મોબાઇલ સેરવતા પકડાતાં ભાવેશ ઉર્ફ ભાવલાની ધોલાઇઃ હોસ્પિટલમાં બધાને શ્રાપ દીધા! - At This Time

મોબાઇલ સેરવતા પકડાતાં ભાવેશ ઉર્ફ ભાવલાની ધોલાઇઃ હોસ્પિટલમાં બધાને શ્રાપ દીધા!


રાજકોટ તા. ૧: ભાવેશ ઉર્ફ ભાવલો ઉર્ફ આકાશ ભલાભાઇ કુહાડીયા...આ નામ છેલ્લા કેટલાક દિવસથી સતત સામે આવતું રહે છે. લોકોના મોબાઇલ ફોન કે પર્સ સેરવી લેવાનું જ રોજ ઉઠીને કામ કરતો આ શખ્સ જાણે સુધરવું જ ન હોય તેમ એકને એક પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરતો રહે છે, પકડાતો રહે છે, છુટતો રહે છે અને ફરીથી એનું એ જ કરતો રહે છે. હજુ શનિવારે જ જવાહર રોડ પરથી ભાવેશ ઉર્ફ ભાવલાને ખાનગી તબિબનો મોબઇલ ફોન બઠ્ઠાવી જવાના મામલે સિવિલ હોસ્પિટલ નજીકથી પકડી લેવામાં આવ્યો હતો. પરંતુ તેણે મોબાઇલ પોતાનો સાગ્રીત લઇને જતો રહ્યાનું રટણ કર્યુ હતું. એ પછી તેને જવા દેવામાં આવ્યો હતો....મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ...ની જેમ રવિવારે રજા રાખી આ ભાવેશ ઉર્ફ ભાવલો આજે સોમવારે ઉઘડતી બજારે ફરીથી પોતાની 'કામગીરી' દેખાડવા નીકળી પડ્યો હતો. પરંતુ પોતાના આ કામમાં તે કાચો પડતો હોય કે ગમે તેમ થતું હોઇ આજે પણ એક મોબાઇલ ફોન સેરવવા જતાં રંગેહાથ ઝડપાઇ જતાં લોકોએ બરોબરનો મેથીપાક દીધો હતો.
દર વખતે પકડાઇ જાય ત્યારે પોતાની જીભ કરડીને કે પછી પોતાની જાતે બ્લેડથી પોતાને ઇજા પહોંચાડી દેવાની ટેવ ધરાવતો અને એ રીતે નાટક-ડીંડક કરી બાદમાં તક જોઇ ભાગી જતાં ભાવલાએ આજે પણ લોકોનો માર ખાધા બાદ બેભાન થવાનું નાટક કરતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. તેમાં નાંખી તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહિ ઇમર્જન્સી વોર્ડમાં પહોંચતા જ તેણે પોતાની જાતને ઇજા પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે આવુ નાટક કરે એ પહેલા સિકયુરીટીએ તેને બાંધી દીધો હતો અને પોલીસને જાણ કરી હતી. જો કે ભાવલાએ આ વખતે નવું ડીંડક કર્યુ હતું અને પોતાને પકડી રાખનારા તમામને શ્રાપ દેવાનું ચાલુ કર્યુ હતું અને પોલીસને બોલાવો મને લઇ જાય...એવું કહી મોટા અવાજે બૂમાબૂમ કરી મુકી હતી.
ઉલ્લેખનિય છે કે શનિવારે મોબાઇલ ચોરીની શંકા પરથી પોલીસે પકડ્યો હતો અને બાદમાં જવા દીધો હતો. ત્યાં આજે ફરીથી એક સ્થળે મોબાઇલ સેરવતા પકડાઇ ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડાતાં ફરી ડીંડક આદર્યા હતાં. સિવિલ હોસ્પિટલમાં જ મોટે ભાગે હાથફેરા કરતાં આ શખ્સે હાલમાં અહિ સિકયુરીટી અને પોલીસ ચેકીંગ કડક બન્યા હોઇ બીજા સ્થળોએ કસબ અજમાવવાનું ચાલુ કર્યુ છે. પરંતુ મોટે ભાગે દરવખતે પકડાઇ જતાં માર ખાઇને હોસ્પિટલમાં આવે છે, પોલીસ સ્ટેશને લઇ જવાય છે, છુટી જાય છે અને ફરી હતું એનું એ કામ કરે છે. આનો કાયમી ઉકેલ પોલીસ લઇ આવે તે અત્યંત જરૃરી બની ગયાનું ભોગ બની ચુકેલા લોકો કહી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે ગત તા. ૧૧/૭ના રોજ ઝનાના વિભાગમાં ડો. કમલ ગોસ્વામી લિફટમાં જતાં હતાં ત્યારે આ શખ્સ તેની સાથે અથડાઇને ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરીને ભાગી ગયો હતો. ત્યારે તેમણે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિકયુરીટીએ સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે આ શખ્સને ઓળખી લઇ પોલીસને જાણ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.