આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલ હાર્ટ એટેક આવતાં યુવક માટે બની જીવનદાત્રી: તાત્કાલિક સ્ટેન્ટ બેસાડતાં મળ્યું નવું જીવન - At This Time

આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલ હાર્ટ એટેક આવતાં યુવક માટે બની જીવનદાત્રી: તાત્કાલિક સ્ટેન્ટ બેસાડતાં મળ્યું નવું જીવન


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટમાં આવેલી કે.ડી.પરવાડિયા હોસ્પિટલ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સમાન કામગીરી કરી રહી છે. ત્યારે ઢસા ગામ વિસ્તારમાં 1962 પશુ એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા 26 વર્ષના યુવકને અચાનક છાતીમાં દુઃખાવો અને પરસેવો વળતાં આસપાસમાં ક્યાંય સારવાર ન મળતાં તાત્કાલિક કે.ડી. પરવાડિયા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તાત્કાલિક રિપોર્ટ કરાયા હતાં. ત્યારબાદ એક નળી બ્લોક હોવાનું સામે આવતાં સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું હતું. આમ દર્દીને નવું જીવન મળતાં પરિવારજનોએ હોસ્પિટલ સાથે ટ્રસ્ટીઓ અને તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. માં કાર્ડનો દર્દીએ લાભ લીધો હોવાથી સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

કે.ડી. પરવાડીયા હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડો. મંદીપ ટીલાલા અને યોગેશ કાછડિયાએ કહ્યું કે, આ દર્દીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. પરસેવો ખૂબ વળી ગયો હતો અહી લાવવામાં આવતાં જ અત્યાધુનિક સારવાર હોવાથી હોસ્પિટલમાં જ તમામ રિપોર્ટ કરાયા હતાં. જેમાં જાણવા મળ્યું કે, હ્રદયમાં એટેક છે. એન્જિયોપ્લાસ્ટિ મારફતે એક નળી બ્લોક હોવાનું સામે આવતાં જ તાત્કાલિક સ્ટેન્ટ બેસાડીને નવું જીવન આપવામાં આવ્યું હતું.

દર્દીના સંબંધી ભોળાભાઈ ગોવિંદભાઈએ કહ્યું કે, આ મારો ભત્રીજો થાય છે ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાં તકલીફ થતાં તાત્કાલિક ઉંટવડ બાદ ખાનગી વાહનમાં આટકોટ લઈ આવવામાં આવ્યો હતો. આજકાલ આપણે જોઈએ છીએ કે નાની ઉંમરના યુવકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એ લોકોને સારવારનો સમય પણ મળતો નથી. મારો ભત્રીજો નશીબદાર છે કે, આટકોટમાં કે.ડી.પરવાડિયા હોસ્પિટલ હોવાથી તેને તાત્કાલિક સારવાર મળી અને તેનું જીવન બચી ગયું. આ સુવિધા ન હોત તો રાજકોટ જવું પડે અને એ સ્થિતિમાં શું થાય તે તો કલ્પના કરતાં પણ કંપારી છૂટી જાય છે. અમે હોસ્પિટલ બનાવનાર તમામ ટ્રસ્ટીઓ, દાત્તાઓ, ભરતભાઈ બોઘરા સહિત મા કાર્ડ આપનાર સરકાર અને તબીબોના આભારીએ છીએ. કંઈ અમંગળ થાય તે પહેલાં જ મંગળવારે અમારી સાથે આ હોસ્પિટલ થકી મંગળ થયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.