરીદાતા મારૂતી સ્પીન ટેક્સ કંપની તરફથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી. પલસાણાના હસ્તે બહેનોને નિમણુક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા રોજગાર વિનિમય કચેરી તરફથી શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રી પાર્થભાઈ જાની અને શ્રી વિજયભાઈ નંદાણીને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં મહિલાઓની સલામતી જળવાઈ રહે તે માટે જાગૃત કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિવિધ યોજનાઓ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.

નાનજી દેશમુખ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવે દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ સ્થળ પર મહિલાઓની જાગૃતિ માટે સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ્ ૧૮૧ સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.