કાનપુરની ખાનગી સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીઓને કલમા પઢાવાતા હોબાળો - At This Time

કાનપુરની ખાનગી સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીઓને કલમા પઢાવાતા હોબાળો


ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ખાનગી સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થીઓને કલમા પઢાવાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. એક બાળકનો કલમાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો. શિક્ષણ વિભાગે આ અંગે તપાસ હાથ ધરી હતી. શાળા સંચાલકોએ બચાવમાં કહ્યું હતું કે સર્વધર્મ સમભાવ અંતર્ગત શાળામાં બે દશકાથી ચાર ધર્મોની પ્રાર્થના થાય છે. વિવાદ પછી હવે શાળાએ માત્ર રાષ્ટ્રગીત ગવડાવવાની જાહેરાત કરી હતી.ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને કલમા પઢાવાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. ટ્વિટરમાં એક વીડિયો શેર થયો હતો, એમાં એક માતા એના બાળકને કલમા પઢાવાતા હોવાની પૂછપરછ કરે છે. બાળક કહે છે કે તેને કલમા સ્કૂલમાંથી શીખવાડવામાં આવે છે. એ બાબતે અન્ય મહિલાઓ પણ વિરોધ નોંધાવે છે. વીડિયો મા અને બાળકની ઓળખ ન થાય એ રીતે મૂકવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો. હિન્દુ વિદ્યાર્થીઓને કલમા પઢાવાતા હોવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. પેરેન્ટ્સે પણ એ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હોબાળો થતાં શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક તપાસ કાનપુરના એસીપીએ કરી હતી. એસીપી નિશાંક શર્માએ કહ્યું હતું કે શાળાના મેનેજિંગ ડિરેક્ટરની પૂછપરછ કરવામાં આવી હતી. શાળાના મેનેજિંગ ડિરેક્ટર સુમીત માખીજાએ કહ્યું હતું કે શાળાની શરૃઆત બે દશકા પહેલા થઈ ત્યારથી સર્વ ધર્મ સમભાવ અંતર્ગત શાળામાં હિન્દુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ સહિતના ચાર ધર્મોની પ્રાર્થના બાળકોને શીખવવામાં આવે છે અને બાળકો સવારની પ્રાર્થનામાં ચારેય ધર્મોની પ્રાર્થનાનું ગાયન કરે છે. શાળા સંચાલકોના કહેવા પ્રમાણે શાળામાં દરરોજ ગાયત્રી મંત્ર, ગુરુબાની અને દૂઆ એમ દરેક ધર્મના ધાર્મિક સૂક્તોનું પઠન થાય છે.જોકે, વિવાદ પછી શાળાના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું હતું કે હવેથી તમામ ધર્મોની પ્રાર્થના બંધ કરીને માત્ર રાષ્ટ્રગીત ગવડાવાશે. શાળાનો ઈરાદો કોઈ ધર્મની ધાર્મિક લાગણી દૂભવવાનો ન હતો. બધા ધર્મો તરફ સન્માન વધે તે માટે બાળકોને આ શીખવવામાં આવતું હતું એવો બચાવ શાળાએ કર્યો હતો.આ આખા વિવાદ દરમિયાન કાનપુર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો ઉપરાંત હિન્દુ સંગઠનોએ પણ શાળાની આ માનસિકતાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, ભાજપના કાર્યકરો અને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ ગંગાજળથી શાળાનું શુદ્ધિકરણ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.