ડબલ ઋતુમાં રોગચાળાના 1692 કેસ : ફરી ચીકનગુનીયા દેખાયો - At This Time

ડબલ ઋતુમાં રોગચાળાના 1692 કેસ : ફરી ચીકનગુનીયા દેખાયો


રાજકોટ મહાનગરમાં સીઝનલ રોગચાળાની સ્થિતિ લગભગ કાબુમાં આવતી નથી. છેલ્લા અઠવાડિયામાં ફરી દર્દીઓની સંખ્યામાં વધારો થતા આ આંકડો ફરી 1700 નજીક પહોંચી ગયો છે. શહેરમાં ઘણા દિવસોથી સવારે ઝાકળ, ઠંડક, બપોરે તડકો જેવું વાતાવરણ હોય છે. આજે તો ધાબડીયું વાતાવરણ હતું ત્યારે લગ્નગાળા વચ્ચે આ રોગના દર્દીઓ ફરી વધ્યા છે.
આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તા. 29-1 થી તા. 4-2 સુધીના અઠવાડિયામાં શરદી, ઉધરસના 1263 દર્દી નોંધાયા છે. સામાન્ય તાવના 173 અને ઝાડા-ઉલ્ટીના રપ6 દર્દીઓની નોંધ થઇ છે. આમ સીઝનલ રોગચાળાના દર્દીઓનો આંકડો ૧૬૯૨ પર પહોંચ્યો છે.
આ ઉપરાંત અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળામાં મેલેરીયા અને ડેંગ્યુના એક એક દર્દી ચો5ડે ચડયા છે. તો ફરી ઘણા દિવસો બાદ હાડકા બેવડાવાળી દેતો તાવ ચીકનગુનીયાનો પણ એક કેસ નોંધાયો છે. ચાલુ વર્ષમાં મેલેરીયાનો પ્રથમ કેસ આવ્યો છે. તો જાન્યુઆરીથી આજ સુધીમાં ડેંગ્યુના 7 અને ચીકનગુનીયાના 6 દર્દી નોંધાયા છે.
આ વર્ષના પાંચ સપ્તાહમાં શરદી-ઉધરસના 6194, સામાન્ય તાવના 761 અને ઝાડા-ઉલ્ટીના 1181 કુલ દર્દી નોંધાયા છે. મહાપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 29-1થી 4-2 સુધીના સપ્તાહ દરમ્યાન 12989 ઘરોમાં પોરાનાશક અને 1092 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. જે વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે તેવા જાહેર સ્થળો, સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળા, જાહેર રસ્તા અને ભીડવાળા રસ્તે વ્હીકલ માઉન્ટેન મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવે છે.
ડેંગ્યુ રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કોઇ ધંધાદારી કે રહેણાંક સ્થળે બેદરકારીથી મચ્છર ઉત્પતિ દેખાય તો બાયલોઝ હેઠળ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે જે અંતર્ગત 1407 સ્થળોનું ચેકીંગ કરવામાં આવતા ૫૭૧ રહેણાંક અને ૨૪૬કોમર્શિયલ આસામીને નોટીસ ફટકારવામાં આવ્યાનું પણ મેલેરીયા વિભાગે જણાવ્યું હતું.
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઘરમાં રહેલી પાણીની ટાંકીઓ, બેરલને એર ટાઇટ રાખવા, પશુઓની કુંડી અને અવેડા નિયમિત સાફ કરવા, ફ્રીઝની ટ્રે, પક્ષી કુંજ સાફ રાખવા, બિનજરૂરી ભંગારનો નિકાલ કરવા, દિવસે કરડતા મચ્છરથી બચવા પુરૂ શરીર ઢંકાઇ તેવા કપડા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.
ડેંગ્યુ, મેલેરીયા, ચીકનગુનીયાથી બચવા સપ્તાહમાં એક વખત આવી સફાઇ કામગીરી જરૂરી છે તો લગ્નગાળા અને ડબલ ઋતુની સીઝનમાં ખાણીપીણીમાં પૂરી તકેદારી રાખવા અને હોકર્સ ઝોનથી માંડી દુકાનો, હોટલોમાં પણ ભોજન લેતી વખતે ધ્યાન રાખવા આરોગ્ય વિભાગે લોકોને અનુરોધ કર્યો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.