ભારતે ચિત્તાના આગમન માટે હજુ રાહ જોવી પડશે - At This Time

ભારતે ચિત્તાના આગમન માટે હજુ રાહ જોવી પડશે


ભોપાલ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવારભારત સરકાર એવા પ્રયત્ન કરી રહી હતી કે દેશમાંથી નામશેષ થઇ ગયેલા ચિત્તા આ મહિનાના અંતે ફરીથી આવે અને મધ્ય પ્રદેશના જંગલમાં તેનો વસવાટ શરુ કરવામાં આવે. જોકે, દક્ષિણ આફ્રિકા સરકાર સાથે સમજૂતી કરારની પ્રક્રિયા હજી બાકી હોવાથી એમાં વિલંબ થશે અને આ મહિનાના અંત સુધીમાં આ પ્રાણીનું ભારતમાં આગમન થાય એવી શક્યતા નહિવત છે. દીપડા જેવા લાગતા આ પ્રાણી ભારતમાંથી ૭૦ વર્ષ પહેલા નામશેષ થઇ ગાય હતા. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે વિશ્વના સૌથી ઝડપી પ્રાણીનો પુનઃ વસવાટ થાય એના માટે લાંબા સમયથી પ્રયત્ન ચાલી રહ્યો છે. ભારત આ માટે દક્ષિણ આફ્રિકા અને નામિબીયા સાથે વાટાઘાટ ચલાવી રહ્યું અને ત્યાંથી ચિત્તા ભારતમાં આવવાના છે. અગાઉ, ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી પહેલા તેનું આગમન ભારતમાં થાય એવા પ્રયત્ન ચલી રહ્યા હતા. ભારત સરકારે નામિબિયા સાથે આ માટે સમજૂતી કરી છે પણ તેના હવાઈ પ્રવાસ માટે ભારતના વાતાવરણમાં તે અનુકુળ રીતે વસવાટ કરે એના માટે પ્રયત્ન ચાલી રહ્યા હોવાથી તેમાં વિલંબ થવાનો છે. દક્ષિણ આફ્રિકા સાથે સમજૂતી કરારનો મુસદ્દો ત્યાના રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે પણ તેમાં કોઈ આગળ કામગીરી થઇ નથી. આ પ્રક્રિયા માટે સમય લાગશે એવી દક્ષિણ આફ્રિકાની સરકારે ભારતને જણાવ્યું હતું. ચિત્તાને ભારત લાવવા માટે પ્રાણીએ ત્યાં ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે જેના માટે એક મહિનાનો સમય લાગે છે. આ સમય સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થશે. ભારત આવ્યા પછી તેને જંગલમાં સીધા મુક્ત કરવામાં આવતા નથી. ભારતીય આબોહવામાં તેની અનુકુળતા માટે એક મહિનો એકલા રાખવામાં આવે છે આથી ભારત સરકાર હવે એવું વિચારી રહી છે કે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી એકસાથે જ પ્રાણીને ભારત લાવવામાં આવે. ચિત્તા ભારતમાં ક્યારે નામશેષ થયાછતીસગઢ વિસ્તારમાં છેલ્લે ચિત્તા જોવા મળ્યા હતા. છેલ્લા ચિત્તાનો શિકાર વર્ષ ૧૯૪૭માં કોરિયા નામના રાજ્યના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે કર્યો હોવાની નોંધ છે. ભારત સરકારે વર્ષ ૧૯૫૨માં ચિત્તા દેશમાંથી લુપ્ત થઇ ગયા હોવાની સત્તાવાર જાહેરાત ૧૯૫૨માં કરી હતી. ચિત્તા અને દીપડા વચ્ચે શું ફરક છે? સામાન્ય જન માટે ચિત્તા અને દીપડા બન્ને એક જ પ્રાણી છે પણ હકીકતે બન્ને વચ્ચે ઘણા મોટા તફાવત હોય છે. ફોરેસ્ટ એક્સપર્ટ અનુસાર બન્ને પ્રાણીનો વચ્ચે નીચે મુજબના ફેરફાર હોય છે. ૧. ચિત્તા થોડા પાતળા હોય છે જયારે દીપડા પ્રમાણમાં વજનદાર અને ભરાવદાર હોય છે. ૨. ચિત્તાની પૂંછડી પ્રમાણમાં લાંબી અને સીધી હોય છે. દીપડાની પૂંછડી ટૂંકી અને વળાંક વાળી હોય છે. ૩. ચિત્તાના શરીર ઉપર કળા રંગના સ્પષ્ટ ડાઘ હોય છે, દીપડાના શરીર ઉપર કાળા અને પીળા કલરના ડાઘ હોય છે. ૪. મોઢા ઉપર આંસુ ટપકતા હોય એવા નિશાન હોય છે. દીપડાને આવા નિશાન હોતા નથી. ૫. ચિત્તા શિકાર પાછળ દોડી તેને મારે છે. દીપડા હુમલો કરવામાં નિષ્ણાત હોય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.